કફન પણ ન પામ્યા દુલારા – જમિયત પંડ્યા ‘જિગર’
અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.
ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,
મિલનની ઘડી જાય છે આવનારા!
હવે વાર કરવી નકામી જ છે જ્યાં,
છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.
ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.
અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.
કદાચિત મળી જાય મોતી અમૂલાં,
લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ
નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,
અને દૂર દીઠા છલકતા કિનારા.
પરાયા બનીને નિહાળી રહ્યા છે,
અમારા જીવનની હરાજીના સોદા;
અને તેય જાહેરમાં જે સ્વજનને
અમે માનતા’તા અમારા-અમારા.
‘જિગર’ કોઈની ના થઈ ને થશે ના,
સમયની ગતિ છે અલૌકિક – અજાણી;
અહીં કૈંક સંજોગના દોરડાથી
નથાઈ ગયા કાળને નાથનારા.
– જમિયત પંડ્યા ‘જિગર’
પરંપરાગત રચના છે, પણ પ્રત્યેક ચરણ મજબૂત છે – કેન્દ્રવર્તી વિચારની મજબૂતાઇ આખી નઝમને ઊંચકી લે છે….