આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
નિનાદ અધ્યારુ

કારોબાર છે – ચેતન શુક્લ ‘ચેનમ’

કોઈ એવી યાદનો બેજોડ કારોબાર છે,
તું કશે હોતી નથી ભરચક છતાં અંધાર છે.

ઝાડનું હોવાપણું સાક્ષાત્ ને સાકાર છે,
પણ હવાના સ્પર્શથી બેબાકળું આ દ્વાર છે.

દૃશ્યની પણ બહાર ઊભાં દૃશ્ય સૌ તૈયાર છે,
આંખની સાચી તપસ્યા પર ઘણો આધાર છે.

જે તળે બેસીને વેંઢારી રહ્યો ત્યાં પૂછજે,
દીવડાની જ્યોતનો અંધાર પર શું ભાર છે ?

ભીંગડાં બાઝી ગયાં છે સ્પર્શની એ ટેવ પર,
ટેરવાં જાણે અહલ્યાનો હવે અવતાર છે.

– ચેતન શુક્લ ‘ચેનમ’

લયસ્તરોના આંગણે કવિના પ્રથમ ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત…

આમ તો યાદોને મોટાભાગના સાહિત્યકારો વિરહના અંધારામાં પથરાતો અજવાસ ગણે છે પણ કવિ જરા ઉફરું કલ્પન લઈ આવ્યા છે. એમના મતે પ્રિયાની અનુપસ્થિતિમાં સર્જાતો અવકાશ યાદોના ભરચક અંધકારથી ભરાઈ જાય છે. ઝાડ કપાઈ ગયું છે અને એમાંથી નિર્જીવ દ્વાર પણ બની ગયું છે પણ હવાના સ્પર્શથી એ લાકડામાં જીવતું વૃક્ષ હજીય બેબાકળું બની જાય છે. જે સામે દેખાય છે એની પેલી પાર પણ સૃષ્ટિ તો છે જ, પણ આંખ શું જુએ છે એના પર ખરો મદાર હોય છે. હોવાની પાર જવું એ જ સાચી તપસયા છે. દીવા તળે અંધારું એ તો આપણે સહુ જાણી જ છીએ. એમાં કંઈ નવું નથી પણ અહીં નવી વાત એ બને છે કે અજવાસ પાથરતી દીવડાની જ્યોત દીવડા તળેના અંધકારને હટાવી શકતી નથી એ વાસ્તવિકતાને કવિ અહીં અંધકારની આંખે તપાસવા ચહે છે. બધા સ્પર્શ શલ્યામાંથી અહલ્યા નિપજાવી શકતા નથી. પણ સ્પર્શને આંગળાની જિંદગીમાંથી બાદ કરી શકાતો નથી. એ વાત અલગ છે કે ટેરવાંની આ ટેવ પર ભીંગડાં બાઝી ગયાં છે. સ્પર્શ રહી ગયા છે, સમ-વેદના બચી નથી… માટે જ શલ્યા અહલ્યા બની શકતી નથી…

6 Comments »

  1. pragnajuvyas said,

    June 11, 2021 @ 8:45 AM

    ખૂબજ સુંદર રચના
    ભીંગડાં બાઝી ગયાં છે સ્પર્શની એ ટેવ પર,
    ટેરવાં જાણે અહલ્યાનો હવે અવતાર છે.
    વાહ…
    સરસ અભિવ્યક્તિ
    ડો વિવેકનો સ રસ આસ્વાદ

  2. Maheshchandra Naik said,

    June 11, 2021 @ 9:43 PM

    દીવડાની જ્યોતનો અંધાર પર શું ભાર છે,?
    બધા જ શેર કાબીલે તારીફ…
    કવિશ્રીને અભિન્ંદન…..

  3. Yogesh Shukla said,

    June 13, 2021 @ 6:20 PM

    ભાઈ કવિ શ્રી ચેતન શુક્લ ,
    સૌ પ્રથમ અભિનંદન ,
    સરસ મઝાની કવિતા ગઝલ છે ,
    હલકી ફૂલ સમી ,

  4. Chetan Shukla said,

    June 14, 2021 @ 10:37 AM

    આભાર મારા સંગ્રહના આવકાર માટે

  5. Chetan Shukla said,

    June 14, 2021 @ 10:39 AM

    આભાર.. મારા પ્રથમ સંગ્રહના આવકાર બદલ

  6. દીપક વાલેરા said,

    July 1, 2021 @ 7:51 AM

    વાહ ખૂબ સુંદર ગઝલ મઝા આવી ગઈ કવિ શ્રી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment