કિશોર વાઘેલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 18, 2021 at 9:32 AM by તીર્થેશ · Filed under કિશોર વાઘેલા, ગઝલ
આ પથ ઉપર ફરી હું સફરમાં નહીં મળું;
અર્થો તરફ ગયો છું, શબદમાં નહીં મળું.
એવું બને કે સ્પર્શ થતાં હું ખરી પડું,
આકારના જગતની જણસમાં નહીં મળું.
આધીન તમારે કંઠ બધા હો ભલે સૂરો,
ગાઈ શકો સહજ એ તરજમાં નહીં મળું.
આ સૂર્યના કિરણને પ્રસવ આપજે હવે,
ચમકાર છું જીવનના તમસમાં નહીં મળું.
શોધી શકો કદાચ હવામાં અવાજમાં,
હું સત્ય છું કદીય ભરમમાં નહીં મળું.
– કિશોર વાઘેલા
Permalink
March 11, 2007 at 12:35 AM by વિવેક · Filed under કિશોર વાઘેલા, ગઝલ
યાદ એની રોજ વાવી છે અહીં;
છાંયડો થઈ એજ આવી છે અહીં.
પાળિયાને પૂછ વાતો કાલની;
જિંદગી ઢસડીને લાવી છે અહીં.
કોણ ખોલી આપશે તારા વિના;
તું જ મારી એક ચાવી છે અહીં.
કેમ ચળકે હેમ જેવું પૂછ મા;
જાતને એણે તપાવી છે અહીં.
મોતનાં વાગે નગારાં તો ય તે;
જિંદગી કેવી પ્રભાવી છે અહીં.
-કિશોર વાઘેલા
25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતભરના તબીબ-કવિમિત્રોના કવિસંમેલનમાં અચાનક એક હાથ ખભા પર લાગણી બનીને અડ્યો. “ડૉ. વિવેક ટેલર?,” મને પૂછ્યું. મેં પ્રશ્નાર્થ નજરે જોયુ એટલે જવાબ મળ્યો: “હું ડૉ. કિશોર વાઘેલા.લયસ્તરો નિયમિત વાંચું છું. મારો સંગ્રહ તમને મોકલ્યો છે, એકાદ-બે દિવસમાં મળી જશે.” કવિસંમેલનમાં સરસ રચના રજૂ કરી મેદાન મારી ગયેલા ભાવનગર ખાતે સ્ત્રીરોગવિશેષજ્ઞ તરીકે પ્રેક્ટિસ કરતા મૂળે અવાણિયા ગામના આ યુવાન તબીબ મજાની ગઝલો લખે છે. કવિતા ઉપરાંત કટારલેખન પણ કરે છે. (જન્મતારીખ: 13-09-1960, ગઝલ સંગ્રહ: “સૂર્યની શોધ પહેલાં”)
(લયસ્તરોને “સૂર્યની શોધ પહેલાં” ગઝલસંગ્રહ ભેટ આપવા બદલ ડૉ. કિશોર વાઘેલાનો આભાર!)
Permalink