સૂરજ પ્રવેશ્યો નહીં આપણી ગુફાઓમાં,
ઉપર દિવસ છે અને નીચે રાત ચાલે છે.

ભરત વિંઝુડા

મનને સમજાવો નહીં – રાજેન્દ્ર શુક્લ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે !

– રાજેન્દ્ર શુક્લ

“મન” શું છે તેનું ઉત્તમ વિશ્લેષણ જે.કૃષ્ણમૂર્તિના સાહિત્યે જડે. પ્રસ્તુત ગઝલે પાંચ શેરમાં ખાસ્સી અઘરી વાતો કહેવાઈ છે.

કવિશ્રીને જન્મદિવસની વધાઈઓ…..

4 Comments »

  1. pragnajuvyas said,

    October 12, 2021 @ 11:20 AM

    સૌ પ્રથમ કવિશ્રી રાજેન્દ્ર શુક્લને જન્મદિવસની વધાઈઓ
    .
    મનની વાંકીચૂકી ગલીઓને ગૌરવભરી ભાષામાં પરોવીને રજૂ કરતા આ કવિની રચનાઓ હૃદય અને મન બંનેને શાતા આપે એવી છે. મનના તાગ કોણ તાગી શક્યું છે? આપણા ભાવો મનના છાલિયામાં કઈ રીતે ઊભરાય છે તે આપણે પોતે પણ સમજતા નથી હોતા. કવિ રાજેન્દ્ર શુક્લએ આ ગઝલના પ્રત્યેક શેરમાં મનની જુદી જુદી દશા-દિશા સુપેરે વ્યક્ત કરી છે

  2. જયેન્દ્ર ઠાકર said,

    October 12, 2021 @ 1:48 PM

    કવિશ્રી રાજેન્દ્ર શુક્લની કવિતાઓમાં જે ઉંડાણ છે તે અલૌકિક છે. અહીં એક વીડીયોમાં તેમને જોવાનો લહાવો મળે છે…https://www.youtube.com/watch?v=-LEcEw3igKA.
    Wish him Many Happy returns of his Birth Day!!

  3. Maheshchandra Naik said,

    October 12, 2021 @ 10:04 PM

    કવિશ્રી રાજેન્દ્ર શુક્લન સાદર જન્મ દિવસની શુભકામનાઓ….
    મનને સમ્જાવો નહી….
    સરસ શીખ આપી જતી ગઝલ,

  4. વિવેક said,

    October 13, 2021 @ 2:01 AM

    ટાઇમલેસ રચના…

    લયસ્તરો પર આ અત્યંત જાણીતી રચના આજ સુધી હતી જ નહીં એનું આશ્ચર્ય…

    ફરી ફરીને માણવી ગમે એવી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment