ધીરુ પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 2, 2021 at 1:17 AM by વિવેક · Filed under છપ્પા, ધીરુ પરીખ
પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઇ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?
બોલે પટપટ પોપટ-વેણ, ના સાંધો ના છે કૈં રેણ!
રેણ વગરનો વાક્-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?
શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.
વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય,
તેવો એનો વાણી-મેહ, સ્ત્રવે નહીં ને ગાજે જેહ;
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!
ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!
– ધીરુ પરીખ
નવેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિના અક્ષર-અંગ રચનાના બે’ક છપ્પા- https://layastaro.com/?p=8418 -આપણે માણ્યા હતા, આજે માણીએ અંગ-પચીસીમાંથી અધ્યાપક-અંગ વિષય અન્વયે થોડા બીજા છપ્પા. અખા ભગતની શૈલીમાં લખાયેલ આ આધુનિક છપ્પા પણ અખાના છપ્પાની જેમ જ ચાબખામાર જ છે. આજના પોપટિયા ભણતર વિશે કવિએ માર્મિક કટાક્ષ કર્યા છે. કાવ્યવિધા સળંગસૂત્રી હોવાથી દરેક છપ્પો એના આગળના છપ્પાની આંગળી ઝાલીને આગળ વધે છે.
Permalink
July 2, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ધીરુ પરીખ
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહોઃ છૂટ !
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે !
ઝરણાં ક્હો કે નદીયું હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
– ધીરુ પરીખ
પાણીને કોઈ ઘાટઘૂટ હોતાં નથી. કોઈપણ સ્વરૂપે પાણી પાણી જ રહે છે. દરિયો કહો કે આભને આંબી ઘેરીને ગજવતાં વાદળાં કહો, જે કહેવું હોય એ કહેવાની છૂટ છે. ઊંચાઈએથી સાવ નીચે ખીણમાં પડવાનોય જળને કોઈ રંજ નથી, એ તો ફીણાળું હાસ્ય જ વેરે. ઝરણું-નદી-ધોધ કંઈપણ કહો, જળમાં ફૂટ પાડવી અસંભવ. જળને ટૂંકમાં કશી તમા નથી, માથાકૂટ એને બાંધવા મથતા કિનારાઓની જ છે.
આખી વાતને આપણા વ્યક્તિત્વ સાથે પણ જોડી શકાય. જન્મથી મૃત્યુ સુધી સમાજ આપણને અલગ-અલગ જાતનાં નાનાં-મોટાં ચોકઠાંઓમાં બાંધવા મથતો જ રહે છે, પણ આપણું પોત એ આપણું પોત છે. એને બંધાવા દેવું કે કિનારાઓના મહોતાજ થવા દેવું કે કેમ એ આપણે નક્કી કરવાનું છે… ન સમજાય તો જળ પાસેથી થોડું શીખીએ…
Permalink
May 14, 2021 at 1:37 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરુ પરીખ
અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જી૨ણ ઘ૨-મોભારે.
આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો !
બટકેલુંયે નેવેનવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિ૨ણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંના પતંગિયાં શાં
ફૂલ ફૂલ ૫૨ ઊડ્યાં !
પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મોભારે બેઠો !
– ધીરુ પરીખ
કોરોનાના ખપ્પરમાં વધુ એક કવિનો મૂર્તદેહ હોમાઈ ગયો…. કવિશ્રીને લયસ્તરો તરફથી એક નાનકડી શબ્દાંજલિ…
અછાંદસ જેવી લાગતી પણ કટાવ છંદમાં લખાયેલી આ ચુસ્ત રચના વાંચવા કરતાં ગણગણવાની મજા વધુ આવશે. કવિએ ઘણી જગ્યાએ ચુસ્ત અને મુક્ત પ્રાસ પણ પ્રયોજ્યા હોવાથી રચનાની લવચિકતામાં ચાર ચાંદ લાગી જાય છે. સવારે આમ તો પાંપણ અધખૂલી હોય, પણ કવિ તો સવારને જ અધખૂલી કહે છે. મતલબ સૂર્યનું નેણ હજી પૂરું ખુલ્યું નથી. આ ભડભાંખળાની વેળાએ કથકના જીર્ણ ઘરના મોભારા ઉપર એક નાનો પોપટ આવીને બેસે છે અને ટહુકે છે. સવાર પૂરી થઈ નથી, ઘર ખખડી ગયેલું છે, પોપટ પણ નાનકડો છે અને એનો ટહુકો પણ આછો છે… બધું જ અધૂરું-આછેરું હોવા છતાં એક ટહુકામાત્રમાં વનનો આખો ઉઘાડ કવિના ઘરમાં-જીવનમાં વેરાઈ જાય છે. કેવી અદભુત વાત! બટકી ગયેલ તમામ નેવાં જાણે પાંદડાં બનીને ફરકવા માંડ્યાં, લાકડાના ઘરમાં લાકડાંને છેડે મજબૂતી માટે વપરાતી લોખંડની ખોળીઓ –વળીઓ જાણે કે ઘરવૃક્ષની ડાળીઓ બની ગઈ અને એની વચ્ચેથી એક નાનકડું સૂર્યકિરણ સરકી આવે છે. કિરણના પગલે ઘરની ઈંટ-ઈંટ પર જે ચાંદરણાં રચાયાં એ ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાં જેવા ભાસે છે. પલક ઝપકતાંમાં તો નાના અમથા પોપટની હાજરીના કારણે જૂનુંપુરાણું ઘર વનની ઘેઘૂર તાજગીથી ભર્યુંભાદર્યું બની જાય છે…
જીવનનું ખંડેર પણ આ જ રીતે નાંકડી ખુશીઓથી નંદનવન બની જતું હશે ને!
Permalink
July 11, 2018 at 4:20 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ધીરુ પરીખ
મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?
આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?
કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !
મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
– ધીરુ પરીખ
બહુ જ સ્પષ્ટ ભાષામાં એકદમ મર્મભેદી કાવ્ય છે આ……
Permalink
October 5, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરુ પરીખ
ગોરંભ્યું આકાશ ઝર્યું
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરાં !
તદપિ ભીતર ભીંજ્યું એવું –
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસ નસમાં ઊછળ્યાં
નિર્ઝર નિર્બંધ;
ભીતર-ધરણી આખી
લીલંલીલી;
રોમરોમમાં તૃણશ્રી ખીલી.
તરડાએલું હતું વિસ્તર્યું
ચારે પાસ સુકાણ :
આજ અચાનક થોડાં ફોરે
લોઢલોઢનું તાણ !
– ધીરુ પરીખ
ગોરંભે ચડેલું આકાશ ક્યારેક પૂરું ન પણ વરસે ને બસ થોડાં ફોરાં જ પડે… પ્રેમનું પણ આવું જ.. ક્યારેક થોડામાં ઘણું અનુભવાય એવી ઝાઝેરી અનુભૂતિની કટાવ છંદમાં રચાયેલી મજેદાર રચના…
Permalink
May 29, 2012 at 4:21 AM by ધવલ · Filed under છપ્પા, ધીરુ પરીખ
એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.
અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.
– ધીરુ પરીખ
આધુનિક છપ્પાનું નિશાન છે લેભાગુ લેખકો.
Permalink