ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વિવેક મનહર ટેલર

ને જગા પુરાઈ ગઈ….- ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.

– ઓજસ પાલનપુરી

મત્લો એટલા ઊંચા મુકામે જઈ બેઠો છે કે બાકીના શેર એની ઊંચાઈ જોવામાત્રથી હાંફી ગયા છે….ત્રીજો શેર પણ મજબૂત છે,બીજો પણ સરસ છે. મક્તો થોડો વધુ હાંફી ગયો છે.

7 Comments »

  1. Pravin Shah said,

    July 26, 2021 @ 12:04 PM

    વાહ, વાહ,
    ખૂબ સરસ !

  2. pragnajuvyas said,

    July 26, 2021 @ 5:58 PM

    ગઇ કાલે સ્વ. ઓજસ પાલનપુરીનો જન્મદિન ગયો.૨૫ જુલાઈ ૧૯૨૭માં જન્મીને ૧૯૬૮માં ૪૧ વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી. અલ્પાયુમાં તેમણે ગુજરાતી કવિતામાં જે ઓજસ પાથર્યું છે, તે હરહંમેશ રહેવાનું છે. તેમની ગઝલ દ્વારા તેમને અંજલિ આપીએ
    ગઝલના બધા શેર સારા છે. પણ મત્લા
    મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
    આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
    આદભુત
    . સરળતા અને ઊંડાણ!
    માણસની હસ્તીનું મૂલ્ય શું છે ?
    તે વાત બે જ પંક્તિમાં કરી દીધી.

  3. Pravin Shah said,

    July 27, 2021 @ 4:10 AM

    વાહ.. ખૂબ સુંદર ગઝલ..

  4. Maheshchandra Naik said,

    July 27, 2021 @ 2:29 PM

    સરસ ગઝલ,જીવન પ્રત્યેનો હકારત્મક ભાવ અને વાસ્તવિક્તાનો સ્વિકાર…

  5. જવાહર પુરોહિત said,

    July 28, 2021 @ 9:44 PM

    ચોથા શેર ની બીજી પંક્તિ માં ઘસારો ને બદલે ધસારો હોવું જોઇએ. ધસી આવવા/જવા ના મૂળ માં વ્યાકુળતા, કારણભૂત હોઇ શકે.

  6. વિવેક said,

    July 29, 2021 @ 2:34 AM

    @ જવાહર પુરોહિત:

    આપની વાત સાચી છે. ધસારો જ સાચો શબ્દ છે. સુધારી લીધું છે.
    ખૂબ ખૂબ આભાર…

  7. Lata Hirani said,

    August 7, 2021 @ 2:05 AM

    પહેલા શેરની તોલે કશુ જ ન આવે ! સદાબહાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment