તમે કિનારે ચૂપ – ફિલિપ ક્લાર્ક
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.
તમે ગયાં ને ફૂલદાનીમાં
ફૂલો નહીં પણ શૂલ,
કારણ નહીં ને ભમે અબોલા
કેવી થઈ ગઈ ભૂલ!
સાવ સુંવાળી હથેળીઓમાં ખોદી બેઠા કૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.
કાજળમાં ઓગળતી રાતો
અને નીતરતાં ગીત,
આવો કહીને અળગાં રહેતાં
મળતાં એવાં સ્મિત.
ઝાકળ વચ્ચે તડકો કે આ ૨મે તમારું રૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.
-ફિલિપ ક્લાર્ક
પ્રેમીજનો વચ્ચે અકારણ અબોલા અને તણાવ કઈં નવી વાત નથી. ભીતર સંવેદનના દરિયા ખળભળતા હોય અને સામી વ્યક્તિ કિનારે મૂંગીમંતર ઊભી હોય એવી અકળામણમાંથી આ રચના જન્મી છે. પ્રિયજનની અનુપસ્થિતિમાં ફૂલદાનીના ફૂલ કાંટા સમા ભાસે છે. હથેળીઓમાં સ્પર્શના અને સહવાસના બગીચા ઉગાડવાના હોય એના સ્થાને બેય જણ કૂવા ખોદી બેઠા છે. ભૂલ સમજાય છે પણ પહેલ કોણ કરે? પરિણામે રાતો ઉજાગરામાં પસાર થાય છે અને આંસુઓમાં કાજળ ધોવાય છે. સામનો થાય તો આવોની ઔપચારિકતાવાળું સ્મિત અલગાવ બનાવી રાખે છે. ઝાકળ પર પડતો તડકો રંગોની રમત કરી જે સૌન્દર્ય જન્માવે એમાં પણ પ્રિયજનનું રૂપ જ નજરે ચડે છે, પણ….
ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' said,
July 22, 2023 @ 12:07 PM
સુંદર અભિવ્યક્તિ વિરહ વેદના 👌🏻👌🏻
Vinod Manek 'Chatak' said,
July 22, 2023 @ 12:33 PM
સરસ વિજોગી ગીતિકા
PRAVIN SHAH said,
July 22, 2023 @ 1:57 PM
વાહ ! ખૂબ સરસ !
pragnajuvyas said,
July 22, 2023 @ 8:39 PM
ફિલિપ ક્લાર્કનુ સુંદર વિરહ ગીત .ડૉ વિવેકનો સ રસ અનુવાદ અને આસ્વાદ
અનુવાદ સાથે મૂળ ગીત હોય તો વધુ સારું રહે.
આવા વિરહ ગીતના અનુવાદ અંગે જાણીતી વાત
એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
ઝાકળ વચ્ચે તડકો કે આ ૨મે તમારું રૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.
વાહ્
યાદ આવે ડૉ વિવેકનો શેર
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
જેમ પ્રેમની ભાવનાને શબ્દોમાં બાંધવી અશક્ય છે એમ વિરહમાં ઝૂરવાની સ્થિતિને આલેખવા માટે પણ શબ્દો હંમેશા ઓછાં જ પડે છે. આમ તો પ્રિયજનથી વિયોગ, પ્રિયજનનો વિરહ અને પ્રિયજનની જુદાઇને વર્ણવતી રચનાઓ અગણિત છે.
Poonam said,
July 27, 2023 @ 6:43 PM
સાવ સુંવાળી હથેળીઓમાં ખોદી બેઠા કૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.
– ફિલિપ ક્લાર્ક –
Pan… Aaswad sir ji 👌🏻
Aasifkhan Pathan said,
August 3, 2023 @ 11:09 PM
વાહ સરસ ગીત