ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
– રક્ષા શુકલ

(કવિ સંમેલન કરવું છે) – મુકેશ જોષી

મૃગજળ જેવા મનને મારે એક સરોવર ધરવું છે,
હરિ! તમારા સંચાલનમાં કવિસંમેલન કરવું છે.

સૃષ્ટિમાંના બધા આગિયા દીપ પ્રજ્વલિત કરશે,
તમે રમ્યા જે રાસ,રાતનું ચાંદ વિમોચન કરશે,
આજ લગી પુષ્પો સંભાળે અભિવાદનની બાબત,
કિંતુ હરિવર આપણ કરશું સહુ ફૂલોનું સ્વાગત,
કદંબ ડાળે પાન ફરકતું એ રીતે ફરફરવું છે..

હરિ! તમારા વ્યક્તિત્વોના પાસાં સૂરજ ખોલે,
પછી પવન, આકાશ, ધરા ને પાણી થોડું બોલે,
સહુ કવિઓની બેઠક માટે પાથરશું બે લોચન,
હરિ! તમારી ખાસ વ્યવસ્થા, મારું હૃદય સિંહાસન,
આ જીવનથી પેલું જીવન કવિતાઓથી ભરવું છે..

તુલસી, મીરા, સૂર, કબીરા, વ્યાસ, શુક્ર, ટાગોર,
એવું નહીં કે બબ્બે બોલે, રાખશું ખુલ્લો દોર,
ઉ.જો., સુ.જો., ર.પા., સુ.દ. ને મરીઝની હો છાપ,
ધન્ય ધન્ય એ કવિઓ જેને રજૂ કરી દો આપ,
તમે વખાણો એ પંક્તિનું સ્મિત પછી સંઘરવું છે..

સમય મજાનો કળિયુગથી લઈ સતયુગનો પરવડશે,
છેલ્લી કવિતા તમે બોલશો પછી જ પડદો પડશે,
બધા કવિને પુરસ્કારમાં ખોબો અવસર દઈશું,
પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઈશું,
આવા સુંદર અવસર કરવા લખચોરાસી ફરવું છે..

– મુકેશ જોષી

હવે આવા મસ્ત મજાના ગીતમાં ટિપ્પણી શી કરવી? ખુલ્લા ગળે ને મોકળા મને લલકારતા જાવ અને માણતા જાવ, બસ…

13 Comments »

  1. Sandhya Bhatt said,

    November 12, 2021 @ 1:03 AM

    બહુ જ સરસ ગીત થયું છે..આખા વિશ્વના તત્વોને આવરી લીધાં છે..ખૂબ મઝા પડી.

  2. Deval Vora said,

    November 12, 2021 @ 1:07 AM

    મુકેશ જોષી હોય અને મજા ના પડે તો જ આશ્ચર્ય …બહુ જ સરસ કલ્પના.આભાર વિવેક સર આ ગીત પહોચાડવા માટે .

  3. Harihar Shukla said,

    November 12, 2021 @ 1:31 AM

    સૂરજ, પવન, આકાશ ધરા અને પાણી: પાંચ તત્વોનું કવિ સંમેલન 👌

  4. ashok trivedi said,

    November 12, 2021 @ 1:50 AM

    wah,wah, dost jalso padi gayo

  5. હર્ષદ દવે said,

    November 12, 2021 @ 2:22 AM

    સરસ ગીત.
    કવિશ્રી મુકેશ જોષીને અભિનંદન

  6. Vineschandra Chhotai said,

    November 12, 2021 @ 7:16 AM

    ક્યાં સુધી લે છે કવિ કલ્પના

    સરવે કવિતા જગત સંમતિ દર્શાવી રહ્યા છે.

    અભિનંદન

  7. Gautam Simedia said,

    November 12, 2021 @ 8:31 AM

    Wow very nice 👍

  8. Jayesh Dharia said,

    November 12, 2021 @ 10:17 AM

    અહાહા… વાહ.. ખૂબ ઊંચા દરજ્જાની કવિતા છે..
    અદભૂત આલેખન.. હૃદય સુઘી પહોંચે છે આ કવિતા..
    કવિ ને ખુબ ખુબ અભિનંદન

  9. Anila Patel said,

    November 12, 2021 @ 12:14 PM

    એક તો કવિઓનો કાફલો અને તેમાંય કવિતાની વણઝાર.
    ને ઉપરથી હરિવરનું સંચાલન પછી તો જોવાનું જ શું હોય.
    અદ્ભુત, અદ્ભૂત અદ્ભુત

  10. Poonam said,

    November 13, 2021 @ 7:40 AM

    તમે વખાણો એ પંક્તિનું સ્મિત પછી સંઘરવું છે..
    Aadi – Anaadi Anant… Satatay…

  11. Dinesh O. Shah Shah said,

    November 13, 2021 @ 4:14 PM

    ” બધા કવિને પુરસ્કારમાં ખોબો અવસર દઈશું,
    પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઈશું,”

    મુકેશભાઈ, બહુજ ઓરિજિનલ કવિતા બદલ ખુબ ખુબ અભિનન્દન !!

    દિનેશ ઓ. શાહ, ફ્લોરિડા, યુ.એસ્ એ.

  12. DILIPKUMAR CHAVDA said,

    November 16, 2021 @ 6:12 AM

    મૃગજળ જેવા મનને મારે એક સરોવર ધરવું છે,
    હરિ! તમારા સંચાલનમાં કવિસંમેલન કરવું છે.

    શું જોરદાર મુખડું છે…
    વાહ વાહ વાહ

  13. Indu Shah said,

    November 24, 2021 @ 8:04 AM

    સુંદર ગીત્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment