શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

હું તો હિંચકે બેસું ને… – નીતિન પારેખ

હું તો હિંચકે બેસું ને સાજણ સાંભરે રે લોલ!
હું તો ઢોલિયે ઢળું ને સાજણ સાંભરે રે લોલ!

હું તો બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
મોટું બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
ઝાઝાં લૂગડાં ધોઉં ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
રોજ ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
હેલ છલકે – છલકે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો દા’ડે ડૂબેલી રહું કામમાં રે લોલ!
આખો દા’ડો ડૂબેલી રહું કામમાં રે લોલ!
રૂડી રજની ઢળે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મીઠા સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મોર મધરા બોલે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને…

– નીતિન પારેખ

અદ્દલ લોકગીતની ચાલમાં લખાયેલું આધુનિક ગીત. કવિએ ક્યાંય સ્પષ્ટતા નથી કરી પણ કાવ્યનાયિકા પ્રોષિતભર્તૃકા હોવાનું વિચારી શકાય. મુખડા અને પ્રથમ ત્રણ બંધ પરથી ખ્યાલ આવે કે પરિણીતા એના પરણ્યાના વિરહમાં છે અને આખરી બંધમાં એ પિયરના સ્વપ્ન પણ જોઈ રહી છે, મતલબ એ સાસરીમાં રહીને મનના માણીગરથી દૂર છે, અર્થાત્ પતિ પરદેશ ગયો હોવો જોઈએ.

ચાર બંધના ગીતમાં શરૂથી અંત સુધી કવિએ નાયિકાનો પતિઝૂરાપો પરોઢિયાથી રાત લગી દિવસની નાની-મોટી તમામ પ્રવૃત્તિઓમાં એકધારો જાળવી રાખ્યો છે. એકાદ શબ્દની સાર્થ હેરફેર સાથે દરેક બંધમાં નાયિકા પોતાની દિનચર્યાની લોકગીતની શૈલીમાં પુનરોક્તિ કરે છે, જેનાથી ભાવ વધુ ઘૂંટાય છે. સરવાળે સ-રસ કવિતા સિદ્ધ થાય છે…

3 Comments »

  1. નીતિન પારેખ said,

    July 10, 2021 @ 6:24 AM

    મારી રચેલી કવિતા ‘હું તો હિંચકે બેસું ને’ ને આપે લયસ્તરોમાં પ્રગટ કરીને મને પ્રોત્સાહન આપેલ છે. ડૉક્ટર વિવેકભાઈ ટેલર અને સર્વે સંચાલકોનો આભાર માનું છું. પ્રસ્તુત ગીતમાં નાયિકા દરેક પળે પોતાના પિયુને યાદ કરે છે એ ભાવ વ્યકત કરેલ છે. પિયુ નજરથી અળગો છે એ વેદના પણ આ યાદ પાછળ વણાયેલી છે. ગ્રામ્ય વિસ્તારના પરિપેક્ષ્ય ને ધ્યાનમાં રાખીને રચના કરી છે.

    વાચક મિત્રોના અભિપ્રાયનો પ્રતિક્ષા છે.

    નીતિન પારેખ, ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર, કેડિલા હેલ્થકેર લિમિટેડ

  2. બિરેન ટેલર said,

    July 10, 2021 @ 6:43 AM

    સરસ
    સંગીત બદ્ધ થાય તો મજા આવશે

  3. pragnajuvyas said,

    July 10, 2021 @ 10:45 AM

    કવિશ્રી નીતિન પારેખનુ મઝાનુ ગીત
    અનુભવેલ ભાવ !
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment