ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ફિલીપ ક્લાર્ક

ફિલીપ ક્લાર્ક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તમે કિનારે ચૂપ – ફિલિપ ક્લાર્ક

ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

તમે ગયાં ને ફૂલદાનીમાં
ફૂલો નહીં પણ શૂલ,
કારણ નહીં ને ભમે અબોલા
કેવી થઈ ગઈ ભૂલ!

સાવ સુંવાળી હથેળીઓમાં ખોદી બેઠા કૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

કાજળમાં ઓગળતી રાતો
અને નીતરતાં ગીત,
આવો કહીને અળગાં રહેતાં
મળતાં એવાં સ્મિત.

ઝાકળ વચ્ચે તડકો કે આ ૨મે તમારું રૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

-ફિલિપ ક્લાર્ક

પ્રેમીજનો વચ્ચે અકારણ અબોલા અને તણાવ કઈં નવી વાત નથી. ભીતર સંવેદનના દરિયા ખળભળતા હોય અને સામી વ્યક્તિ કિનારે મૂંગીમંતર ઊભી હોય એવી અકળામણમાંથી આ રચના જન્મી છે. પ્રિયજનની અનુપસ્થિતિમાં ફૂલદાનીના ફૂલ કાંટા સમા ભાસે છે. હથેળીઓમાં સ્પર્શના અને સહવાસના બગીચા ઉગાડવાના હોય એના સ્થાને બેય જણ કૂવા ખોદી બેઠા છે. ભૂલ સમજાય છે પણ પહેલ કોણ કરે? પરિણામે રાતો ઉજાગરામાં પસાર થાય છે અને આંસુઓમાં કાજળ ધોવાય છે. સામનો થાય તો આવોની ઔપચારિકતાવાળું સ્મિત અલગાવ બનાવી રાખે છે. ઝાકળ પર પડતો તડકો રંગોની રમત કરી જે સૌન્દર્ય જન્માવે એમાં પણ પ્રિયજનનું રૂપ જ નજરે ચડે છે, પણ….

Comments (6)

ઇચ્છા – ફિલિપ ક્લાર્ક

રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ

રોજ રોજ રેતીમાં જોયા કરે છે એ
મૃગજળની ફેલાતી માયા.
પાન એનાં પળપળ નાખે છે નિસાસા
ને ખુદમાં સમેટે છે છાયા.
પાંદડી ફૂટે ને એના હૈયામાં ફાળ પડે.
ના આવે એને નવો કૈં મોડ;
રણમાં ઊગેલા એક છોડની આંખમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

ઉપાડી લો કો’ક એને મૂળ સોતો રેતથી
કો’ક વગડામાં દો ને વાવી;
બારે મહિના એને વેઠવી રહી પાનખર
કે છે વસંત ક્યારેય ના આવી.
રેડો લીલાશ કોઈ પીળા પડતા પાનમાં
કે હળવે હાથેથી કરો ગોડ.
રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

– ફિલિપ ક્લાર્ક

…..યું હોતા તો ક્યા હોતા…..

Comments (5)

નિદાન – ફિલિપ ક્લાર્ક

ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું:
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.

– ફિલિપ ક્લાર્ક

લોકશાહીની ખરી તકલીફનું સચોટ નિદાન કરતી કવિતા.

Comments (18)

સાંજ – ફિલીપ ક્લાર્ક

શૂન્યતાની પાંખ ફડફડતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફર્યો
મહેક ભીની સાંજ સળવળતી રહી

– ફિલીપ ક્લાર્ક

Comments (4)