પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

પડ્યો નહીં – ભગવતીકુમાર શર્મા

આકાશ ઊઘડ્યું છતાં તડકો પડ્યો નહીં;
આંક્યો’તો હેલીએ છતાં નકશો પડ્યો નહીં.

થંભી સિસોટી, બૂમ ડૂબી, દર્શકો ગયાં;
નાટકનાં મંચ પર છતાં પરદો પડ્યો નહીં.

ફૂંકી ફૂંકીને ભૂંગળી આંસુ બની ગઈ;
ચૂલાના ધૂમ્રપુંજથી તણખો પડ્યો નહીં,

નાકામિયાબી ક્યાં હતી ? ઇચ્છા પરમ હતી,
મારા અવાજનો કશે પડઘો પડ્યો નહીં.

સંતોષનો પુરાવો બીજો શો મળી શકે ?
હિસ્સો મળ્યો જે શ્વાસનો ઓછો પડ્યો નહીં.

જોગાનુજોગ હોય છે, સંબંધ કંઈ નથી,
તૂટ્યું હૃદય ને નભથી સિતારો પડ્યો નહીં.

રાતે વહ્યાં જે આંસુ સવારે ઊડી ગયાં;
ઝાકળનો ફૂલ પર કોઈ છાંયો પડ્યો નહીં.

લંબાવી હાથ કોઈએ ઝીલી લીધો હશે;
ઊછળ્યો હતો તે ભોંય પર સિક્કો પડ્યો નહીં.

– ભગવતીકુમાર શર્મા

જોગાનુજોગ હોય છે, સંબંધ કંઈ નથી,……નકરું સત્ય…..

2 Comments »

  1. pragnajuvyas said,

    August 24, 2021 @ 8:57 PM

    આ.કવિશ્રી ભગવતીકુમાર શર્માની સ રસ ગઝલ,

  2. Dr Heena Yogesh Mehta said,

    August 26, 2021 @ 9:00 AM

    ખૂબ સુંદર અભિવ્યક્તિ
    ખાસ તો …આંસુ ઊડી ગયા……
    Thanks for sharing

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment