નોખી માટીની એક જોગણ વિજોગણને ઓચિંતો આવ્યો અણસાર,
વડલે ઊભો રહીને પાડે છે સાદ કોઈ નોખી માટીનો અસવાર.
-પારુલ ખખ્ખર

ચિતરેલું ફૂલ એક… – વિનોદ જોશી

ચિતરેલું ફૂલ એક ચૂંટવામાં જીવતર આ ઝાડવે ભરાઈ જાય જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

પોથી કાતરવામાં પાવરધો એક હતો અણદીઠો ઉંદરડો ધ્યાનમાં,
વાયકા તો એવી કે રહેતો ચુપચાપ એના જમણેથી છેલ્લા મકાનમાં;

પંક્તિનો પ્રાસ થાય ઊભો એ પહેલાં તો લયમાં લપટાઈ જાય જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

ચપટીભર ચાવળાઈ મુઠ્ઠીભર માન અને અંચઈનો આસપાસ અંચળો,
આટલાથી ચાલવાની પાક્કી દુકાન તોય ઉટકતો એંઠાં કમંડળો!

ચોરસની વ્યાખ્યાને ગોળ ગોળ સમજાવી ભીની સંકેલવાની જેમ…
.               સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…

– વિનોદ જોશી

ગુલાબ તો ગુલાબ જ હોય છે. પણ તોય કોઈ બે ગુલાબ એકસરખાં હોય ખરાં? દરેક ગુલાબનું પોતાનું મૌલિક સૌંદર્ય અને દરેકની પોતીકી ખુશબૂ. કમનસીબે સાહિત્યના બાગમાં ખીલતાં ફૂલોમાં અનુકરણ, અનુરણન અને સૂંઠના ગાંગડે ગાંધી થવાની ભાવના વધુ જોવા મળે છે. બીજાએ ચિતરેલું ફૂલ ચૂંટવાની કોશિશ કરીએ તો ફૂલ તો હાથ નહીં જ આવે, જીવતર ઝાડવામાં ભરાઈ જશે. સીધી લીટીમાં ચાલવા સિવાય અવર આવડત ન હોય એવો માણસ વર્તુળમાં ફસાઈ ન જાય તો શું થાય? પોથી કાતરવામાં પાવરધા બની ગયેલ ઉંદરડા લોકોની નજર ન પડે એમ છૂપાઈ છૂપાઈને લીલા કરતા રહે છે. આજે તો સૉશ્યલ મીડિયાના અતિરેકના જમાનામાં માણસ ચપટીક દોઢડાહ્યો હોય, મુઠ્ઠીભર માન પામ્યો હોય અને લુચ્ચાઈનો અંચળો પહેરીને બેઠો હોય એટલામાં સાહિત્યની દુકાન ધમધોકાર ચાલવાની ગેરંટી હોવા છતાં લોભને થોભ ન હોયના ન્યાયે એંઠાં કમંડળો ઉટકવાંનું- અન્યોએ લખેલામાંથી ઊઠાંતરી કરવાનું ચૂકતો નથી. અને પછી પોતાની કવિતા વિશે મભમ વાતો કરીને પાંડિત્ય પ્રદર્શન વડે સૌને ચૂપ કરી દેવાના… કેવો ચમચમતો ચાબખો! ગોળ ગોળનો શ્લેષ પણ ગીતના અંતને મજાનો વળ ચડાવી આપે છે…

 

4 Comments »

  1. saryu parikh said,

    August 19, 2021 @ 9:30 AM

    વિનોદભાઈ, બહુ સચોટ, હંમેશની જેમ.
    સરયૂ પરીખ

  2. pragnajuvyas said,

    August 19, 2021 @ 10:38 AM

    કવિશ્રી વિનોદ જોશી સ રસ ગીત ચિતરેલું ફૂલ એક
    અનુભૂતિ વગરની અભિવ્યક્તિ ચિતરેલા ફૂલ જેવી કહેવાય.લાગે સુંદર,પણ સુંગધ ન હોય.સામન્ય માણસના જીવતા જીવનનો ધબકાર સંભળાય છે, કદાચ એટલે પ્રત્યેક વાચકને એ કથામાં પોતાના જીવનનો પડધો સંભળાતો હોય
    ડો વિવેકનો વધુ સરસ આસ્વાદ

  3. Pragna Vashi said,

    August 20, 2021 @ 4:39 AM

    Khub saras marmik geet
    Abhinandan vinodbhai ne.

  4. DILIPKUMAR CHAVDA said,

    August 21, 2021 @ 3:12 AM

    Wah Bahut Badhiya

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment