કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
વિવેક મનહર ટેલર

આપણો સ્વભાવ હશે – ‘ગની’ દહીંવાળા

નયન ને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહીં, પાંપણમાં અણબનાવ હશે !

દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ કોઈ ઘાવ હશે !

બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો ત્યાં જ સુધી કોઈને અભાવ હશે.

બિચારા પુષ્પની આ વૈખરી વિશે વિસ્મય !
છૂપો વસંતના સુણવામાં વેરભાવ હશે.

અમે તો વાતનો વાહક ગણીને ઊચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.

પણે રસે છે સિતારાને લાગણીના ૨સે,
કોઈ તો રોકો કે એ આપણો સ્વભાવ હશે.

હસી પડે છે હવે તો ઉદાસીઓ ય, ‘ગની’,
નવી નવાઈનો જન્મેલ હાવભાવ હશે.

– ‘ગની’ દહીંવાળા

ગઈકાલે ગનીચાચાનો જન્મદિન ગયો….મક્તો વાંચીએ એટલે દિલ ખુશખુશ થઈ જાય….

3 Comments »

  1. વિવેક said,

    August 18, 2021 @ 8:09 AM

    ખાલી મક્તો જ શા માટે, આખી ગઝલ જ કેવી સુંદર છે… એક-એક શેર ખરું સોનું જોઈ લ્યો…

  2. વિવેક said,

    August 18, 2021 @ 8:58 AM

    મત્લા વાંચીને એક શેર યાદ આવ્યો-

    જુએ છે રાહ મારી જેમ આ સપનુંય આજે, પણ
    તમારા સમ! બે પાંપણ જોડવામાં વાર લાગે છે.

  3. pragnajuvyas said,

    August 18, 2021 @ 9:33 AM

    કવિશ્રી ગની દહીંવાળાની ખૂબ સુંદર ગઝલ
    મત્લા માણતા જ ગુંજે કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર
    પાંપણ પાછળ નેણ છુપાવ્યાં, પાલવ પાછળ હૈયું,
    પણ મારી પાની કહ્યું નહિ માની
    છુપે ના છુપાણી કરે મનમાની

    સાસરીની સાંકડી શેરીમાં વાગે કદી ના સંગીત
    જાતાં ને આવતાં ઝાંઝરીની તાલે પાની ગાતી રહે ગીત

    નહિ એ મૂંઝાણી રહી અણજાણી
    સદાકાળ પાની કરે મનમાની

    પણ મારી પાની કહ્યું નહિ માની
    છુપે ના છુપાણી કરે મનમાની

    મૈયરથી મુને મળવા આવ્યો એ મારો કોઈ મન મિત
    પિયરથી તારા વાવડ લાવ્યો, તું શું ભૂલી ગઈ પ્રીત
    લાવ્યો છું એક ઝાંઝરજોડી, સુણાવ તું કોઈ ગીત

    સુણી હું લજાણી પણ મારી પાની
    નહિ લજવાણી એના ઝાંઝરની વાણી

    નાચે મારી પાની થઈને મસ્તાની
    એ રોકે ના રોકાણી હું લાખ રીસાણી

    પણ મારી પાની કહ્યું નહિ માની
    છુપે ના છુપાણી કરે મનમાની

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment