કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.
– ઊજમશી પરમાર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાઝ નવસારવી

રાઝ નવસારવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઉંબરે બેઠા છીએ…. – ‘રાઝ’ નવસારવી

એક દુઃખદ અવસર લઈને ઉંબરે બેઠા છીએ.
આશાઓ જર્જર લઈને ઉંબરે બેઠા છીએ.

હૈયા ધરપત આપ દો છો પણ ખબર છે એટલી,
જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ.

સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે,
ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ.

આંખ આ આંસુ વિહોણી તમને કહી દેશે બધું,
ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ.

કાલની જાહોજલાલી ‘રાઝ’ ભૂલીને અમે,
આજ આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ.

–‘રાઝ’ નવસારવી

શાયરે 1985ના અમદાવાદના કોમી હુલ્લડ વખતે આ ગઝલ કહી હતી, જે આજની અફઘાનિસ્તાનની દુર્દશા સમયે હૂબહૂ લાગુ પડે છે….

માનવ હિસ્ટરીમાંથી કશું જ શીખતો નથી એ હેગેલ-કથન તો નક્કર સત્ય છે જ છે, પણ માનવની અન્ય માનવ પ્રત્યેની ક્રૂરતા માનવ ઇતિહાસના આરંભથી એકધારી-એકસરખી-અપવાદવિહીન જ છે…..

Comments (5)

ગઝલ – ‘રાઝ’ નવસારવી

શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા,
કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.

નિષ્ક્રિય થઈને જીવવું બદતર છે મોતથી,
રાખીને એ ખુમાર, અમે ચાલતા રહ્યા.

અવરોધ એવા કંઈક હતા જો કે રાહમાં,
ત્યાગીને સૌ વિચાર અમે ચાલતા રહ્યા.

એક આદમીને એથી વધારે શું જોઈએ ?
આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા.

બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.

સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.

– ‘રાઝ’ નવસારવી

‘જીવન ચલને કા નામ’ની ફિલસૂફી લઈને આવતી ચાલવા વિશેની આ મજાની ગઝલ વાંચતા જ રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવી ગયા : “In three words I can sum up everything I’ve learned about life: IT GOES ON.

Comments (8)

નવા નવા – ‘રાઝ’ નવસારવી

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.

તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.

તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.

– ‘રાઝ’ નવસારવી

હજુ તો ગઈકાલે જ મૃત્યુને ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ ગણાવીને રાજેન્દ્ર શાહ ગયા. ને આજે આ ગઝલનો છેલ્લો શેર વાંચવામાં આવ્યો. આ બધી ફિલસૂફી પછી પણ જીવન(ની આસક્તિ) અને મૃત્ય(ના ડર) ના સમીકરણો ક્યાં બદલાય છે ? એ ખરેખર જો બદલાય તો તો પયગંબરી મળે.

Comments (13)

તઝમીન – ‘રાઝ’ નવસારવી

ચીનુ મોદીનો પ્રખ્યાત શેર :

સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

આ શેર પરથી રચેલ તઝમીન :

રાત દિવસ દિલથી માલિકને ભજી,
ક્યારથી બેઠો છું દુનિયાને તજી,
મારી નિષ્ઠામાં છે તમને શક હજી?
સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

‘રાઝ’ નવસારવી

તઝમીન એટલે કોઈ બે પંક્તિઓ લઈને એના અર્થને અકબંધ રાખીને ત્રણ પંક્તિઓ ઉમેરીને બનાવેલી કુલ પાંચ પંક્તિની રચના. નવસારીમાં 9 ડીસેમ્બર 1935 ના રોજ જન્મેલા, નવસારીમાં જ હાલ રહેતા અને નિવૃત્ત શિક્ષક એવા આ શાયરનું નામ છે સૈયદ સગીરઅહમદ અલીજાન. તેમણે ઉપરોક્ત તખલ્લુસથી ગઝલો, મુક્તકો અને તઝમીન લખ્યાં છે. તઝમીન તેમની ખાસ વિશેષતા છે.

Comments (1)