છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ
– રઈશ મનીઆર

પરમ પદારથ જડ્યો – સુરેન ઠાકર ‘મેહુલ’

પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો

અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલી
લહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલી
અગનજાળમાં આથડતાં એ
અગમનિગમને અડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો

રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠન
ઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજન
રમત રચી રળિયાત
અદીઠો વિસ્તરવામાં પડ્યો
પિંડને પરમ પદારથ જડ્યો

– સુરેન ઠાકર ‘મેહુલ’

ધ્યાનમાં અંતર્લીન થઈ જવાય એવી કોઈ એક ઘડીએ મનુષ્ય હોવાપણાંની તમામ હદ વટાવી અનહદમાં પહોંચી જઈ પરમ પદારથ પામી લે છે. આખા ગીતનો વિચારવિસ્તાર કરવા જેવો છે પણ હું કવિના ભાષાકર્મ વિશે જ વાત કરીશ. કવિએ આખી રચનામાં જે રીતે વર્ણસગાઈ અને આંતર્પ્રાસની ઝાંઝરી રણઝણાવ્યે રાખી છે, એના કારણે ગીતને અનનુભૂત નાદસૌંદર્ય પ્રાપ્ત થયં છે.

પિંડ-પરમ-પદારથ
સુરતા-સોગઠડે
અણુ-અણુ-આવન, તન-તાલાવેલી
અગનજાળ- આથડતાં-એ-અગમનિગમ-અડ્યો
–           આ પ્રમાણે આખા ગીતમાં કવિએ મજાની વર્ણસગાઈ (alliteration) રણકતી રહે છે.

આ ઉપરાંત,
આવન-જાવન-તન
લહર-લહર
અગમ-નિગમ
રણ-ઝણ, ભવ-અવગુંઠન
–         જેવા આંતર્પાસ ગીતના સંગીતને ઓર મધુરું બનાવે છે.

6 Comments »

  1. કિશોર બારોટ said,

    August 13, 2021 @ 3:07 AM

    વાહ, બહુ સરસ.

  2. Harihar Shukla said,

    August 13, 2021 @ 3:17 AM

    વાહ વાહ!
    પહાડ પરથી ઊછળતું ફૂદતું ઝરણ જાણે👌💐

  3. pragnajuvyas said,

    August 13, 2021 @ 6:07 AM

    સરસ. ગીત
    સંગીત મધુરું

  4. Shah Raxa said,

    August 13, 2021 @ 8:49 AM

    વાહ..ખૂબ સરસ ગીત….ખૂબ ખૂબ અભિનંદન

  5. Vineschandra Chhotai said,

    August 13, 2021 @ 10:22 AM

    રણઝણ બહુજ સરસ શબ્દ. આનંદ વ્યક્ત થઈ શકે.

  6. Lata Hirani said,

    August 18, 2021 @ 3:18 AM

    કવિતા કલા ઉત્ક્રુશ્ટ છે જ્…

    એમ થાય કે ખરેખર કોઇને આવેી ક્ષણ પ્રાપ્ત થાય ખરેી ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment