ચેતન જે. શુક્લ ‘ચેનમ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 15, 2021 at 1:42 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
વાદળ બની આંખે તમારી આવતો નથી,
વરસાદ જેવી શક્યતાઓ બાંધતો નથી.
એના વગર ચાલે નહીં આદત કહો કે લત,
વાંધા વગરની જિંદગી હું ધારતો નથી.
તું ક્યાં નથી? એ પ્રશ્નનો ઉત્તર બની જવા,
હું ક્યાં નથી? એ પ્રશ્ન સામે રાખતો નથી.
મારા વિશેની બાતમીથી હું અજાણ છું,
વાંચ્યા કરે લોકો મને, હું વાંચતો નથી.
‘છોડી ચૂક્યો છું’ રીતથી, રાખી શકું તને,
જીવી શકું તારા વગર એ માનતો નથી.
– ચેતન શુક્લ ‘ચેનમ’
સરળ સહજ પણ મજાની રચના… ત્રીજો અને પાંચમો શેર સ-વિશેષ સ્પર્શી ગયા…
Permalink
June 11, 2021 at 1:50 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કોઈ એવી યાદનો બેજોડ કારોબાર છે,
તું કશે હોતી નથી ભરચક છતાં અંધાર છે.
ઝાડનું હોવાપણું સાક્ષાત્ ને સાકાર છે,
પણ હવાના સ્પર્શથી બેબાકળું આ દ્વાર છે.
દૃશ્યની પણ બહાર ઊભાં દૃશ્ય સૌ તૈયાર છે,
આંખની સાચી તપસ્યા પર ઘણો આધાર છે.
જે તળે બેસીને વેંઢારી રહ્યો ત્યાં પૂછજે,
દીવડાની જ્યોતનો અંધાર પર શું ભાર છે ?
ભીંગડાં બાઝી ગયાં છે સ્પર્શની એ ટેવ પર,
ટેરવાં જાણે અહલ્યાનો હવે અવતાર છે.
– ચેતન શુક્લ ‘ચેનમ’
લયસ્તરોના આંગણે કવિના પ્રથમ ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત…
આમ તો યાદોને મોટાભાગના સાહિત્યકારો વિરહના અંધારામાં પથરાતો અજવાસ ગણે છે પણ કવિ જરા ઉફરું કલ્પન લઈ આવ્યા છે. એમના મતે પ્રિયાની અનુપસ્થિતિમાં સર્જાતો અવકાશ યાદોના ભરચક અંધકારથી ભરાઈ જાય છે. ઝાડ કપાઈ ગયું છે અને એમાંથી નિર્જીવ દ્વાર પણ બની ગયું છે પણ હવાના સ્પર્શથી એ લાકડામાં જીવતું વૃક્ષ હજીય બેબાકળું બની જાય છે. જે સામે દેખાય છે એની પેલી પાર પણ સૃષ્ટિ તો છે જ, પણ આંખ શું જુએ છે એના પર ખરો મદાર હોય છે. હોવાની પાર જવું એ જ સાચી તપસયા છે. દીવા તળે અંધારું એ તો આપણે સહુ જાણી જ છીએ. એમાં કંઈ નવું નથી પણ અહીં નવી વાત એ બને છે કે અજવાસ પાથરતી દીવડાની જ્યોત દીવડા તળેના અંધકારને હટાવી શકતી નથી એ વાસ્તવિકતાને કવિ અહીં અંધકારની આંખે તપાસવા ચહે છે. બધા સ્પર્શ શલ્યામાંથી અહલ્યા નિપજાવી શકતા નથી. પણ સ્પર્શને આંગળાની જિંદગીમાંથી બાદ કરી શકાતો નથી. એ વાત અલગ છે કે ટેરવાંની આ ટેવ પર ભીંગડાં બાઝી ગયાં છે. સ્પર્શ રહી ગયા છે, સમ-વેદના બચી નથી… માટે જ શલ્યા અહલ્યા બની શકતી નથી…
Permalink
June 3, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.
એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.
એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.
રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.
– ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…
Permalink