ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.
– રાહુલ શ્રીમાળી

(બહાનું છે) – હિમલ પંડ્યા

અહીંથી ત્યાં જવાનું છે,
મરણ કેવળ બહાનું છે.

ગતિમાં છો તમે, જોજો !
તમોને વાગવાનું છે.

ગયું એ ખૂબ ગમતું’તું,
ને છે, એ પણ મજાનું છે.

નથી ડર કે તૂટી જાશે,
હવે સપનું ગજાનું છે.

નવો સંકલ્પ શું લેવો?
તમારા થઈ જવાનું છે.

– હિમલ પંડ્યા

કવિના બીજા સંગ્રહ ‘ત્યારે જીવાય છે’નું સહૃદય સ્વાગત. આ સંગ્રહ સાથે કવિમિત્ર હિમલ પંડ્યાએ કેટલીક નૂતન કેડી પણ કંડારી છે… પ્રકાશન પાછળ થયેલ ખર્ચ સુદ્ધાં બાદ કર્યા વગર સંગ્રહના વેચાણમાંથી સાંપડેલ તમામ વકરો એમણે સમાજ અને સાહિત્યની સેવા માટે દાન કરી દીધો છે. આ સિવાય આ સંગ્રહની તમામ રચનાઓ સાથે કવિએ QR Code આપ્યા છે, જેને સ્કેન કરવાથી યુટ્યુબ ઉપર સમાજના પ્રસિદ્ધ સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમીઓ વડે કરાયેલું જે તે રચનાનું પઠન પણ માણવા મળશે. સંગ્રહમાંથી એક નાની બહેરની પણ મોટા ગજાની રચના આજે લયસ્તરોના મિત્રો માટે…

8 Comments »

  1. Shah Raxa said,

    October 21, 2021 @ 3:25 AM

    વાહ..વાહ..ખૂબ સરસ ગઝલ..અને ઉમદા કાર્ય …

  2. હિમલ પંડ્યા said,

    October 21, 2021 @ 5:13 AM

    ખૂબ આભાર પ્રિય વિવેકભાઈ અને લયસ્તરો.
    વિમોચનના માત્ર ૨૪ કલાકમાં પ્રથમ આવૃત્તિની ૧૦૦૦ નકલો ખપી ગઈ હોય એવો કોઈ કાવ્યસંગ્રહ માટે અકલ્પનીય પ્રતિસાદ છે. મા શારદાનો આભાર કે કવિતાના પ્રસાર અને સંવર્ધન માટેના એક ઉમદા ઉદ્દેશમાં મારી કવિતાઓને નિમિત્ત બનાવી. વંદન.

  3. pragnajuvyas said,

    October 21, 2021 @ 9:03 AM

    એકેએક અફલાતુન શેર
    પરંતુ આનો જવાબ નથી !
    નવો સંકલ્પ શું લેવો?
    તમારા થઈ જવાનું છે.

  4. જયેન્દ્ર ઠાકર said,

    October 21, 2021 @ 11:32 AM

    સરસ ગઝલછે! ગઝલના લખાણ દ્વારા તથા પોતના કર્મથી તેમણે એક સંત-સુફીની સમજ પેશ કરી છે.

  5. Maheshchandra Naik said,

    October 21, 2021 @ 2:57 PM

    સરસ ગઝલ, વાહ, વાહ…..
    કવિકર્મ પણ ખુબ સરાહનિય, ઉમદા શેર…….
    હવે, નવો સંકલ્પ શું લેવો.?
    તમારા થઈ જવાનુ છે..

  6. Lata Hirani said,

    October 22, 2021 @ 12:03 AM

    અભિનંદન હિમલભાઈ અને વંદન તમારી ભાવનાને.

    ગઝલ ગમી.

  7. હરીશ દાસાણી. said,

    October 22, 2021 @ 4:46 AM

    .સીધી સાદી ભાષામાં
    મરમ ગહરા.
    ઉત્તમ રચના.
    સાથોસાથ સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે સભાન પ્રયત્ન
    અભિનંદન.

  8. Amit Langalia said,

    October 31, 2021 @ 2:44 PM

    Wah..khub saras..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment