હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?
દેવાંગ નાયક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

નહીં મળું – કિશોર વાઘેલા

આ પથ ઉપર ફરી હું સફરમાં નહીં મળું;
અર્થો તરફ ગયો છું, શબદમાં નહીં મળું.

એવું બને કે સ્પર્શ થતાં હું ખરી પડું,
આકારના જગતની જણસમાં નહીં મળું.

આધીન તમારે કંઠ બધા હો ભલે સૂરો,
ગાઈ શકો સહજ એ તરજમાં નહીં મળું.

આ સૂર્યના કિરણને પ્રસવ આપજે હવે,
ચમકાર છું જીવનના તમસમાં નહીં મળું.

શોધી શકો કદાચ હવામાં અવાજમાં,
હું સત્ય છું કદીય ભરમમાં નહીં મળું.

– કિશોર વાઘેલા

Comments (3)

તે કોણ છે? – રમેશ પટેલ ‘ક્ષ’

સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે ?
ને પછી દૃષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે ?

સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે,
પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ છે ?

મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈઃ કહ્યું,
શર્વરીના કેશમાં મોતી ભરે તે કોણ છે ?

આમ તો ઝરણાં હંમેશાં પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે ?

જળ મહીં તરતાં રહે સરતાં રહે એ મત્સ્ય, પણ
મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે ?

સહુ મને દફ્નાવવાને આમ તો આતુર, પણ
આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે ?

– રમેશ પટેલ ‘ક્ષ’

Comments (4)

વરસાદમાં મનને – જયન્ત પાઠક

ધીમું ધીમું વરસત ઘનો, ઉત્સરે માટી ગંધ;
ભીનું ભીનું સ્પરશત હવા પ્રેરતી રોમ સ્પંદ;
ઊંડે ઊંડે ઊતરત પડો ભેદી વારિ પ્રસન્ન;
ફૂટું ફૂટું થત ભીતરનું બીજ-ચૈતન્ય છન્ન.
ફોડી પૃથ્વી-પડ નીકળતો નાનલો એક છોડ,
પ્હેરી માથે પરણ-ફૂલનો રંગબેરંગી મ્હોડ,
રૂપે રંગે રસથી વનના પ્રાન્ત દેતો ઝબોળી,
ઘૂમે જેમાં ભ્રમર-મધુમખ્ખી-પતંગોની ટોળી.

આ ખીલ્યાનો અવસર, ઋતુ પ્રાવૃષી રંગરાગી,
તેમાં મારા મન, દર મહીં કેમ બેઠું ભરાઈ
રોવે ઘેરી ગમગીની, પડ્યું કેમ રે સંકુચાઈ,
મ્હોર્યાં રૂડા જીવનવનના સૌ રસાનંદ ત્યાગી?
તું, હે મારા મન! ઊઘડી જા – એક આનંદ-સ્ફોટ!
ને તારે ના પછી ભ્રમર-મખ્ખી-પતંગાની ખોટ.

– જયન્ત પાઠક

પહેલી આઠ પંક્તિઓમાં વર્ષા ઋતુ અને પ્રકૃતિના પ્રતિસાદનું મનોહર વર્ણન છે. વરસાદ ધીમું ધીમું વરસે છે, ભીની માટીમાંથી ગંધ ઊઠે છે. આછાવરસાદવાળી હવા ત્વચાને સ્પર્શે છે ત્યારે રોમેરોમ સ્પંદન અનુભવે છે. પ્રસન્ન જળ ધરતીના પડો ભેદીને ઊંડે ઊંડે સુધી ઊતરે છે. અને ધરતીમાં છૂપાઈને (છન્ન) બેઠેલ બીજમાંથી ચૈતન્ય ફૂટું-ફૂટું થાય છે. આખરે એક નાનો છોડ પૃથ્વીનું પડ ફોડીને બહાર આવે છે. (નાનલો શબ્દ તળગુજરાતની બોલીનો સંસ્પર્શ પણ કરાવે છે!) આ અંકુર (મ્હોડ)ના માથે રંગબેરંગી પર્ણ-ફૂલનો તાજ ધીમેધીમે ખીલે-ખુલે છે. વરસાદના રૂપરંગમાં સમગ્ર સૃષ્ટિ ઝબોળાઈ જાય છે અને ભમરા-મધુમાખી અને પતંગોની ટોળી મજા લે છે.

પણ કવિનું મન કોઈક કારણોસર આ રંગરાગની વરસાદી (પ્રાવૃષી) ઋતુમાં ખીલવાના અવસરે દર મહીં ભરાઈ ગયું છે. ઘેરી ગમગીની રોઈ રહી છે. જીવનવનમાં મહોરેલ તમામ રૂડાં રસ અને આનંદ ત્યાગીને મન શા માટે સંકોચાઈ પડ્યું છે એ સવાલ કવિને થાય છે. કવિ પોતાના દુઃખી મનને જે રીતે ધરતીનું પડ ફાડીને બીજ ફણગો થઈ બહાર આવે એ જ રીતે આનંદ-સ્ફોટ સાથે ઊઘડી જવા આહ્વાન આપે છે… ભીતર આનંદવર્ષા થવા માંડે પછી ઇચ્છા-સ્વપ્નોના કીટકોની કોઈ ખોટ પડનાર નથી…

પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને અંગત તકલીફો ભૂલી જવાની શીખ આપતી કેવી મજાની આ રચના છે!

અષ્ટકમાં અ-અ બ-બ પ્રકારે ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા બાદ ષટકમાં અ-બ-બ-અ ક-ક પ્રમાણે પ્રાસપલટો પણ કવિએ પ્રયોજ્યો છે, જે સૉનેટના અનિવાર્ય અંગ ‘વૉલ્ટા’ (ભાવપલટા)ને બરાબર માફક આવે છે.

Comments (4)

(કવિ સંમેલન કરવું છે) – મુકેશ જોષી

મૃગજળ જેવા મનને મારે એક સરોવર ધરવું છે,
હરિ! તમારા સંચાલનમાં કવિસંમેલન કરવું છે.

સૃષ્ટિમાંના બધા આગિયા દીપ પ્રજ્વલિત કરશે,
તમે રમ્યા જે રાસ,રાતનું ચાંદ વિમોચન કરશે,
આજ લગી પુષ્પો સંભાળે અભિવાદનની બાબત,
કિંતુ હરિવર આપણ કરશું સહુ ફૂલોનું સ્વાગત,
કદંબ ડાળે પાન ફરકતું એ રીતે ફરફરવું છે..

હરિ! તમારા વ્યક્તિત્વોના પાસાં સૂરજ ખોલે,
પછી પવન, આકાશ, ધરા ને પાણી થોડું બોલે,
સહુ કવિઓની બેઠક માટે પાથરશું બે લોચન,
હરિ! તમારી ખાસ વ્યવસ્થા, મારું હૃદય સિંહાસન,
આ જીવનથી પેલું જીવન કવિતાઓથી ભરવું છે..

તુલસી, મીરા, સૂર, કબીરા, વ્યાસ, શુક્ર, ટાગોર,
એવું નહીં કે બબ્બે બોલે, રાખશું ખુલ્લો દોર,
ઉ.જો., સુ.જો., ર.પા., સુ.દ. ને મરીઝની હો છાપ,
ધન્ય ધન્ય એ કવિઓ જેને રજૂ કરી દો આપ,
તમે વખાણો એ પંક્તિનું સ્મિત પછી સંઘરવું છે..

સમય મજાનો કળિયુગથી લઈ સતયુગનો પરવડશે,
છેલ્લી કવિતા તમે બોલશો પછી જ પડદો પડશે,
બધા કવિને પુરસ્કારમાં ખોબો અવસર દઈશું,
પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઈશું,
આવા સુંદર અવસર કરવા લખચોરાસી ફરવું છે..

– મુકેશ જોષી

હવે આવા મસ્ત મજાના ગીતમાં ટિપ્પણી શી કરવી? ખુલ્લા ગળે ને મોકળા મને લલકારતા જાવ અને માણતા જાવ, બસ…

Comments (13)

(કંડારવાનું છે) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

આ એક જ જ્ઞાનના આધાર પર ઉન્નત થવાનું છે,
કોઈને કંઈ કહ્યા વિના બધું છોડી જવાનું છે.

ચમક આંખોમાં લઈને દ્વાર પર શું કામ ઉભા છો?
શું અજવાળું લઈને સાંજે કોઈ આવવાનું છે?

ભલે ગુમાવી દઉં હું જાત પણ ચોપાટ નહીં છોડું,
એ ખુશ ના થાય ત્યાં સુધી રમતમાં હારવાનું છે.

સમય-સંજોગની ઠોકરથી જેના થ્યા છે સો ટુકડા,
ખુમારીનો લઈ ધાગો એ સપનું સાંધવાનું છે.

મેં પાછું લઈ લીધું છે ટાંકણું એને જે સોંપ્યું’તું,
નવેસરથી હવે અસ્તિત્વને કંડારવાનું છે.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

સરસ મજાની ગઝલ… બધા જ શેર મજાના છે પણ મત્લા અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાન માંગી લે એવા.. ત્રીજા અને પાંચમા શેરમાં સ્ત્રીસર્જકની ઉપસ્થિતિ પણ બહુ સરસ રીતે વર્તાય છે…

Comments (9)

સારમાં સાર અબળા તણો – નરસિંહ મહેતા

(રાગ : કેદારો)

સારમાં સાર અવતાર અબળા તણો,
જે બળે બળભદ્ર-વીર રીઝે;
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી?
તેણે નવ નાથનુ કાજ સીઝે. સારમાંo

મુક્તિ પર્યન્ત તો પ્રાપ્તિ છે પુરુષને,
સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે,
તે નહીં નારી-અવતાર પાખે. સારમાં o

ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ,
ગાપિકા ચરણરજતેહ વંદે;
ગેાપીથી આપનુ અધમપણું લેખવે,
નરપણું નવ રુચે, આપ નં(નિ)દ. સારમાંo

વેદ- વેદાંત ને ઉપનિષદ ખટ મળી,
જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે,
અહર્નિશ અનુભવ-સંગ લીધો. સારમાંo

સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા!
પ્રણમું હું, પ્રાણપતિ ! પાણ જોડી;
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યુ ફરે,
ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. સારમાંo

– નરસિહ મહેતા

શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની અનેક રીતોમાંની પ્રમુખ તે પ્રેમલક્ષણા ભક્તિની રીત. અને એમાંય કૃષ્ણની પ્રેમિકા-પત્ની બનવાની ઝંખા ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે. પ્રેમ ગમે એટલો ઉત્કૃષ્ટ કેમ ન હોય અને પ્રેમનો સ્વીકાર પણ ગમે એટલો સંપૂર્ણ કેમ ન હોય, સ્ત્રી અને પુરુષ જે રીતે એકમેકમાં ઓગાળી જઈ શકે છે, એ રીતે બે પુરુષ કદી એકાકાર થઇ શકતા નથી. એટલે જ પરાપૂર્વથી પુરુષ કવિઓ ઈશ્વરારાધના સ્ત્રી બનીને કરતા આવ્યા છે. નરસિંહ પણ આ જ મતના છે. દયારામની જેમ એમના પણ અસંખ્ય પદોમાં નારીભાવે સમર્પણ જોવા મળે છે.

નરસિંહ કહે છે કે લેવા જેવો કોઈ અવતાર હોય તો તે અબળાનો છે, કેમકે એના જ બળે કૃષ્ણને રિઝવી શકાય છે. વર્ણસગાઈને વધુ અસરદાર બનાવવા માટે કવિ શ્રી કૃષ્ણને બળભદ્રના વીર કહે છે એમાં સાચું કવિકર્મ ઝળકે છે. પુરુષને પણ મુક્તિ તો પ્રાપ્ત થઈ શકે છે પણ ચૌદ ભુવનનો નાથ સામે ચાલીને નોહરા કરે, આજીજી કરે એ તો સ્ત્રી અવતારને જ નસીબ થઈ શકે ને?

ઇન્દ્ર વગેરે દેવો અને મહામુનિઓને પણ ગોપીભાવ હાંસિલ નથી, પરિણામે ગોપિકાની ચરણરજ તેઓ માટે વંદનીય છે. પોતાને સ્વામીથી અલગ રાખતું પોતાનું નરપણું એમને રુચતું નથી. વેદ-ઉપનિષદોમાં જે રસ પ્રગટ થયો છે, એ તો ભાગ્યની બળવાન ભામિની સાથ-સંગાથના અનુભવમાંથી અહર્નિશ મેળવે છે. નરસિંહનું સ્વપ્ન છે કે પોતે આ ગોપીભાવ, અબળા-અવતાર પ્રાપ્ત કરે, અને એ માટે જ જેમ પેંધું પડી ગયેલું જાનવર જે રીતે પૂંઠે પૂંઠે ફર્યે રાખે એમ હાથ જોડીને તેઓ શ્રી કૃષ્ણની પાછળ પાછળ ફરી રહ્યા છે…

સરવાળે, પ્રેમલક્ષણા ભક્તિનું એક અમર પદ…

ઝૂલણાના આવર્તનોની સંગીતાત્મકતાની સાથોસાથ કવિનું ક્રિયાપદ-બાહુલ્ય, પંક્તિએ પંક્તિએ રણકતી વર્ણસગાઈઓ અને આંતરપ્રાસ વગેરે પર એક નજર કરીશું તો સમજાશે શા માટે આપણો આ આદિકવિ આટઆટલી સદીઓના વહાણાં વાઈ ગયાં હોવા છતાં હજીય કવિશ્રેષ્ઠ ગણાય છે!

Comments (4)

એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,
તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે
સૌ સૌનું મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની
વિદ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

અંધારું ગમે એટલું સર્વવ્યાપી અને ગહન કેમ ન હોય, નાનામાં નાનો એક દીવો સળગ્યો નથી કે એનો omniscient ego ક્ષણાર્ધમાં હણાઈ ગયા વિના રહેતો નથી. અંધારામાં પોતપોતાનું અસ્તિત્ત્વ ગુમાવી બેઠેલ તમામ ચીજોને એ પોતાનું મૂળ સ્વરૂપ ફરી અપાવે છે, અને તોય કોઈ અપેક્ષા રાખ્યા વિના એ મહાદાની ચુપચાપ બીજાઓ માટે જાતને બાળવાનું ચાલુ રાખે છે. આ વિદ્યા એને ક્યાંથી સાંપડી અને કયા ગુરુની કૃપાથી એને આ તપસ્યા ફળી એ કળવું શક્ય નથી. દીવાનું આયુષ્ય ટૂંકું છે પણ જે ક્ષણે એ પ્રકટે છે, એ એક ક્ષણને કવિ શાશ્વત પળ કહીને કવિ એનો જે મહામહિમા કરે છે, ત્યાં સાચી કવિતા સિદ્ધ થઈ છે…

દિવાળીના આ પર્વ પર બસ, કોઈના જીવનમાં વ્યાપ્ત અંધારું દૂર કરી શકીએ તો ઘણું…

Comments (2)

ઘેરે ઘેર દિવાળી – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

રાજી કરીએ કુંભાર, મેરાઈ, વાળંદ, મોચી, માળી;
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી…

આનંદ છે સહિયારી ઘટના -એ મુદ્દે સૌ સંમત,
તડતડ થાતી એક લુમ ને પડે બધાને ગમ્મત;
હોય મુખીનો મનુય ભેગો, હોય ગામ ગોવાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

મે’ર મે’ર રાજાના નાદે, મેરૈયાને ભાળી,
બેઉ બળદની આંખો ચમકે, બોલે ખમ્મા હાળી !
ગવરી ગાય મુખ ચાટે, નાચે ઘોડી ઘુઘરિયાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

સાધુ, બામણ, ગરીબગુરબાં, વણકર, મેતર, ઢોલી;
દરબારી ડેલીમાં જાણે પૂરી છે રંગોળી!
ખાય સહુ સહુના હિસ્સાનું, ખુશીઓની પતરાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

આજે ગ્લોબલાઇઝએશનના ઈરેઝરથી તહેવારોનું અસલી પોત ઝડપભેર ભૂંસાવા માંડ્યું છે, એટલે મારા પછીની પેઢીને તો આ ગીતની દિવાળી કદાચ સમજાય પણ નહીં. નાનો હતો ત્યારની જૂના શહેરની જૂની શેરીઓમાં આવી દિવાળી કૈંક અંશે જોવા મળતી, તે હજી સાવ વિસરાઈ નથી ગઈ, પણ આજે તો કદાચ ગામડાઓમાં પણ આવી દિવાળી જોવા નહીં મળે.

વાત દિવાળીની છે પણ શરૂઆત રાજી કરવાની વાતથી થાય છે, એ નોંધવા જેવું. અસ્સલની દિવાળીની આ જ તો ખાસિયત હતી ને! એમાં રાજી કરવામાં વધુ રાજીપો હતો. અને આજે? એક-બે નહીં, તમામ જ્ઞાતિના માણસોને રાજી કરવામાં આવે એ જ ખરી દિવાળી. અને ભાવના જુઓ! એમ નહીં કે માત્ર મારા ઘરે જ દિવાળી હોય… ઘેર ઘેર દિવાળી હોય એ જ સાચો તહેવાર. એ જમાનામાં આનંદ પણ સહિયારો હતો. એક લૂમ ફૂટે અને આખું ગામ ખુશ થતું. આજે તો બાજુવાળા કરતાં મારા ઘરે ફૂટતી લૂમ મોટી છે કે કેમ એના પર આવીને આપણો આનંદ સંકોચાઇ ગયો છે.

દિવાળીને દહાડે દીકરો અને નવી વહુ શેરડીના દાંડામાં ટોપરાનો વાટકો રાખી તેમાં ઘી અથવા તેલથી દીવો કરે અને ઘેર ઘેર ઘી-તેલ પુરાવવા નીકળે એને મેરાયું સીંચવું કહેવાય. આ સિવાય શેરડીના સાંઠે છોકરાંઓ કાકડો બાંધી મસાલ કે દીવો કરી ફરે એ મેરમેરૈયું કહેવાય. એક વાયકા એવી પણ છે કે ઇન્દ્રના પ્રકોપથી સહુને બચાવવા શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત આંગળી પર ઊઠાવી લીધો હતો; અને અંતે, જે ગોવાળિયાઓ વરસાદથી બચવા ગુફાઓમાં સંતાઈ ગયા હતા એમને શોધી કાઢવા મેરૈયો લઈને બાકીના ગોવાળ નીકળ્યા હતા. આ પુરાકથા પણ કદાચ આ રિવાજની પાછળ હોઈ શકે. હશે, પણ મેરૈયાને ભાળીને તો મૂંગા જનાવર પણ ખુશ થઈ જાય છે. મતલબ દિવાળીનો લ્હાવો કવિ કહે છે એમ સૃષ્ટિના તમામ સજીવોને મળી રહ્યો છે. સાચી દિવાળી આને જ તો કહેવાય.

અને આ બધું પતે પછી ગામના દરબારની ડેલીએ નાનાં-મોટાં સૌ ખુશીઓની પતરાળીઓમાં પોતપોતાના હિસ્સાની ખુશીઓથી સંતુષ્ટ થતાં.

સાચે જ, દિ‘ વાળે એ દિવાળી! 

Comments (8)

કોડિયું – રવીન્દ્ર પારેખ

આટલાં કોડિયાં લઈને બેઠો છું
પણ એકકેય વેચાયું નથી
અંધારું થવા આવ્યું
કોઈ તો આવે
ને લઈ જાય થોડાં
તો કેવું સારું!
આ બધાં પ્રગટ્યાં વગર જ રહેશે?
કોડિયું હોય ને પ્રગટે જ નહીં એ કેવું?
અજવાળું કોઈને જોઈતું જ નહીં હોય શું?
આ થોડાં ક્યાંક પ્રગટે
તો મારી ઝૂંપડીમાં દીવો થશે
નાનકાને કેટલું મન છે
કનકતારાનું
એકાદ પેટી લઈ જવાય તો
વગર દીવાએ જ ચહેરો
અજવાળું થઈ જશે
કનકતારા તો નાના હાથોમાં જ શોભેને!
મોટો થાય ને ફટાકડાની ફેકટરી વસાવે તોય
આજે એના હાથમાં કનકતારો
ન હોય તો શું કામનું?
આટલાં બધાં કોડિયાનું નસીબ
આટલું અંધારિયું કેમ?
બહાર તો દીવા પ્રગટવાય લાગ્યા
પણ એ બધાં તો ઇલેક્ટ્રિક છે
સ્વિચ ઓન કરો ને ઝબકે
એમાં તેલ નહીં પૂરવાનું
પણ એમને કેમ કહેવું
કે કોડિયામાં તમે તેલ નહીં પૂરો
તો અમારે આંસુ પૂરવાં પડે છે…

– રવીન્દ્ર પારેખ

કવિતા સ્વયંસ્પષ્ટ છે. ધારદાર છે. રસ્તાની બાજુએ બેસીને માટીના કોડિયાં વેચતાં ગરીબ માણસ પાસે બે ઘડી ગાડી થોભાવીને આ દિવાળીમાં કોઈના જીવનમાં થોડું અજવાળું કરતો દીવો પેટાવી શકીશું?

કવિએ ઉદ્ગારચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન તો વાપર્યા છે, પણ આખી રચનામાં ક્યાંય અલ્પ કે પૂર્ણવિરામ મૂક્યાં નથી. કદાચ ગરીબ માણસના જીવનમાં કોઈ પ્રકારના વિરામને અવકાશ હોતો નથી એટલે? કવિતાના અંતે કવિએ ગરીબ માણસની આંખમાંથી ટપકતાં આંસુ જેવા ત્રણ ટપકાં મૂક્યાં છે, એ સાચે જ અર્થપૂર્ણ જણાય છે…

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

Comments (5)

બાકી રહે – જયંત પરમાર

આંખમાં ભીંજાયલી કોઈક ક્ષણ બાકી રહે;
ક્યાંક કોઈ શેરમાં તારું સ્મરણ બાકી રહે.

લાગણીની સૂકી ડાળે ફૂલ ક્યાંથી આવશે,
હસ્તરેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે.

યાદની દીવાલને હા, તોડવી સહેલી નથી,
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે.

સાતમા આકાશ પર લઈ જાય છે કોઈ મને,
ને છતાં આ હૉલ વચ્ચે એક જણ બાકી રહે.

ચાંદની લહેરાય છે મારી નસેનસમાં ‘જયંત’,
રક્તમાં એ સ્પર્શનું પહેલું કિરણ બાકી રહે.

– જયંત પરમાર

શાયરનો કોઈ પરિચય નથી. પણ મત્લો જોઈને અટકી જવાયું….

Comments (4)

આકાશ તડ તૂટ્યું ! – હર્ષ બ્રહ્મભટ્ટ

દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

પાણિયારે ઊતર્યાં છે પાણીના રેલા
ને કોરીકટ માટલી તો સળગે.
ત્રોફેલા સાથિયાની પાંખો તૂટે ને પછી
બારીઓય ઉંબરને વળગે.
સ્મરણોના જંગલમાં લાગી ગૈ આગ
અને દુનિયા આખીનું પાણી ખૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આંખુ આકાશ તડ તૂટ્યું !

દરિયો પહેરીને રણ આંગણમાં આવ્યું
પણ નદીઓ તો ઘરની પછીતે !
આઠમા તે આભને છાપરેથી છેક આજ
પડતું મૂક્યું છે મારા ગીતે !
કાળમીંઢ પાણીમાં વરસોથી જાળવેલું
અજવાળું કાચ જેમ તૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એક તરફ છલોછલ સંસાધન છે અને બીજી તરફ નકરો અભાવ….કદાચ જેની જરૂર છે તે નથી, એ સિવાય અન્ય બધું જ છે.

 

Comments (3)

(જવા દે જવા દે!) – સંદીપ પૂજારા

કહ્યું છે કદી કે મને કંઈ દવા દે?
જૂનાં દર્દ થાકી ગયાં છે, નવા દે.

ભલે જોમ છે એ છતાં બેસવા દે,
હવે થોડું મંઝિલને પણ ચાલવા દે.

ચલણમાં એ ક્યારેક તો આવશે ને!
પ્રણયના જ સિક્કા મને છાપવા દે.

હજારો વખત એણે માર્યો, હવે બસ
સમજદારીને ગોળીએ મારવા દે.

ન આપ્યાં જગતને છતાં પણ મેં પાળ્યાં,
જે ખુદને દીધાં એ વચન પાળવા દે.

સરસ છે, સરસ છે, જો આંખોએ કીધું,
હૃદય બોલી ઉઠ્યું- જવા દે જવા દે!

– સંદીપ પૂજારા

ગઈકાલે જ છંદનો સુચારુ ઉપયોગ ગઝલને કેવો ઉપકારક નીવડી શકે છે એની વાત કરી અને આજે એ જ છંદમાં અન્ય એક રચના. છેલ્લા શેરમાં સરસ છે સરસ છે અને જવા દે જવા દેની પુનરુક્તિ છંદ અને કવિતાને સમરસ કરી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે. કવિ બનવું હોય તો દર્દ સાથે તો ઘરોબો રાખવો જ પડે. મત્લામાં આ વાત બહુ સરસ રીતે રજુ થઇ છે. બધા જ શેર સરસ થયા છે, માત્ર સિક્કાને છાપવાવાળી વાત થોડી અલગ પડી જતી લાગી. શુદ્ધ ભાષા વ્યવહારમાં આપણે નોટ છાપવી અને સિક્કા બહાર પાડવા એમ પ્રયોગ કરતાં હોઈએ છીએ. રૂઢિપ્રયોગ પણ ‘સિક્કા પડવા’ એમ જ છે, એટલે સિક્કા છાપવાની વાત ભાષાની દ્રષ્ટિએ થોડી અસંગત લાગે છે. સરવાળે સંતર્પક રચના.

Comments (12)

(અહો રૂપ એનું!) – ડૉ. મનોજ જોશી ‘મન’

અહો રૂપ એનું! અહો એનો લટકો!
ને અફસોસ સામે હું પણ વટનો કટકો.

ઝલક એકલી ખુદ હતી જાનલેવા,
ઉપરથી આ લટ હાય! મરણતોલ ફટકો…

નિતરતાં એ રાખી ઘણાં જીવ લીધાં,
વધુ ક્રૂર થઈ, ના ભીનાં કેશ ઝટકો.

નયન, નેણ, નર્તન, વદન, વેણ, વર્તન;
અમારું જરા કંઈ વિચારો ને અટકો.

પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’

– ડૉ. મનોજ જોશી ‘મન’

છંદ સામાન્યરીતે કવિતાને રજૂ કરવાનું વાહન માત્ર બની રહેતો હોય છે, પણ ક્યારેક કવિ છંદનો બખૂબી પ્રયોગ કરીને છંદને માત્ર વાહન ન રહેવા દેતાં, કાવ્યવહનના વહેણમાં આબાદ ભેળવીને કવિતાની એક અલગ જ ફ્લૅવર સર્જવામાં સફળ થતા હોય છે. જુઓ આ ગઝલ… મત્લામાં અહો અહોના બે વારના લટકા અને નયન, નેણ. નર્તન સાથે વદન, વેણ, વર્તનના આંતર્પ્રાસની સાંકળી તથા ‘ન’-‘વ’ની વર્ણસગાઈ પ્રયોજીને કવિએ લગાગા લગાગાના આવર્તનોને કેવા ખપમાં લીધા છે!

બસ, આટલી ટિપ્પણી કર્યા બાદ આ મસ્તમૌલા શૃંગાર-રચના અને આપની વચ્ચે હું ક્ષણભરનો પણ અંતરાય નહીં બનું… મોટેથી વાંચો અને મજા લો…

Comments (7)

(સાવ છાનું છે) – હેમંત પૂણેકર

આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.

એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.

નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.

સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.

કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.

– હેમંત પૂણેકર

સાવ અલગ જ તરેહની ગઝલ… લગભગ બધા જ કલ્પન અનૂઠા અને અદભુત! પ્રિયજનની યાદો માટે મનમાં દુનિયાની નજર ન પડે એવું અલાયદું ખાનું હોવાની વાત જ કેવી મજાની અને સાચી છે! વળી આ મનનું ભંડકિયું કઈ રીતે ખૂલતું હશે વો સવાલ કરીને કવિ પેચકસ-પાનાંની વાત કરે છે. સાવ જ અરુઢ પણ કેવું મજાનું રૂપક. કેદની વ્યાખ્યા દરેકની અલગ-અલગ હોવાની. ઘણાં પંખીને પિંજરું કેદ લાગે છે પણ શક્યતાઓની એક-એક સરહદ ચકાસી લેનાર અને नेति नेतिનો જીવનમંત્ર જીવનારને તો આકાશ આખું પણ એક પિંજરું જ લાગશે ને! સત્ય પીરસવાની વાત કરતા શેરના સાની મિસરામાં શરૂમાં નાનકડો છંદદોષ રહી ગયો છે (કવિના મતે matter over meter), એને અવગણીએ તો આખીય રચના નિરવદ્ય સંઘેડાઉતાર થઈ છે…

Comments (12)

વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે
એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના
ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ
તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો
હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા
એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી
આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

 

સાંગોપાંગ મજબૂત રચના ! સરળ ભાષામાં બળકટ રજૂઆત… ખાસ કોઈ સમજૂતીની જરૂર નથી….મસ્ત મમળાવવાની રચના….

Comments (3)

…नहीं देखे जाते – अली अहमद जलीली

अब छलकते हुए साग़र नहीं देखे जाते
तौबा के ब’अद ये मंज़र नहीं देखे जाते

હવે છલકાતાં જામ જોઈ શકાતા નથી… શરાબ ત્યાગી દીધા પછી આ દ્રશ્યો નથી જોઈ શકાતા….

मस्त कर के मुझे औरों को लगा मुँह साक़ी
ये करम होश में रह कर नहीं देखे जाते

પહેલા મને નશામાં ચૂર કરી દે, પછી અન્યોને તું ગળે વળગ… તારા આ કાર્યો હોશની અવસ્થામાં તો જોવા શક્ય જ નથી.

साथ हर एक को इस राह में चलना होगा
इश्क़ में रहज़न ओ रहबर नहीं देखे जाते

આ રસ્તે તો પ્રત્યેકે સાથે ચાલવું જ રહ્યું….ઇશ્કમાં માર્ગદર્શક કે ઠગનો ભેદ નથી હોતો….

हम ने देखा है ज़माने का बदलना लेकिन
उन के बदले हुए तेवर नहीं देखे जाते

જમાનાનું બદલાવું તો આકરું નથી લાગ્યું, પણ એમના બદલાઈ ગયેલા તેવર સહેવાતા નથી…

– अली अहमद जलीली

બેગમ અખ્તરસાહેબાના મદહોશ કંઠે અનેકાનેક વાર સાંભળેલી આ અમર ગઝલ હમણાં મનમાં ગૂંજ્યા જ કરે છે….મક્તાનો શેર તદ્દન સરળ જબાનમાં હ્ર્દયના ઊંડાણની વાત કહી જાય છે……નશામાં ચકચૂર માનવી જ કદાચ પ્રિયજનના બદલાયેલા તેવર સહી જાય….હોશની અવસ્થામાં એ શક્ય નથી…

Comments (3)

વધામણી – બળવન્તરાય ક. ઠાકોર

વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી.
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છોળ ઠેલે;
ને આવી તો પણ નવ લહું ક્યાં ગઇ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણૂં સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા;
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા, શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કોણ જેવો?

– બળવન્તરાય ક. ઠાકોર

વધામણીનો પત્ર છે. પહેલી પ્રસુતિ મા-બાપને ત્યાં થાયના ન્યાયે પિયર આવેલી નવપ્રસૂતા પરિણામની પ્રતીક્ષામાં ઊંચાનીચા થતા પતિને સંતાનપ્રાપ્તિના સમાચાર આપે છે, પણ વાતમાં પૂરતું મોણ નાંખ્યા વિના ફોડ પાડવા તૈયાર નથી કે પરિણામ શું આવ્યું! સૉનેટની શરૂઆત ‘વ્હાલા મારા’ સંબોધનથી થાય છે, જેમાં બે જણ વચ્ચેનો સ્નેહ અને પત્નીનું પતિ પરનું અધિકારભાન-બંને સ્ફુટ થાય છે. કહે છે, પ્રિયે! રાતદિવસ હવે તમારી ઇચ્છા થાય છે. તમે જે અદાઓથી મારું ચિત્ત હરી લેતા હતા, એ તમામ પ્રતીતિ સાક્ષાત્ આવો અને આપો. પ્રસૂતિ વખતે તો પત્નીને એવું જ લાગ્યું જાણે નસીબ દરિયામાં ઊંડે તાણી ગયું. મૃત્યુ આંખસમીપ જ હતું, પણ દરિયાના મોજાં હળવેથી ધક્કો દઈને કિનારે પરત લાવી આણે એમ પ્રસૂતિ થઈ ગયા બાદ નવજીવન પામ્યાનો અનુભવ થયો. મૃત્યુના દરવાજે ટકોરા દઈને પાછી આવી તો ગઈ છે પણ હજી સમજાતું નથી કે ક્યાં ગઈ હતી અને શી રીતે પરત ફરી! ડિલિવરી સમયના સ્ત્રીના અનુભવને એક પુરુષકવિએ ત્રણ જ પંક્તિમાં જે રીતે આલેખ્યો છે એ કાબિલે-દાદ છે. તૂટુંતૂટું જણાતી જીવાદોરી તૂટી ન ગઈ એ માટે એ શીષ નમાવી ભગવાનનો પાડ માને છે.

કાવ્યારંભે મનના માણીગરને મળવાની તાલાવેલી પ્રદર્શિત કર્યા બાદ તુર્ત પ્રસૂતિના સમાચાર તરફ નાયિકા ગતિ કરે છે. પ્યાર અને તલસાટ બતાવી દીધા. પ્રસુતિ હેમખેમ પાર ઉતરી હોવાના સમાચાર પણ આપી દીધા. પણ પોતે જે રીતે વિરહમાં તડપે છે, એ જ રીતે બાપને તડપાવવાનું એ ચૂકતી નથી. ફરી ‘વ્હાલા’નું સંબોધન કરી પોતાનો પ્રેમભાવ દોહરાવી એ કહે છે કે, ગયા ભવના સંસ્કાર હશે તે ભલે સાચા હશે પણ અત્યારે તો સ્વપ્ન જેવા ઠાલા જ લાગે છે. માટે આપ આવો અને તરત જ કર-અધરની સાક્ષી પૂરાવો. સ્પર્શ, ચુંબન, તારામૈત્રક અને અમૃતભરી વાણીનો આકંઠ આસ્વાદ કરાવવા સત્વરે પધારવા પત્ની ઈજન આપે છે.

પત્રકાવ્ય છે તો પત્રની રીતિ દર્શાવવું પણ કવિ ચૂક્યા નથી. ‘બીજું’ લખીને જેમ આપણે પત્રમાં વાત આગળ માંડીએ, એમ પત્ની લખે છે કે, બીજું તો એ કે જે પેટ ઉપર માથું મૂકીને આપ ‘ભાર લાગે છે કે?’નો સવાલ કરતાં હતાં એ ‘નવું વજન’ હવે સમય વીતતાં ખોળામાં આવી ગયું છે.

બાળક ગોરું છે અને કમળ જેવો અંગૂઠો જ સતત ચૂસ્યા કરે છે. આવો, જુઓ અને પ્રિય (દયિત)! આપ જાતે જ કહો કે એની આંખો આપણા બેમાંથી કોના જેવી લાગે છે? કવિએ કેવી અદભુત કારીગરી કરી છે એ જોવા જેવું છે! છેક આખર સુધી બાળકની જાતિ પત્નીએ પતિથી, અને કવિએ આપણા સહુથી આબાદ છૂપાવી રાખી છે. ચૌદ પંક્તિના સૉનેટમાં છેક છેલ્લા શબ્દ પર આવીને, જ્યારે પત્ની ‘કોણ જેવો?’ પ્રશ્ન કરે છે ત્યારે છેક રહસ્યસ્ફોટ થાય છે કે દીકરો જન્મ્યો છે.

આવી કમાલ કેટલી કવિતાઓમાં જોવા મળતી હશે, નહીં!

Comments (20)

પાલવે નહીં – જયંત ડાંગોદરા

ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.

વિકલ્પ અન્ય કોઈ હોય તો બતાવ તું,
નદી સમુદ્રમાં કદાચ તો ભળે નહીં !

કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં,
લજામણીય સ્હેજ પણ ઢળી પડે નહીં.

અસંખ્ય દીપ પાથરે ઉજાસ આભમાં,
છતાંય અંધકારની કલા ઘટે નહીં !

હજાર દાખલા દલીલ કાં ન આપ તું,
ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં.

– જયંત ડાંગોદરા

સહજ અને સ-રસ ગઝલ!

Comments (2)

(બહાનું છે) – હિમલ પંડ્યા

અહીંથી ત્યાં જવાનું છે,
મરણ કેવળ બહાનું છે.

ગતિમાં છો તમે, જોજો !
તમોને વાગવાનું છે.

ગયું એ ખૂબ ગમતું’તું,
ને છે, એ પણ મજાનું છે.

નથી ડર કે તૂટી જાશે,
હવે સપનું ગજાનું છે.

નવો સંકલ્પ શું લેવો?
તમારા થઈ જવાનું છે.

– હિમલ પંડ્યા

કવિના બીજા સંગ્રહ ‘ત્યારે જીવાય છે’નું સહૃદય સ્વાગત. આ સંગ્રહ સાથે કવિમિત્ર હિમલ પંડ્યાએ કેટલીક નૂતન કેડી પણ કંડારી છે… પ્રકાશન પાછળ થયેલ ખર્ચ સુદ્ધાં બાદ કર્યા વગર સંગ્રહના વેચાણમાંથી સાંપડેલ તમામ વકરો એમણે સમાજ અને સાહિત્યની સેવા માટે દાન કરી દીધો છે. આ સિવાય આ સંગ્રહની તમામ રચનાઓ સાથે કવિએ QR Code આપ્યા છે, જેને સ્કેન કરવાથી યુટ્યુબ ઉપર સમાજના પ્રસિદ્ધ સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમીઓ વડે કરાયેલું જે તે રચનાનું પઠન પણ માણવા મળશે. સંગ્રહમાંથી એક નાની બહેરની પણ મોટા ગજાની રચના આજે લયસ્તરોના મિત્રો માટે…

Comments (8)

સુરતથી મુંબઈ આવતાં દરિયામાં ચંદનીની શોભા – નર્મદ

(રેખતો)

આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા.            આહા0
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા.              આહા0 ૦૧
શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા.                 આહા0 ૦૨
ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા.             આહા0 ૦૩
નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા.               આહા0 ૦૪

આજે શરદપૂર્ણિમા. શીતળ ચાંદનીમાં સપરિવાર બેસીને દૂધ-પૌંઆ ખાવાની રાત અને આવતીકાલના ઘારી-ભૂંસાની જ્યાફતની તૈયારી કરવાનો દિવસ. સુરતથી મુંબઈ આવતાં કવિ નર્મદે દરિયામાં નિહાળેલી ચાંદનીની શોભા માત્ર પાંચ પંક્તિમાં બહુ સ-રસ રીતે અભિવ્યક્ત થઈ છે.

પૂનમની રાત્રે શીતળ, મધુરી અને સુખદાયક ચાંદની પૂર્ણપણે ખીલી છે. પાણી ઉપર એનું પ્રતિબિંબ ઝીલી ધીમેધીમે આવતી દરિયાની લહેરો રૂડી લાગે છે. પાણી પર ચાંદની પડે ત્યારે જે તેજલીટી દેખાય એને કવિએ શશિલીટીનું નામ આપ્યું છે. પાણી પર થતું આ પ્રકાશલીટીનું હળવું હળવું કંપન ઉરને આનંદ આપનારું છે. ભૂરા આકાશ અને ભૂરા સમુદ્ર વચ્ચે રેલાતી ચાંદની જાણે એની મરજી મુજબ વર્તતી હોય એમ રંગો બદલતી દેખાય છે. કોઈ સુંદરી મનોહર દૃશ્ય નિહાળી નેણ ઠારી રહી છે, અને નર્મદ પણ પ્રકૃતિના રસપાનમાં ડૂબી ગયા છે…

*
નર્મદે પોતે પાદટીપમાં આપેલ અર્થવિસ્તાર:

ચંદા – ચંદની.
સુખકંદા – સુખનું મૂળ એવી.
મંદા – ધીમી ધીમી.
શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડાનાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે)
આનંદા – આનંદ આપનારી (શશિલીટી.)
સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાંની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.)
બંદા – પોતે (રસે ડુબ્યા-કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)

Comments (3)

વિસ્તરી ન શકું – ભરત વિંઝુડા

યુગો સુધી હું તને ચાહતો રહી ન શકું
સૂરજની જેમ ઊગી આથમી ઊગી ન શકું

મરણરૂપે જ મુકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું

તને મળું તે સમય પર્વ જેમ વીતે છે
પછી હું કોઈ તહેવા૨ ઊજવી ન શકું

પરિચિતોય બધાં પંખીઓ સમાં લાગે
હું નામજોગ કોઈનેય ઓળખી ન શકું

અલગ દિશામાં વળી જાય માર્ગ વચ્ચેથી
અને અહીંથી હું પાછો હવે ફરી ન શકું

– ભરત વિંઝુડા

સીધી ને સટ્ટ વાત ! મને જચી ગઈ !

Comments (3)

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

પહેલાં આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખું આકાશ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ !
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો
કાનમાં પડી છે કેવી ધાક !
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો,
ને કહો સૂરજનાં ટોળાંને હાંક !
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

– ઉષા ઉપાધ્યાય

પ્રારબ્ધની ગતિ ન્યારી છે. આવા જ અસંખ્ય અનુભવો બાદ ઝેન સમજાય છે…..

Comments (2)

ગીત – ગોપાલકુમાર ધકાણ

ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી

છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના,
.                                  જોવાનું એક એક પાસું.
સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને,
.                                  પાંપણની નીચે બે આંસુ.
ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને,
.                                  સામે રમકડાંની લારી.
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી.

નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં,
.                                  ફાટફાટ કેમ કરી ભરીએ?
પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં,
.                                  સપનાને ક્યાં ક્યાં સંઘરીએ?
ઝાંખા પડી જાય સઘળા દાગીના,
.                                  મેં એવી સેથી શણગારી.
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી.

– ગોપાલકુમાર ધકાણ

વાત આમ તો ઓછા પગારમાં ભરચક્ક બજારમાંથી પસાર થવા છતાંય કશું ખરીદ્યા વિના ખાલી હાથે પરબારા નીકળી જવાની આર્થિક મજબૂરીનું ગીત છે પણ કવિએ આંસુ, ઇચ્છા અને સપનાંની અને જિંદગીની સંકડાશની વાત કરીને ગીતને એક અલગ જ પરિમાણ પણ બક્ષ્યું છે. કાવ્યાંતે સ્ત્રીનો સહજ સ્વભાવ એક જ કડીમાં અદભુત રીતે ઉજાગર થયો છે. તમામ દાગીનાઓનો ચળકાટ ઝાંખો પડી જાય એ રીતે ગરીબ પતિની પત્નીએ પોતાની સેંથીને શણગારી છે, મતલબ લાખ ગરીબાઈમાં પણ એણે દિલની દોલત, પ્રેમની અસ્ક્યામત સાચવી રાખી છે.

Comments (16)

(અંતિમ પ્રવાસે) – અઝીઝ કાદરી

અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.

તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.

તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.

સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.

કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.

– અઝીઝ કાદરી

ખ્યાતનામ શાયર શકીલ કાદરીના વાલિદ જનાબ અઝીઝ કાદરી પણ ખ્યાતનામ શાયર અને ઉર્દૂના ઊંડા જાણકાર હતા. ૦૯-૧૦-૨૦૨૧ના રોજ તેઓ જન્નતનશીન થયા. એમની એક મનનીય રચના સાથે એમને હૃદયપૂર્વક શબ્દાંજલિ આપીએ…

Comments (7)

શબ્દોનું શું કામ ! – જયન્ત પાઠક

શબ્દોનું શું કામ,
અમારે બાવનબા’રો રામ !

માળામણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિગાન
ઝાંઝપખાવજવાદન નર્તન દર્શનમુખ અભિરામ
ખટપટ ખોટી તમામ
અમારે બાવનબા’રો રામ !

ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ !

– જયન્ત પાઠક

એકબીજા સાથે આસાનીથી પ્રત્યાયન થઈ શકે એ માટે ક્રમશઃ વાણી અને ભાષાની શોધ થઈ પણ શબ્દો અભિવ્યક્તિનું એકમાત્ર ‘લગભગ સંપૂર્ણ’ સાધન હોવા છતાં લાગણીઓને યથાતથ રજૂ કરવામાં એ ભાગ્યે જ સફળ નીવડે છે. સમર્થ કવિ આ વાત સમજે છે એટલે જ કહે છે કે શબ્દો મારે કોઈ કામના નથી કેમકે ઈશ્વર તો બાવન અક્ષરોની બહાર વસે છે, માળામણકા વગેરે તમામ ખોટી ખટપટ છે. એનો વાસ શૂનશિખર પર છે. (શૂન શિખર ગઢ લિયો હૈ મુકામ, યોં કહે દાસ કબીર.) જે આવા ત સમજતા નથી એ ચોર્યાસી લાખ ફેરાની સંતાકૂકડી રમતા રહે છે, બાકી ભીતર બહાર બધે એ એક જ છે એટલું જાણી લો તો આઠે જામ ઉત્સવ જ છે.

‘ગુરૂ બાવન અક્ષર સે બારા’વાળી વાત આપણા સાહિત્યમાં ઘણીવાર જોવા મળે છે. જયન્ત પાઠકની જ અન્ય કવિતામાં એ લખે છે, ‘ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં, લખાયેલું તે ભીતર વાંચું નામ!’ ગંગાસતી ગાય છે: ‘એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર.’ સતી લોયણ કહી ગયાં: ‘જી રે લાખા અક્ષર બાવન બારૂની જ નામ કહીએ જી.’

Comments (10)

મનને સમજાવો નહીં – રાજેન્દ્ર શુક્લ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે !

– રાજેન્દ્ર શુક્લ

“મન” શું છે તેનું ઉત્તમ વિશ્લેષણ જે.કૃષ્ણમૂર્તિના સાહિત્યે જડે. પ્રસ્તુત ગઝલે પાંચ શેરમાં ખાસ્સી અઘરી વાતો કહેવાઈ છે.

કવિશ્રીને જન્મદિવસની વધાઈઓ…..

Comments (4)

મારો નશો – ફરીદ-ઉદ્દીન અત્તર (પર્શિઅન) અનુ -.સુરેશ દલાલ

જે શાંત સૌમ્ય માણસો છે એને મારો નશો કદી નહીં સમજાય
એ લોકો કદી મારા કાર્યને સમજી નહીં શકે
દુનિયાદારીના માણસો તો દેવળોમાં જાય છે
તેઓ કદી સમજી નહીં શકે
નશાબાજ માણસના હૃદયની ગમગીની
જે લોકો ગૌરવ અને અહંકાર પહેરીને ફરે છે એ લોકો કદીયે
મારા રહસ્યના પડદાની પાછળ જોઈ નહીં શકે જે લોકો કદી પોતાના પ્રિયતમથી વિખૂટા નથી થયા
એ લોકો કદીયે નહીં સમજી શકે મારા પ્રિયતમ વિનાની રાત્રિને
હું તો મારા ઘરમાં બંદીવાન મારા પ્રિયતમ વિના
ઘરમાં એટલા માટે કે બહારના માણસો મારી વેદના ન જોઈ શકે
બુલબુલની બેચેની, કળીના ઝુરાપાને
કેવળ બગીચાનું ફૂલ જ સમજી શકે
જે લોકો કદીયે પ્રેમની યાતનામાં પડ્યા નથી
તેઓ કદીયે અત્તર’ની વ્યથાને ઓળખી ન શકે.

– ફરીદ-ઉદ્દીન અત્તર (પર્શિઅન) અનુ -.સુરેશ દલાલ

ફરીદઉદ્દીન અત્તર સૂફી સંતકવિ હતા, તેઓની The Conference Of Birds અતિવિખ્યાત રચના છે. રૂમીએ તેઓને સન્માન સાથે ટાંક્યા છે.

રચના શુદ્ધ પ્રેમના નશાની વાત છે… છેલ્લા થોડા સમયથી અમુક કૃતિઓ એવી નજરે ચઢે છે જેમાં પ્રેમના મૂળ તત્ત્વની સામે પ્રશ્નાર્થ કરાયા હોય છે. દલીલો તો ઘણી કરી શકાય અને આવા દવાઓનો છેદ પણ ઊડાડી શકાય, પરંતુ તદ્દન સરળ વાત છે – રામબાણ વાગ્યારે હોય તે જાણે…..વધુ શું બોલવું !!

Comments (1)

રાત પડી ગઈ – દાદુદાન ગઢવી (કવિ દાદ)

પ્રીતની ઘેલી હાય બિચારી,
.           સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
.           રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
.           દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
.           સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
.           થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
.           બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
.           ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
.           સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
.           દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
.           ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો: https://tahuko.com/?p=20646

બે દૃશ્ય જોઈએ:

દૃશ્ય એક. દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે ને સાંજે આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું?

દૃશ્ય બે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી.

કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે.

Comments (3)

कुछ त्रिपदियाँ – मिलिन्द गढ़वी

अक्सर दिल को समझाया है
झील में पत्थर मत फेंका कर
चाँद के सिर पे चोट लगेगी|

इस तनहाई से तंग आकर
जाने मैं क्या कर जाऊंगा
गालिब ने ग़ज़ले कह दी थी |

अपने आप से लड़ते लड़ते
कुछ लम्हों ने जान गँवा दी
बाकी सारे comma में है |

ताजा बर्फ के मौसम रखकर
मैंने एक पिटारी भेजी
आह! वो तुमने धूप मेँ खोली |

रात नहीं कटती है वरना
दिन तो कितने काट लिए हैं
तेरी यादों की कैची से |

चाँद की जेब से चोरी कर के
मैं कुछ किरनें ले आया हूँ
काश अमावस में काम आए |

मैंने इक अधमरी उदासी को
कितनी मुश्किल से जिंदगी दी थी
तुम हो की ‘वाह वाह’ करते हो |

एक कोने मेँ पड़ा है सूरज
और सवेरा शहर से गायब है
रात कुछ नागवार गुजरी है |

– मिलिन्द गढ़वी

ગુજરાતી કવિ મિલિન્દની કલમે કેટલીક હિંદી ત્રિપદીઓ. અવર ભાષા પર કવિની હથોટી તો અહીં સાફ દેખાય જ છે, પણ જે કલ્પનો-રૂપકો કવિએ અહીં પ્રયોજ્યા છે એની તાજગી તો કંઈક અલગ જ છે. આટલા Fresh metaphors અને આવી સશક્ત બાની આપણે બહુ ભાગ્યે જ જોઈએ છીએ. દરેક ત્રિપદી આરામથી મમળાવજો… જેમાંથી આ ત્રિપદીઓ લીધી છે એ સંગ્રહ ‘નન્હે આંસૂ’ આખો જ અદભુત થયો છે…

Comments (8)

તો મજાનું – નેહલ વૈદ્ય

પ્રત્યેક ક્ષણમાં સાચું જીવાય તો મજાનું,
હર પળ છે એક ઉત્સવ, ઉજવાય તો મજાનું.

આવે છે જો, હવામાં સંદેશ મોસમોના,
ફૂલો લખે છે ચિઠ્ઠી, વંચાય તો મજાનું.

વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું.

વાતો રહે અધૂરી, મિલન બને મધૂરું;
આંખોની મૌન ભાષા સમજાય તો મજાનું

હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.

– નેહલ વૈદ્ય

હિતેન આનંદપરા અને આપણું આંગણું ડૉટ કોમ આયોજિત ગઝલશિબિરમાં રઈશ મનીઆરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવેલ પંક્તિ અને હૉમવર્કની આ સફળ ફળશ્રુતિ… શાળા અને કૉલેજમાં મારી સિનિયર રહેલ ડૉ નેહલ વૈધ (એમ.ડી. મેડિસીન)ને હું વિશ્વકવિતાના ઉત્તમ ભાવક તરીકે લાંબા સમયથી ઓળખું છું. એની અછાંદસ રચનાઓનો પણ લાંબા સમયથી પરિચય ખરો, પણ ગઝલકાર તરીકે એ પહેલીવાર મારી સામે આવી અને મારામાં રહેલા ભાવકને મોહિત કરી દીધો.

લયસ્તરો પર નેહલનું સ્વાગત…

Comments (21)

હશે…. – ‘આશિત’ હૈદરાબાદી

કેટલા ખામોશ છે ? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !

આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!

રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે !

એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે !

કેમ સાકી જામ માપીને ભરે ?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે ?

આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે !

એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !

– ‘આશિત’ હૈદરાબાદી

Comments (2)

(જેને હું વાતવાતમાં) – મનહરલાલ ચોક્સી

જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું,
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું.

એ પણ મજા કે હું જ સદા બોલતો રહું,
તમને લજામણી ન કહું તો હું શું કરું?

તારા જતાં જ મારું પણ અસ્તિત્વ ના રહ્યું,
જીવન તો તારા શ્વાસને ઉચ્છવાસથી હતું.

શબ્દો જ માત્ર મારા અધિકારના હતા,
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું.

હોવા વિષે તો આમ બધા એકમત થશે,
હોવાની વાત કોઈ પણ સમજી નથી શક્યું.

સંકેત સૂર્ય આપી શકે જો પ્રકાશનો-,
રાતે આ તારલાનું વળી કામ શું હતું?

‘મનહર’ જીવનમાં કોઈ દી’ જાણી નહી શક્યો
છે કોણ આપણું અને છે કોણ પારકું?

– મનહરલાલ ચોક્સી

નામ, કામ અને સ્વભાવ –બધી રીતે મનહર એવા કવિશ્રી મનહરલાલ ચોકસીની એક મનહર રચના આજે મનભર માણીએ…

Comments (3)

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો
.                       સાદ કરો ના અમને.

તમે પવનનું રૂપ બાવરું
.                       પળમાં આવી ઘેરો,
અમે ન લાવ્યાં પાંખ અમોને
.                       ફોગટ લાગે ફેરો,
ઊડવાની રઢ જાગે એવો
.                       સાદ કરો ના અમને.

જળના છાંટે જલી જવાનું
.                       પથ્થરને ક્યાં સ્હેલ?
રણ વચ્ચે અટવાતાં પાને
.                       અમથી સઘળી રેલ,
જાચું કરવત-કાશી હરપળ એવો
.                       સાદ કરો ના અમને.

– ઉષા ઉપાધ્યાય

સાદ આવી રહ્યો છે. કોના તરફથી? પ્રિયજન તરફથી કે પરમેશ્વર તરફથી? હશે, પણ આ સાદ જેવોતેવો નથી. અસ્તિત્વને હચમચાવી મેલે એવો આ સાદ છે. આવા સાદનો પ્રતિસાદ શું આપવો એ અવઢવ હોવાથી કથક એ ન આપવા વિનવે છે. પણ કવિતાનો અંડરકરંટ તો આ સાદની તો જાણે યુગયુગોથી પ્રતીક્ષા ન હોય એવો છે!

ગીતના બંને બંધ બહુ સ-રસ થયા છે.

કાશીએ જઈ કરવત મુકાવવી એવી જાણીતી કહેતી છે. અગાઉના વખતમાં કાશીએ જઇને હરિજનને હાથે માથા ઉપર કરવત મુકાવીને મરી જવાથી મોક્ષ મળતો એવી માન્યતા હતી તે ઉપરથી આ કહેવત બનેલ છે. મયૂરધ્વજ નામના રાજાએ કાશીએ જઇને કરવત મુકાવેલ હતી એવી માન્યતા પણ પ્રચલિત છે. કાશીએ જઈને માથે કરવત મૂકાવવાનું પળેપળ મન થાય એવો સાદ અહીં પેલી તરફથી આવી રહ્યો છે.

Comments (6)

(સખી) – રશીદ મીર

ષોડશી લાગણીના કોડ સખી,
રુંવેરુંવેથી મને તોડ સખી,

કાગડો બોલે ને ઉઘલે હૈયું,
માઢ મેડીએ મચે દોડ, સખી.

શું શું કલ્પું છું; કશું પૂછ નહીં,
સાત ગાંઠોને જરા છોડ સખી.

આંગણું રવરવે; ઘૂઘરા વાગે,
એના હોવાની બકે હોડ સખી.

પાછલી રાતની નીંદર અચબચ
અડવી લાગે છે બહુ સોડ સખી.

– રશીદ મીર

ગામડાની બોલીની લઢણ સુવાંગ ઝીલતી મજાની ગઝલ. આજે તો સ્ત્રીઓની લગ્નની વય ઓછામાં ઓછી અઢાર થઈ ગઈ, પણ એ જમાનો બહુ દૂર નથી ગયો જ્યારે સોળ વરસની અને એથીય નાની કન્યાઓના વિવાહ થઈ જતા. સોળ વર્ષની લાગણીના કોડ કંઈ એવા જન્મે છે કે રુંવેરુંવે તોડપીટ થાય છે. કાગડાનો અવાજ આવતાં જ હૈયું છલકાઈ જાય છે અને અસ્તિત્વના મકાનમાં દોડધામ મચી જાય છે. સાત ગાંઠોમાં પિયુએ શાં શાં વચન બાંધ્યાં હશે એ કલ્પના મનની મનમાં જ રાખવાની છે, કોઈએ પૂછવાની નથી. ચોથો શેર બીજા શેરનો જ પડઘો જાણે.

Comments (4)

રહી બેઈમાની – રાહુલ બી. શ્રીમાળી

રગેરગમાં જેના રહી બેઈમાની,
એ કહેતા ફરે છે અમે ખાનદાની.

કરે કોણ પ્રશ્નો સભાગૃહ વચ્ચે?
ડરાવીને રાખે છે શિષ્યોને જ્ઞાની.

બીજાના ભલામાં ભલું ખુદનું માને,
એ લોકોની દુનિયા કરે છેડખાની.

વધુ આથી શું હોય ખાનાખરાબી?
અગર જિંદગી હોય તારા વિનાની.

બધા સ્પષ્ટ ભાવો ચહેરા ઉપર છે,
પછી સાંભળીને કરું શું જુબાની?

શરૂઆત મિલકતના ઝઘડાની થઈ ગઈ,
હજી રાખ ટાઢી નથી થઈ ચિતાની.

– રાહુલ બી. શ્રીમાળી

શીઘ્રાતિશીઘ્ર પ્રત્યાયિત થઈ જતી હોવા છતાં સાચા અર્થમાં મનનીય ગઝલ… દરેક શેર વાંચી લીધા પછી થોડું થોભીને ફરી મમળાવવા જેવા છે… જુઓ, વધુ મજા આવે છે કે નહીં!

Comments (14)

(લાગણીનાં દોરડાં) – મેઘબિન્દુ

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?
લાગણીનાં દોરડાં ઘસાયાં!
વાતોની વાવનાં ઊતરી પગથિયાં
અમે પાણી પીધું ને ફસાયા!

કેટલીય વાર મારી ડૂબેલી ઇચ્છાને
મીંદડીથી કાઢી છે બા’ર,
ગોબા પડેલી ખાલી ગાગરનો
મને ઊંચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ
તોયે સ્મરણોનાં નીર છલકાયાં.

અફવાઓ સુણી સુણીને મને રોજરોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે આંસુંના સથવારે
હૈયાનો બોજ કરું હલકો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય
ને લાગણીનાં દોરડાં ટુંકાયાં!

– મેઘબિંદુ

સંબંધ અને સમજણના નામે મોટા ભાગના લોકો પાસે ઉપલક વાતો જ રહી ગઈ છે. મોટાભાગના લોકો વાતોની વાવમાં જ ઊંડા ઊતરીને પાણી પીતાં રહે છે, પરિણામે જીવનના કૂવામાંથી જીવનઅમૃત કાઢવું શક્ય બનતું નથી. કારણ? લાગણીનાં દોરડાં જ ઘસાઈ ગયાં છે. હવે સંબંધની ગાગર કેમ કરીને ભરાશે? મીંદડી એટલે વાવ, કૂવા વગેરેમાં પડેલી વસ્તુ કાઢવાનું આંકડિયાઓવાળું એક સાધન. કવિ કહે છે, એમણે જીવનજળમાં ડૂબી ગયેલ ઇચ્છાઓને અનેકવાર મીંદડીની મદદથી બહાર કાઢવાની કોશિશ કરી છે, પણ વૃથા! સરવાળે સંબંધ તો ખોખલો જ રહ્યો છે, વળી ગોબાઈ પણ ગયો છે. આ ખાલી સંબંધને વેંઢારવું પણ ભારઝલ્લું બની ગયું છે. સાથે હોઈએ તોય સાથ ન વર્તાય અવી નિર્જન પથ પર જૂની મીઠી યાદોના આંસુ છલકાયા વિના રહેતાં નથી. ખાલી ગાગર પણ છલકાય છે ત્યાં છે ખરી કવિતા!

મુખડું અને પ્રથમ બંધ જેટલો ગીતનો બીજો બંધ પ્રભાવક થયો નથી. વળી લોકો સાથે હલકોની પ્રાસસગાઈ પણ પ્રમાણમાં નબળી અનુભવાય છે. પણ છેલ્લી કડી ગીતને અદભુત રીતે કાવ્યશિખરે લઈ જાય છે. ઘસાઈ ગયેલી દોરી તૂટી ન જાય એ માટે ઘસારો હોય ત્યાં-ત્યાં ગાંઠ મારતાં જઈએ છીએ, પરિણામે દોરી સતત ટૂંકી થતી જાય છે. આ વાત લાગણીની ઘસાઈને ક્રમશઃ ટૂંકી થતી જતી દોરી સાથે સાંકળીને કવિએ કમાલ કરી છે.

Comments (8)

સહદેવ – ચુનીલાલ મડિયા

ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,

દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.

જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના

સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.

– ચુનીલાલ મડિયા

દાયકાઓ પછી આ સોનેટ વાંચ્યું…..સ્કૂલમાં ભણવામાં આવતું. ત્યારે જ એક સવાલ ઉઠેલો જેની થોડી ચર્ચાઓ પણ થયેલી તે સમયે – શું સહદેવ દ્યૂત વખતે ગેરહાજર હતો ?? મોટેભાગે એમ નહોતું…

પરંતુ કાવ્યને એ વાત સાથે નિસબત નથી. જે ઉપયોગમાં ન આવે તે જ્ઞાન શા ખપનું…..?? નકરા સંતાપનું જનક બને…

Comments (2)

આ દેખાય છે તેવી નથી….- લલિત ત્રિવેદી

બહુ જ અંગત વાત આ દેખાય છે તેવી નથી
એક જણની રાત આ દેખાય છે તેવી નથી

છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છે
સાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી

ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છે
ટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી

છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદની
ઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી

સાંજ પડતાં કેમ એ પાછો ફરે છે ઘર તરફ ?
કેમ એની વાત આ દેખાય છે તેવી નથી ?

ઊંડાં ભમ્મર પાણીમાં મોતી જ ચળકે તે પછી
ધ્યાન ધ૨ કે જાત આ દેખાય છે તેવી નથી

કેટલાં સપનાં અને ઘટનાઓનો ઇતિહાસ છે !
આપણી નિરાંત આ દેખાય છે તેવી નથી

સુસવાટા હો કવનના કે ખૂણાની જ્યોત હો
કયાં ખૂલે છે રાત આ દેખાય છે તેવી નથી.

– લલિત ત્રિવેદી

ખરી વાત છે…. ન માણસ, ન સંબંધ, ન ઘટના, ન વિચાર, ન સમાજ….- કશુંય દેખાય તેવું નથી હોતું. કદાચ ક્ષતિ મારી સમજની જ છે….

 

Comments (2)

(જનમોજનમની આપણી સગાઈ) – મેઘબિંદુ

જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.

બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન,
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન;
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ;
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?

– મેઘબિંદુ

લંડનના શ્રી વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’ સામયિકમાં ૧૩-૧૨-૨૦૧૮ના રોજ નંદિની ત્રિવેદીએ આ ગીત સાથે ટાંકેલ પ્રસંગ સાભાર એમના જ શબ્દોમાં જોઈએ:

કવિતાના શબ્દોનું વજન કેવું જબરજસ્ત છે, એની વાત કરતાં આ ગીતનાં ગાયિકા હંસા દવેએ એક ખૂબ સુંદર પ્રસંગ વર્ણવ્યો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે અમેરિકાની ટૂર પર હતાં અને ત્યાંના ડલાસ શહેરમાં એમનો કાર્યક્રમ હતો. હંસાબહેને આ ગીત શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો. ઓડિયન્સમાં એક પ્રોફેસર દંપતી બેઠું હતું. આંખમાં ઝળઝળિયાં સાથે બન્ને સ્ટેજ ઉપર આવ્યાં અને અમને કહ્યું, “અમારી વચ્ચે આઠ વર્ષથી અબોલા હતાં. બાળકોને ખાતર એક જ છત નીચે, એક જ ઘરમાં રહેવા છતાં અમે અલગ હતાં, પણ આ તમારાં ગીતની અમારા પર એવી અસર થઈ છે કે આજથી અમે સાથે મળીને સરસ રીતે જીવવાની કોશિશ કરીશું.” આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. દસ વર્ષ બાદ અમદાવાદના ટાઉનહોલમાં અમારો કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈએ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. તમે માનશો? અમારા આશ્ચર્ય વચ્ચે એક બહેન ઊભાં થયાં અને એમણે કહ્યું કે એ હું જ એ વ્યક્તિ છું. અમેરિકાથી થોડા સમય માટે અમે અહીં અમદાવાદ આવ્યાં છીએ અને છેલ્લાં ૧૦ વર્ષથી સુંદર સહજીવન ગાળી રહ્યાં છીએ. કવિના શબ્દોની આ જ તો કમાલ છે! ધારદાર કવિતા કેટકેટલાંનું જીવન બદલી શકે છે.

Comments (9)

(જોઈએ) – મયૂર કોલડિયા

‘હું-પણું’ મારું મને પીંછાંથી હળવું જોઈએ,
એક બસ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ.

વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ,
ડિલ ભલે પલળે–ન પલળે, દિલ પલળવું જોઈએ.

છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ,*
માટીમાં દુશ્મન ભળે કાં તારે ભળવું જોઈએ.

ક્યાં? સતત ઉગેલ રહેવું એ કદાપિ શક્ય ક્યાં?
સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ.

આટલા નજદીક આવીને પછી અળગા રહો!
જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ.

આ ગઝલ નામે દીવો પ્રગટે, શરત છે એટલી-
રાત સાથે જાતમાં પણ કંઈક બળવું જોઈએ.

જેમ કાંટો સોયથી કાઢી શકાતો હોય છે,
કારસો એવો કરીને મનને છળવું જોઈએ.

– મયૂર કોલડિયા

(*તરહી પંક્તિ: શ્રી ભગવતીકુમાર શર્મા)

સરસ મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય… મળવા જ આવો છો તો મળવું જોઈએ વાળા શેરની બારીકી તો જુઓ!

Comments (31)

સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત – વિરલ શુક્લ

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી યે વારતા…

મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા તા મોતી;
ગંગાસતી ને જીસે વીંધા થા ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા….

અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા…

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

– વિરલ શુક્લ

ગીત વાંચવા-સમજવાનું તો પછી થાય, સૌપ્રથમ તો આપણને ગીતની બોલી જડબેસલાક પકડી લે છે… આવી કેવી ગુજરાતી! કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી ભાષાનું આ કૉકટેલ વાંચતાવેંત નશો થઈ જાય એવું છે. જે સિક્કા શબ્દથી ગીતનો ઉપાડ થાય છે, એ સિક્કા જામનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ છે, જ્યાં વસતા મુસલમાન વાઘેરો આવી બોલી બોલે છે, જેને કવિએ અહીં યથાર્થ ઝીલી બતાવી છે.

સિક્કા ગામમાં રહેતો સલીમ મામુને મોતી ભલે ન મળે, પણ ગોતાખોરીની બધી તરકીબોથી વાકેફ એક નંબરનો ડૂબકીમાર હતો. અસલમ ગપોડી કહેતો કે સિકકામાં મોતી થતાં જ નથી, પણ આ તો મામુને જાદુથી દરિયો બાંધવો છે એટલે એ ડૂબકી લગાવે છે. ગંજેરી મામદ ફકીરના કહેવા મુજબ સલીમને ગંગાસતીએ જેને વીંધ્યું હતું એવાં જ મોતી મળ્યાં હતાં. ગંજેરી માણસની વાતનો જો કે ખાસ ભરોસો ન થાય. કાવ્યાંતે કવિ પોતે જ પર્દાફાશ કરતાં કહે છે કે દરિયાને મામુની અને મામુને દરિયાની આદત હતી અને મામુની આંખના આંસુ જ સાચાં મોતી હતાં, જે ડૂબકીએ ડૂબકીએ એ દરિયાને અર્પતો હતો.

આમ જુઓ તો એક સીધુંસાદું કથાકાવ્ય છે આ. પણ વિશિષ્ટ બોલી અને આંખોના ખિસ્સામાં પડેલાં મોતી જેવા વિશિષ્ટ કલ્પન, ગંજેરી-ગપોડી જેવા એક શબ્દના વિશેષણોથી ગામડાને જીવતં કરવાની કવિની સર્ગશક્તિના કારણે એ નખશિખ મનનીય થયું છે…

Comments (17)

એક ઇચ્છા – કલાપી

પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે !
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઇચ્છું પ્રભુ !

બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હ્રદય જો ગયું, ૨સ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઇચ્છું, પ્રભુ !

– કલાપી

મારુ નમ્રપણે માનવું છે કે ગુજરાતી સાહિત્યજગતે કલાપીને જાણતા-અજાણતા અન્યાય કર્યો છે. કલાપી એક માત્ર ઉચ્ચ દરજ્જાનો કવિ જ નહોતો પણ એનામાં માનવમનની ગૂઢ઼તમ ગહેરાઈઓમાં ઝાંકવાની અનૂઠી તાકાત હતી-દ્રષ્ટિ હતી….

વાત vulnerability ની છે. આ શબ્દ માટે કોઈ સચોટ ગુજરાતી શબ્દ દીસતો નથી. કદાચ માનવી પોતાની આસપાસ અભેદ્ય કિલ્લો બનાવીને તદ્દન સાજો-નરવો, લેશમાત્ર ઘા-પીડા વિના જીવી શકે. પણ સાથે જ એ ઈશ્વરદત્ત અણમોલ દિવ્ય આનંદોથી પણ વઁચિત રહી જાય !! જે પ્રેમ જ ન અનુભવે, તે પ્રેમની પીડાથી તો બચી જાય કદાચ, પણ પ્રેમના આસવની મસ્તીથી પણ તો એ વાંઝણો રહે ને !!

જખમ સહેવા પોસાય……હૃદયને કિલ્લેબંધ રાખવું ન પાલવે…..

Comments (3)

સખી! પરણ્યાને હળવે જગાડું…- હરિહર જોષી

સખી ! પરણ્યાને હળવે જગાડું !

વહેલી સવારનું સપનું મમળાવતી
હું ખુદના પડછાયામાં ભળતી
વીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે
ઘી ને કપૂર જેમ બળતી
હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો
એ પલકારે વહી ગઈ રાત.
કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને
સાવ મારી કહેવાની રહી ગઈ વાત !
એવું થાતું કે પે…લા બુઝાતા ચાંદને ઝાલરની જેમ રે ! વગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

પીપળા સન્મુખ જઈ ઊભી રહું તો
મારી માનેલી માનતાઓ ફળતી
એવી શ્રદ્ધાથી નિત મસ્તક નચાવી
હું મીઠા ઉજાગરાને દળતી
મને ચીડવતું ગામ કહીઃ ‘ભાંગ્યું ભરૂચ તો કોઈ કહે ભાંગ્યું રજવાડું ! ‘
સખી ! પરણ્યાને હળવે જગાડું !

– હરિહર જોષી

 

મધુરું મજાનું ગીત….

Comments (1)

અજાણ્યો સૈનિક – અબ્દુલ્લા પાશ્યુ (અનુ.: વિવેક મનહર ટેલર)

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર, કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

– અબ્દુલ્લા પાશ્યુ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો ઊભેલા હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને એક સૈનિકની ખુવારી એક પરિવારની ખુવારી હોય છે.

રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર પોતાની ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષો માટે પોતાના ગણવેશ પર લાગનાર તારક-ચંદ્રકો અને પદવીથી વિશેષ કશું નથી. યુદ્ધમાં મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કદાચ આજે ધરતીનો કોઈ ભગ એવો નહીં હોય જ્યાં સમયના કોઈ એક ખંડમાં યુદ્ધ ન ખેલાયું હોય અને કોઈને કોઈ સૈનિક દફન ન થયો હોય. મનુષ્યજાતિના આખા ઇતિહાસને એક જ પાનાં પર એકસાથે મૂકવામાં આવે તો કદાચ ધરતીનું તસુએ તસુ રક્તરંજિત હશે. આ વાત કુર્દીશ કવિએ કેટલી સરળતા છતાં વેધકતાથી રજૂ કરી છે, એ જુઓ…

The Unknown Soldier

If someday a delegate comes to my land
And asks me:
“Where is the grave of the Unknown Soldier here?”
I will tell him:
“Sir,
On the bank of any stream,
On the bench of any mosque,
In the shade of any home,
On the threshold of any church,
At the mouth of any cave,
In the mountains on any rock,
In the gardens on any tree,
In my country,
On any span of land,
Under any cloud in the sky,
Do not worry,
Make a slight bow,
And place your wreath of flowers.”

– Abdulla Pashew (Kurdish)
(English Trans.: Rikki Ducornet)

Comments (8)

હોમવર્કનો કાંટો – કિરીટ ગોસ્વામી

આ બાજુ છે એબીસીડી,
આ બાજુ છે કક્કો…
વચ્ચે બેઠો મૂંઝાતો,
આ નાનકડો એક ચક્કો!

ચક્કાભાઈનું મન તો જાણે
પતંગિયું રૂપાળું…
નાનું-નાનું, રંગબેરંગી,
સુંવાળું-સુંવાળું…
હમણાં ઊડું, હમણાં ઊડું
એવું એને થાય.……
ઊડવાની બસ વાત માત્રથી
એ તો બહુ હરખાય…
ત્યાં જ ચોપડા ખડકી,
પપ્પા કરતા, હક્કો-બક્કો!
તેથી બેઠો મૂંઝાતો
આ નાનકડો એક ચક્કો!

ચોપડીઓની સાથે પાછી
આવી ઢગલો નોટ…
પતંગિયું મટીને થાશે
મન એનું રોબોટ…
હોમવર્કનો કાંટો
એની પાંખોમાં ભોંકાય…
પપ્પા કાઢે આંખો,
તેથી કશુંય ક્યાં બોલાય?
‘ચોપડીઓ સારી કે ઊડવું?’
ખંજવાળે એ ટક્કો!
મનમાં-મનમાં, ખૂબ મૂંઝાતો
નાનકડો આ ચક્કો!

– કિરીટ ગોસ્વામી

મસ્ત મજાનું બાળગીત આજે માણીએ. શરૂઆત વાંચીને એમ લાગે કે કવિ કદાચ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વચ્ચે પીસાતા બાળકની તકલીફોની વાત કરશે પણ ગીત માધ્યમની માથાકૂટના બદલે ભણતરના ભાર પર ઝોક આપે છે. જે હોય તે, આબાલવૃદ્ધ સહુને મોટા અવાજે લલકારવું ગમે એવું ગીત… કહેવા માટે તો બાળગીત છે, પણ પુખ્ત કવિતાની જેમ બાળવેદનાને પણ સમુચિત ન્યય આપી શક્યું છે એનો સવિશેષ આનંદ.

Comments (4)

(પી ગયો છું) – રાજેશ હિંગુ

દર્દ ઘોળી પી ગયો છું,
એટલે જીવી ગયો છું.

આપ તો સપનું હતા, બસ!
હું હવે જાગી ગયો છું.

પગ હજીયે છે ધરા પર,
આભને આંબી ગયો છું.

તું ભલેને ના બતાવે,
વેદના વાંચી ગયો છું.

એટલે મસ્તી ચડી છે,
પ્રેમરસ ચાખી ગયો છું.

– રાજેશ હિંગુ

ટૂંકી બહેરમાં સ-રસ કામ…

Comments (15)

(પી જાઉં) – રશીદ મીર

જામની ખાલી ક્ષણને પી જાઉં,
આમ, તારા સ્મરણને પી જાઉં.

હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હા કે ઝરણને પી જાઉં.

મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.

જેમાં તારા બદનની ખુશબૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.

તે જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,

ઝાંઝવાને નીચોવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

– રશીદ મીર

સાચે જ કોઈ ચસોચસ પીવાના આદીની ગઝલ… એક-એક શેર આકંઠ પી જવા ગમે એવી…

Comments (4)

(ચાન્સ આપું છું) – કિરણસિંહ ચૌહાણ

ખુશાલી, વ્યગ્રતા, મસ્તી, વ્યથાને ચાન્સ આપું છું,
બધાં જાણે જ છે કે હું બધાંને ચાન્સ આપું છું.

પછી એ નીકળ્યો ખોટો તો એમાં વાંક શું મારો?
મને તો એમ કે હું તો ખરાને ચાન્સ આપું છું.

બગાડ્યું કેટલું એણે! છતાં બદલો નથી લીધો,
હું ક્યારેક ન્યાય કરવાનો ખુદાને ચાન્સ આપું છું.

ખબર છે જિંદગી મૂકાઈ ગઈ છે દાવ પર તોયે,
દવા પડતી મૂકી તારી દુઆને ચાન્સ આપું છું.

એ મારી નમ્રતાને જો અગર કાયરતા સમજી લે,
પછી નાછૂટકે હું ઉગ્રતાને ચાન્સ આપું છું.

– કિરણસિંહ ચૌહાણ

સૉશ્યલ મિડીયાના પ્રતાપે ચારેતરફ જ્યાં જુઓ ત્યાં ગઝલોની અતિવૃષ્ટિ થઈ રહી છે. ગઝલોની આ ભરમારમાંથી કવિતા શોધી કાઢવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું વિકટ છે. આવામાં બહુ ઓછા ગઝલકાર એવા છે જેઓ persistently સારી ગઝલ આપતા રહે છે. કિરણસિંહ ચૌહાણ આવું જ એક નામ છે. ચાન્સ આપવા જેવી એકદમ રુઢ થઈ ગયેલી રદીફને બોલચાલની ભાષા સાથે ઓગાળી દઈને કવિ કેટલી મજબૂત ગઝલ આપે છે એ જુઓ!

Comments (7)

અધ્યાપક અંગ – ધીરુ પરીખ

પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઇ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?
બોલે પટપટ પોપટ-વેણ, ના સાંધો ના છે કૈં રેણ!

રેણ વગરનો વાક્-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?

શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.

વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય,
તેવો એનો વાણી-મેહ, સ્ત્રવે નહીં ને ગાજે જેહ;
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!

– ધીરુ પરીખ

નવેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિના અક્ષર-અંગ રચનાના બે’ક છપ્પા- https://layastaro.com/?p=8418 -આપણે માણ્યા હતા, આજે માણીએ અંગ-પચીસીમાંથી અધ્યાપક-અંગ વિષય અન્વયે થોડા બીજા છપ્પા. અખા ભગતની શૈલીમાં લખાયેલ આ આધુનિક છપ્પા પણ અખાના છપ્પાની જેમ જ ચાબખામાર જ છે. આજના પોપટિયા ભણતર વિશે કવિએ માર્મિક કટાક્ષ કર્યા છે. કાવ્યવિધા સળંગસૂત્રી હોવાથી દરેક છપ્પો એના આગળના છપ્પાની આંગળી ઝાલીને આગળ વધે છે.

Comments (4)

એક્સ-રે તું પાડ….- મુકેશ જોષી

સ્મરણોનો લેપ છતાં દુ:ખે છે હાડ
ક્યાંક લાગે છે અંદર તિરાડ
તો પાડ,
મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

સોળે શણગારે સજાવીને મોકલી,
શુકનમાં આપ્યું’તું દહીં
પાછી ફરી તો સાંજ સાવ રે ઉદાસ
એના અંગ ઉપર આભૂષણ નહીં
આંખમાંથી પંખીઓ ઊડ્યાં
જ્યાં અથડાયાં ધ્રાસકાનાં કમાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

ફૂલોની ટોપલીમાં સપનાંઓ લાવનાર
રાતનીયે આંખો ઉદાસ
મારે માટે જ સ્મિત લાવનાર દિવસોને
પોતાને ચાલે અમાસ
ખડખડાટ નામનું ગામ મેં વસાવ્યું ને
આંસુએ પાડી જ્યાં ધાડ

તો પાડ… મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ

– મુકેશ જોષી

અંદરની તિરાડો પૂરતી નથી……પહોળી અને ઊંડી થતી જાય છે…..

” જો તાર સે નીકલી હૈ વોહ ધૂન સબને સૂની હૈ…….જો તાર પે ગુઝરી હૈ વોહ કિસ દિલ કો પતા હૈ…? “

Comments (7)