રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…
-ભગવતીકુમાર શર્મા

અજાણ્યો સૈનિક – અબ્દુલ્લા પાશ્યુ (અનુ.: વિવેક મનહર ટેલર)

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર, કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

– અબ્દુલ્લા પાશ્યુ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો ઊભેલા હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને એક સૈનિકની ખુવારી એક પરિવારની ખુવારી હોય છે.

રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર પોતાની ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષો માટે પોતાના ગણવેશ પર લાગનાર તારક-ચંદ્રકો અને પદવીથી વિશેષ કશું નથી. યુદ્ધમાં મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કદાચ આજે ધરતીનો કોઈ ભગ એવો નહીં હોય જ્યાં સમયના કોઈ એક ખંડમાં યુદ્ધ ન ખેલાયું હોય અને કોઈને કોઈ સૈનિક દફન ન થયો હોય. મનુષ્યજાતિના આખા ઇતિહાસને એક જ પાનાં પર એકસાથે મૂકવામાં આવે તો કદાચ ધરતીનું તસુએ તસુ રક્તરંજિત હશે. આ વાત કુર્દીશ કવિએ કેટલી સરળતા છતાં વેધકતાથી રજૂ કરી છે, એ જુઓ…

The Unknown Soldier

If someday a delegate comes to my land
And asks me:
“Where is the grave of the Unknown Soldier here?”
I will tell him:
“Sir,
On the bank of any stream,
On the bench of any mosque,
In the shade of any home,
On the threshold of any church,
At the mouth of any cave,
In the mountains on any rock,
In the gardens on any tree,
In my country,
On any span of land,
Under any cloud in the sky,
Do not worry,
Make a slight bow,
And place your wreath of flowers.”

– Abdulla Pashew (Kurdish)
(English Trans.: Rikki Ducornet)

8 Comments »

  1. Kavita shah said,

    September 11, 2021 @ 3:43 AM

    હૃદયસ્પર્શી કાવ્ય

    સૈનિકોનાં બલિદાનનું ઋણ કોઈપણ રાષ્ટ્રની ભૂમિનાં કણ કણ ઉપર હોય છે
    અને શહીદ સૈનિક માત્ર કબરમાં જ નહીં કણે કણમાં શ્વસે છે..
    કાવ્યમાં ક્યાંય અદબથી ફૂલ મૂકી દેવા કહી કવિએ સૈનિકોને મસીહા/ ભગવાન
    જેવો દરજ્જો આપી ગૌરવાન્વિત કરી દીધાં.
    હરએક વ્યક્તિને તેમનાં દેશનાં સૈનિકો પ્રત્યે અપાર આદર હોય જ
    અને કવિ પણ એમાંથી બાકાત નથી ના હું એક વાચક તરીકે..

  2. Bhasker said,

    September 11, 2021 @ 6:46 AM

    Excellent poetry, one in Thousands….

    Great thanks to you to bring it to us…

    Hats off…..

  3. હરીશ દાસાણી. said,

    September 11, 2021 @ 7:12 AM

    આ સરસ કવિતા વિશ્વમાં રાજકીય સ્વાર્થ માટે લડતા તકસાધુ નેતાઓના પાપે શહીદ થઈ જતા પ્રત્યેક સૈનિકને અર્પણ.

  4. DILIPKUMAR CHAVDA said,

    September 11, 2021 @ 7:46 AM

    સેલ્યુટ છે કવિને, સૈનિકના ઉદાહરણ દ્વારા દેશની અખંડિતતા દર્શાવી અને જાણે એમના સરળ શબ્દો શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ ના આપતા હોય…..

  5. Poonam said,

    September 11, 2021 @ 9:21 AM

    …આદરથી સહેજ ઝૂકીને
    પુષ્પમાળા મૂકી દો.’ Aahaa ! vandan…
    – અબ્દુલ્લા પાશ્યુ –

  6. pragnajuvyas said,

    September 11, 2021 @ 9:22 AM

    મારા દેશમાં
    જમીન પર કોઈપણ જગ્યાએ
    આકાશમાંના કોઈપણ વાદળ તળે,
    સહેજ પણ ચિંતા કર્યા વિના,
    આદરથી સહેજ ઝૂકીને
    પુષ્પમાળા મૂકી દો.’
    – અબ્દુલ્લા પાશ્યુની હૃદયસ્પર્શી પંક્તિઓ ડૉ વિવેક મનહર ટેલરનો સ રસ અનુવાદ
    અમારા સુરતના તા કામરેજના ઘલુડી ગામે સૈનિકો ની મદદ માટે દાન એકત્ર કરવા માટે દાનપેટી રાખવા સાથે મંદિરમાં વિવિધ રીતે ભક્તો પાસેથી દાન મેળવી દેશની રક્ષા કાજે ફરજબજાવતા સૈનિકો માટે દાન મોકલાય છે અહીં સૈનિકો માટે દાન એકત્ર કરી સૈનિકોના પરિવાર સુધી પહોંચાય છે આવી પ્રેરણાદાયી દાનપૅટીઓ દરેક ઘરમા હોવી જોઇએ આ શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ સાથે પ્રેરણાદાયી ઋણ ચુકવવાનો નાનકડો પ્રયાસ

  7. જયેન્દ્ર ઠાકર said,

    September 11, 2021 @ 1:40 PM

    હૃદયસ્પર્શી કવિતા! આ સાથે મને પંડીત માખનલાલ ચત્રુઅવેદીની કવિતા…Chah nahi main surbala ke (Pushp ki abhilasha)… https://www.youtube.com/watch?v=ZKSUlGo-ma4 યાદ આવી.

  8. વિવેક said,

    September 13, 2021 @ 1:37 AM

    સહુનો આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment