જીવણ – હિરેન ગઢવી
વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.
જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.
દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.
બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.
નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.
પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.
કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.
-હિરેન ગઢવી
કેવી ઉત્તમ ગઝલ! એક-એક શેર મમળાવી-મમળાવીને માણવા જેવા. એક જ ગઝલ પરથી સમજી શકાય કે આ કવિ પાસે પોતીકો અવાજ છે. એ ઉછીનું સીધુ લાવીને રોટલી ઘડનાર કવિઓમાંના એક નથી. આ નિસબત જળવાઈ રહેશે તો ગઝલકારોની હકડેઠઠ જામેલી ભીડમાંથી એક સાચો ગઝલકાર ગુજરાતી ભાષાને સાંપડે એવી એંધાણી આ રચનામાંથી વર્તાય છે.
જો કે હકીકતદોષ, તર્કદોષ કે સમજણદોષ ભલભલા ગઝલકારોને ક્યારેક નડતા હોય છે. હીરેન ગઢવીની આ ગઝલનો આ એક મિસરા લાંબા સમયથી મનમાં વમળ જન્માવ્યે રાખે છે. પ્રસ્તુત ગઝલના બીજા શેરનો સાની મિસરો જરા ધ્યાન દઈ ચકાસવો પડે એમ છે:
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ
– આ મિસરામાં હકીકતદોષ થયો હોવાનું પ્રતીત થાય છે. કબીર કદી તુલસીદાસ કે મીરાંબાઈ, સિદ્ધાર્થ કે મહાવીરની જેમ ગૃહત્યાગ કરી ઈશ્વરપ્રાપ્તિ માટે નીકળી પડ્યા નહોતા. એ ગૃહસ્થ હતા અને એમની મોટાભાગની જિંદગી બનારસમાં વણકરકામ કરતાં-કરતાં જ વીતી હતી.
આ સિવાય મને એમ લાગે છે કે કોઈ પણ સંતના નામ સાથે કોઈ પ્રતીક પ્રયોજવામાં આવે તો એ સુસંગત જણાવું જોઈએ. જેમ કે, નરસિંહ સાથે કરતાલ કે હાથનું મશાલ બની સળગવું, મીરાંબાઈ સાથે એકતારો કે ઝેરનો પ્યાલો; કબીર સાથે ઝીણી ચદરિયા વગેરે. દરેક સંતની એક આભા હોય છે. કવિ એને નવી દૃષ્ટિથી જોઈ જરૂર શકે કે એને નવો અર્થ જરૂર આપી શકે પણ એને અણસમજથી ખરડી તો ન જ શકે. કબીરનું જીવન, વ્યક્તિત્વ, સાલસતા અને વિનમ્રતા એવા હતા કે ‘લઠ’ શબ્દ બિલકુલ આઉટ ઑફ કન્ટેક્સ્ટ લાગે છે. એક દોહો આવો કબીરના નામ પર છે:
કબીરા ખડા બજાર મેં, લીયે લુકાઠી હાથ.
જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ
-અહીં લુકાઠી એટલે સળગતી લાકડી અથવા મશાલ, જેનાથી પોતાનું ઘર –મોહ,માયાના બંધનો- ફૂંકવાનું છે. લુકાઠીનો અર્થ લઠ કરાયો હોય તો એ અયોગ્ય જણાય છે.
જાણકાર મિત્રો વધુ પ્રકાશ નાંખશે તો ગમશે.
urveesh said,
July 5, 2019 @ 1:18 AM
મને પણ આ વાંચીને આ જ વિચાર આવ્યો હતો.કબીર
ક્યારેય સન્યાસનું મહિમાગાન કરતા નથી
urveesh said,
July 5, 2019 @ 1:19 AM
અન્યથા અતિ ઉત્તમ ગઝલ,એક સુંદર ગઝલ માણ્યાનો આનંદ
મણિલાલ જે.વણકર said,
July 5, 2019 @ 1:37 AM
વાહ
ખૂબ ગમતી ગઝલ !
Neha said,
July 5, 2019 @ 3:34 AM
સાચી વાત.
ઉત્તમ ગઝલ…
પોતીકો અવાજ..
પણ કબીર સાથે ચાદર શોભે. અહીં અન્ય શેરમાં મેલી ચાદર ઓઢી રાખવાની વાત આવી ગઈ હોવાથી કદાચ ‘લઠ’નું પ્રયોજન કર્યું હોય એમ બને.. પણ મીથ સાથે આવો પ્રયોગ વાંચવામાં કઠે છે..
vimala Gohil said,
July 5, 2019 @ 11:34 AM
“દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.”
Mahesh Gadhvi said,
June 16, 2020 @ 9:17 AM
સારી ગઝલ છે, કબીર અને લઠ્ઠ ની જ્યારે ચર્ચા થાય છે તો મારી સમજણ પ્રમાણે ઍ લઠ્ઠ એટલે કે મસાલ લઈને પોતાનું ઘર બાળવા નિકળી પડાય જો આ જીવનમાં મન ના ધરાય તો, મતલબ કે મોહમાયા ને ત્યજી દેવાય.
વિવેક said,
June 16, 2020 @ 9:20 AM
@ મહેશ ગઢવી: આપની સમજણ બિલકુલ સાચી જ છે… ચર્ચાનો મુસદ્દો પણ એ જ છે…
આભાર…