કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.
-સાહિલ

હિમલી રાત્યું – પારુલ ખખ્ખર

હાથ પડે જ્યાં જળમાં ત્યાં તો આંગળી ખીલો થાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું…

દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડાં,
પંડયમાં પેસી ટાઢનો ભોરિંગ ફેણ ચડાવી નાંખતો અંગેઅંગ ફૂંફાડા!
આભલું હેઠે ઊતરી ઓલ્યા તાપણાના ગુણ ગાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું…

દન ઊગે ને સુરજડાડો આળસ ખાતો, બીડિયું પીતો, કાઢે ગોટેગોટ ધુંવાડા,
વાયરો વેરી વેગથી આવી, બાથમાં ઝાલી, જોર દેખાડી લેતો રોજેરોજ ઉપાડા!
ઠાર પીધેલા તારલા આવી આગિયા વીણી ખાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય રે
એવી હિમલી રાત્યું…

હારની બીકે કોડિયું ફેંકી, દાવ ઉલાળી, ઘરભેળા થઈ જાય રે બીકણ-બાયલા દા’ડા,
અંધારા ચોપાટ રમે ને એકલપંડે મોજથી જીતી જાય કરીને લાખ કબાડા!
ચાંદલિયાને ઘોડિયે નાંખી ઘેનની ગોળી પાય રે
એવી હિમલી રાત્યું…
કાગળ માથે ચીતરેલી કાંઈ નદિયું થીજી જાય
રે એવી હિમલી રાત્યું…

– પારુલ ખખ્ખર

કવયિત્રીના ‘કરિયાવરમાં કાગળ’ ગીતસંગ્રહનું લયસ્તરોના આંગણે થોડું મોડેથી પણ સહૃદય સ્વાગત!

કાતિલ શિયાળાની જાનલેવા ઠંડી રાતનું આ ગીત વાંચીએ ત્યારે શિયાળો ન હોવા છતાં ઠંડી અનુભવાવા માંડે એવું સચોટ લયબદ્ધ કાવ્ય કવયિત્રીએ સિદ્ધ કર્યું છે. ઠંડાગાર પાણીમાં હાથ નાંખતાવેંત આંગળી ખીલા જેવી થઈ જાય એ અનુભવ તો સામાન્ય છે, પણ કાગળ પર ચીતરેલી નદીઓ પણ થીજી જાય એ અતિશયોક્તિ અલંકાર અનુભૂતિના સ્તરને એક પગથિયું ઊંચે આણે છે.

કકડતી ઠંડીનો અનુભવ કેવો ચાક્ષુષ થયો છે એ જુઓ! દાંત કકડે, ચામડી થથરે, રૂંવાડાં ઊભાં થઈ જાય, અને આકાશને પણ નીચે આવીને તાપણે બેસવાનું મન થાય એનું નામ જ ખરી ઠંડી. શિયાળાની સવારે મોઢામાંથી ધુમાડા નીકળે એ હકીકતને જોવા માટેના કવયિત્રીનાં તો ચશ્માં જ અલગ છે. એ કહે છે, દિવસ ઊગતાવેંત સૂરજદાદો (ડાડો!) આળસ ખાતો, બીડીઓ પીએ છે અને ધુમાડાના ગોટેગોટા કાઢે છે. આખુંય ગીત આ રીતે અનૂઠા કલ્પનના અને પ્રવાહી લયના જોરે ઊંચકાયું છે. સરવાળે, ગરમાટો આવી જાય એવી હૂંફાળી અનુભૂતિ!

18 Comments »

  1. Sandip Pujara said,

    August 20, 2021 @ 1:19 AM

    આહા … ક્યા બાત
    બહુ સરસ 

  2. shah Raxa said,

    August 20, 2021 @ 1:33 AM

    વાહ…લયબદ્ધ કાવ્ય…ને કવયિત્રીના કલ્પનનો સંગમ..નકરી મોજ

  3. કિશોર બારોટ said,

    August 20, 2021 @ 1:37 AM

    પહેલીવાર વાચ્યું હતું ત્યારે જ મારી ડાયરીમાં સાચવી લીધું હતું.
    અદ્ભૂત શબ્દચિત્રો.

  4. સુનીલ શાહ said,

    August 20, 2021 @ 2:04 AM

    વાહ.. અદ્દભુત..

  5. Harihar Shukla said,

    August 20, 2021 @ 2:13 AM

    આસ્વાદ વગર પણ દાઢે સ્વાદ રહી જાય એવી રમતિયાળ ગીત રચના 👌💐
    નરી નકરી મોજ સાહેબ 👌💐

  6. ડૉ . રાજુ પ્રજાપતિ said,

    August 20, 2021 @ 2:22 AM

    અદભુત!!! સુંદર ગીત .. લયબદ્ધતા અને વાતાવરણનું ચિત્રણ .. આહા !!!

  7. Vimal Agravat said,

    August 20, 2021 @ 2:45 AM

    વાહ વાહ વાહ પારુલ બહેન. ખુબ સરસ લય. ધ્રુજાવી દીધા.🙏🙏

  8. Anjana Bhavsar said,

    August 20, 2021 @ 3:08 AM

    વાહ..ખૂબ સરસ ગીત પારુલ દી

  9. નેહા પુરોહિત said,

    August 20, 2021 @ 3:21 AM

    હું સમજું છું એ રીતે સૂરજ બીડી પીવે એ સંદર્ભ
    વહેલી સવારનાં ધુમ્મસ સાથે જાય છે.. સરસ રચના..

  10. Sandhya Bhatt said,

    August 20, 2021 @ 5:07 AM

    પારુલબહેનની કલમે સુંદર ગીતો મળ્યાં છે.આ ગીત પણ ફરી ફરી માણવું ગમે..અભિનંદન..

  11. મયૂર કોલડિયા said,

    August 20, 2021 @ 7:40 AM

    વહ વાહ….

  12. pragnajuvyas said,

    August 20, 2021 @ 10:20 AM

    સ રસ ગીત્

  13. Bhupendra Bachkaniwala said,

    August 20, 2021 @ 11:10 AM

    દાંત વગાડે ડાકલી, નાચે દાઢડી, નાચે ચામડી, નાચે ક્રોડ રુંવાડાં, શું યાર ઠન્ડી. નું વર્ણન છે! વાહ kvi

  14. Jyoti hirani said,

    August 21, 2021 @ 2:46 AM

    વાહ વાહ, બહુ જ સરસ ગીત
    Jyoti hirani

  15. Parbatkumar said,

    August 21, 2021 @ 10:42 AM

    વાહ….
    ખૂબ સરસ ગીત

  16. Parbatkumar said,

    August 21, 2021 @ 10:44 AM

    વાહ….
    ખૂબ સરસ ગીત

  17. Maheshchandra Naik said,

    August 21, 2021 @ 8:50 PM

    વાહ,વાહ, ખુબ,ખુબસરસ ગીત, કવિયત્રી ને અભિનંદન..

  18. Maheshchandra Naik said,

    August 21, 2021 @ 8:50 PM

    વાહ,વાહ, ખુબ,સરસ ગીત, કવિયત્રી ને અભિનંદન..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment