આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?
– સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for તઝમીન

તઝમીન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વ્યંગ-તઝમીન – નિર્મિશ ઠાકર

(મૂળ શે’ર)

કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

– કૈલાસ પંડિત

કવિનું આત્મચિંતન

શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

* * *

(મૂળ શે’ર)

હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

– કૈલાસ પંડિત

ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…

જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !”  કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

* * *

(મૂળ શે’ર)

મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– કૈલાસ પંડિત

લેખક દ્વારા વિવેચકને માન (?)

ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– નિર્મિશ ઠાકર

મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.

Comments (6)

તઝમીન – ‘રાઝ’ નવસારવી

ચીનુ મોદીનો પ્રખ્યાત શેર :

સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

આ શેર પરથી રચેલ તઝમીન :

રાત દિવસ દિલથી માલિકને ભજી,
ક્યારથી બેઠો છું દુનિયાને તજી,
મારી નિષ્ઠામાં છે તમને શક હજી?
સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

‘રાઝ’ નવસારવી

તઝમીન એટલે કોઈ બે પંક્તિઓ લઈને એના અર્થને અકબંધ રાખીને ત્રણ પંક્તિઓ ઉમેરીને બનાવેલી કુલ પાંચ પંક્તિની રચના. નવસારીમાં 9 ડીસેમ્બર 1935 ના રોજ જન્મેલા, નવસારીમાં જ હાલ રહેતા અને નિવૃત્ત શિક્ષક એવા આ શાયરનું નામ છે સૈયદ સગીરઅહમદ અલીજાન. તેમણે ઉપરોક્ત તખલ્લુસથી ગઝલો, મુક્તકો અને તઝમીન લખ્યાં છે. તઝમીન તેમની ખાસ વિશેષતા છે.

Comments (1)