અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિરેન ગઢવી

હિરેન ગઢવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બીજું શું જોઈએ – હિરેન ગઢવી

લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ,
આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ !

દીવાલ બોલવા ચહે આધારની કથા,
એ વખતે ઘરમાં હોઈએ, બીજું શું જોઈએ !

જે ચાહે તે પહોંચી શકે આપણા સુધી,
કાયમ એ સ્તરમાં હોઈએ, બીજું શું જોઈએ !

જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ,
એની અસરમાં હોઈએ, બીજું શું જોઈએ !

તારા થયાની ઘોષણા કરવાનું થાય મન,
ત્યારે સબરમાં હોઈએ, બીજું શું જોઈએ !

નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે,
એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ !

‘હોવાની’ જેમાં કંઈ જ જરૂરત પડે નહીં,
એવી સફરમાં હોઈએ, બીજું શું જોઈએ !

– હિરેન ગઢવી

સાદ્યંત સુદર ગઝલ. ‘બીજું શું જોઈએ’ જેવી રદીફને તંતોતંત નિભાવતા મેઘધનુષી સાત શેર. હળવે તે હાથ, નાથ! મહીડા વલોવજો…

Comments (5)

ધ્રિબાંગ ઢોલ બાજે – હિરેન ગઢવી

જે ક્ષણ સમય નવાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
મન મોહતા અવાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

ધ્રિબાંગ ઢોલ બાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
ઘૂંઘટમાં ફૂલ લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

ના જાણું કોના કાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
અંતરમાં મારા આજે ધ્રિબાંગ ઢોલ બાજે.

હાલત નથી એ દિલની ઉજવે પ્રસંગ કોઈ,
શું થાય ! લોક લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

કોઈના આંખે આંસુ, કોઈને મસ્તી મોઘમ,
આ કેવા રે મિજાજે ધ્રિબાંગ ઢોલ બાજે !

જીવ્યો છે ભવ્ય જીવન સાબિત થઈ રહ્યું છે,
જો ! રંકના જનાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

એ નાદ એ હદે આ માનસ ઉપર છે હાવી,
લાગે બધાય સાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

– હિરેન ગઢવી

નાદસૌંદર્ય કવિતાનું અભિન્ન અંગ છે. નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાંથી શ્રીકૃષ્ણ ઝૂલે ઝૂલતા હોય એવું સંગીત સંભળાય છે તો કાન્તના ‘સાગર અને શશીનો ઝૂલણા દરિયાના મોજાંની આવ-જાનું સંગીત તાદૃશ કરી આપે છે. શ્રીધરાણીના ‘ભરતી’ કાવ્યમાં સમુદ્રમાંથી ઊઠતા મોજાંઓ હજારો ઘોડાઓ કૂચે ચડ્યા હોય એવો નાદ જન્માવી અવનિ-આભને ભરી દે છે. હિરેન ગઢવીની આ ગઝલમાંથી એ જ રીતે ધ્રિબાંગ ધમ ધ્રિબાંગ ધમ ઢોલ બાજતો ન સંભળાય તો કહેજો…

Comments (9)

જીવણ – હિરેન ગઢવી

વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.

જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.

દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.

બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.

નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.

પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.

કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.

-હિરેન ગઢવી

કેવી ઉત્તમ ગઝલ! એક-એક શેર મમળાવી-મમળાવીને માણવા જેવા. એક જ ગઝલ પરથી સમજી શકાય કે આ કવિ પાસે પોતીકો અવાજ છે. એ ઉછીનું સીધુ લાવીને રોટલી ઘડનાર કવિઓમાંના એક નથી. આ નિસબત જળવાઈ રહેશે તો ગઝલકારોની હકડેઠઠ જામેલી ભીડમાંથી એક સાચો ગઝલકાર ગુજરાતી ભાષાને સાંપડે એવી એંધાણી આ રચનામાંથી વર્તાય છે.

જો કે હકીકતદોષ, તર્કદોષ કે સમજણદોષ ભલભલા ગઝલકારોને ક્યારેક નડતા હોય છે. હીરેન ગઢવીની આ ગઝલનો આ એક મિસરા લાંબા સમયથી મનમાં વમળ જન્માવ્યે રાખે છે. પ્રસ્તુત ગઝલના બીજા શેરનો સાની મિસરો જરા ધ્યાન દઈ ચકાસવો પડે એમ છે:

તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ

– આ મિસરામાં હકીકતદોષ થયો હોવાનું પ્રતીત થાય છે. કબીર કદી તુલસીદાસ કે મીરાંબાઈ, સિદ્ધાર્થ કે મહાવીરની જેમ ગૃહત્યાગ કરી ઈશ્વરપ્રાપ્તિ માટે નીકળી પડ્યા નહોતા. એ ગૃહસ્થ હતા અને એમની મોટાભાગની જિંદગી બનારસમાં વણકરકામ કરતાં-કરતાં જ વીતી હતી.

આ સિવાય મને એમ લાગે છે કે કોઈ પણ સંતના નામ સાથે કોઈ પ્રતીક પ્રયોજવામાં આવે તો એ સુસંગત જણાવું જોઈએ. જેમ કે, નરસિંહ સાથે કરતાલ કે હાથનું મશાલ બની સળગવું, મીરાંબાઈ સાથે એકતારો કે ઝેરનો પ્યાલો; કબીર સાથે ઝીણી ચદરિયા વગેરે. દરેક સંતની એક આભા હોય છે. કવિ એને નવી દૃષ્ટિથી જોઈ જરૂર શકે કે એને નવો અર્થ જરૂર આપી શકે પણ એને અણસમજથી ખરડી તો ન જ શકે. કબીરનું જીવન, વ્યક્તિત્વ, સાલસતા અને વિનમ્રતા એવા હતા કે ‘લઠ’ શબ્દ બિલકુલ આઉટ ઑફ કન્ટેક્સ્ટ લાગે છે. એક દોહો આવો કબીરના નામ પર છે:

કબીરા ખડા બજાર મેં, લીયે લુકાઠી હાથ.
જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ

-અહીં લુકાઠી એટલે સળગતી લાકડી અથવા મશાલ, જેનાથી પોતાનું ઘર –મોહ,માયાના બંધનો- ફૂંકવાનું છે. લુકાઠીનો અર્થ લઠ કરાયો હોય તો એ અયોગ્ય જણાય છે.

જાણકાર મિત્રો વધુ પ્રકાશ નાંખશે તો ગમશે.

Comments (7)

મસ્તી વધી રહી છે…..- હિરેન ગઢવી

તુજથી મળેલ ખૂણે મસ્તી વધી રહી છે,
જાણે બધે’જ ખૂણે મસ્તી વધી રહી છે !

વરસાવતી’તી આંસુ તારા ગયા પછી જે,
મોસમના તે જ ખૂણે મસ્તી વધી રહી છે.

દેખાતું કંઈ નથી પણ મહેસૂસ થઈ રહ્યું છે,
અણકથ, અભેદ ખૂણે મસ્તી વધી રહી છે.

ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.

ઊગ્યા હતા ભરમ જ્યાં, દાટી હતી જ્યાં દ્રષ્ટિ,
સમજણના એ જ ખૂણે મસ્તી વધી રહી છે !

સઘળા અચેત ખૂણા છે દંગ આ નિહાળી,
ચિત્તના સચેત ખૂણે મસ્તી વધી રહી છે !

ધિક્કાર વેઠી જગના ભેટી પડ્યો સ્વયંને,
છેવટ દરેક ખૂણે મસ્તી વધી રહી છે.

– હિરેન ગઢવી

કાવ્યનો આસ્વાદ મિલિન્દ ગઢવીના શબ્દોમાં –

મને ઘણી વખત પૂછવામાં આવે છે કે તમારા મતે સારી કવિતા કઈ? અને હું કહું કે જેને વાંચીને એમ થાય કે – આ મેં લખી હોત તો – એ કવિતા સારી. અને ક્યારેક એવું પણ બને કે કવિતા વાંચતી કે સાંભળતી વખતે એનામાં ઓગળીએ, એકાદ પંક્તિ સાથે રીતસર પ્રેમમાં પડી જઈએ. ત્યારે પછી મૂલ્યાંકનમાં ય પડવા જેવી ઈચ્છા ન રહે. એના કલાસંદર્ભ કે કાવ્યકૌશલને પણ બાજુએ મૂકીને, એની સાથે જોડાયેલા આપણા મનન કે ચિંતન ને પણ કોરાણે મૂકીને એને મમળાવતા રહેવાની ઈચ્છા થયા કરે. એ કવિતા ઉત્તમ.

ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે,
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે.

આ શેર વાંચું છું, ફરીફરીને વાંચું છું અને અંતરના ખૂણે મસ્તીને વધતી જોઉં છું. પછી આના સંદર્ભે ‘મારો એક શેર યાદ આવી ગયો’ એમ કરીને પોતાપણું ઠાલવીએ કે પછી એકાદ શબ્દ પકડીને મેળ વગરના context ઊભા કરીએ ને કહીએ કે ‘જવાહર બક્ષી યાદ આવી ગયા’ ત્યારે આ મસ્તી ચૂકી જવાય. અને કવિતા ચૂકી જવા માટે નહીં, ચોંકી જવા માટે હોય છે.

-મિલિન્દ ગઢવી

[ મને મત્લો બરાબર ન સમજાયો જો કે…. ]

Comments (3)