દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

મેં એક અચંબો દીઠો – સુન્દરમ્

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા. મેં એક 0

મેં નદી નદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ,
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. મેં એક 0

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. મેં એક 0

– સુન્દરમ્

માણસ પ્રેમમાં હોય ત્યારે એને પ્રિયજન સિવાય કશું નજરે ચડતું નથી. ને તેમાંય આ તો કૃષ્ણપ્રેમ. એટલે કવિને જ્યાં જુએ ત્યાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ના ન્યાયે માત્ર શ્રીકૃષ્ણ અને એમનો સંસાર જ નજરે ચડે છે. જો કે વાતની શરૂઆત કવિ અલગ રીતે કરે છે. એ કહે છે કે મેં એક અચંબો દીઠો. દીઠો? અચંબો તો થાય… પણ કૃષ્ણ તો સાક્ષાત્ અચંબો છે એટલે કવિ અમૂર્તને પણ ચાક્ષુષ કરી કાવ્યારંભ કરે છે. ઘરઘરમાં એમને કનૈયો દેખાય છે અને હૃદય હૃદયમાં રાધા. વન વૃંદાવન બની ગયાં છે અને તુલસીના પાંદડે-પાંદડે નંદ-જશોદા દેખાય છે. દરેક નદી યમુના લાગે છે અને દરેકમાં ક્રુદ્ધ કાલિનાગ દેખાય છે. જો કે કાલિદહન મહાકરાળી કાળી કરે છે એ વાત કવિએ માત્ર પ્રાસ બેસાડવા ઉમેરી હોવાનું અનુભવાય છે.

6 Comments »

  1. Kavita shah said,

    August 21, 2021 @ 3:25 AM

    ખુબ જ ભાવવાહી ભક્તિ કાવ્ય…

  2. DILIPKUMAR CHAVDA said,

    August 21, 2021 @ 3:47 AM

    Sundar Abhivykati premani

  3. pragnajuvyas said,

    August 21, 2021 @ 10:55 AM

    કવિશ્રી.સુન્દરમ નુ ખૂબ સરસ ગીત,

  4. Neetin D Vyas said,

    August 21, 2021 @ 1:43 PM

    મનને ભાવ વિભોર કરી દેતી રચના. પોસ્ટિંગ બદલ આપનો આભાર.

  5. Maheshchandra Naik said,

    August 21, 2021 @ 8:20 PM

    સરસ ગીત…

  6. praheladbhai prajapati said,

    August 21, 2021 @ 8:51 PM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment