જળને તે શા… – ધીરુ પરીખ
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહોઃ છૂટ !
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે !
ઝરણાં ક્હો કે નદીયું હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
– ધીરુ પરીખ
પાણીને કોઈ ઘાટઘૂટ હોતાં નથી. કોઈપણ સ્વરૂપે પાણી પાણી જ રહે છે. દરિયો કહો કે આભને આંબી ઘેરીને ગજવતાં વાદળાં કહો, જે કહેવું હોય એ કહેવાની છૂટ છે. ઊંચાઈએથી સાવ નીચે ખીણમાં પડવાનોય જળને કોઈ રંજ નથી, એ તો ફીણાળું હાસ્ય જ વેરે. ઝરણું-નદી-ધોધ કંઈપણ કહો, જળમાં ફૂટ પાડવી અસંભવ. જળને ટૂંકમાં કશી તમા નથી, માથાકૂટ એને બાંધવા મથતા કિનારાઓની જ છે.
આખી વાતને આપણા વ્યક્તિત્વ સાથે પણ જોડી શકાય. જન્મથી મૃત્યુ સુધી સમાજ આપણને અલગ-અલગ જાતનાં નાનાં-મોટાં ચોકઠાંઓમાં બાંધવા મથતો જ રહે છે, પણ આપણું પોત એ આપણું પોત છે. એને બંધાવા દેવું કે કિનારાઓના મહોતાજ થવા દેવું કે કેમ એ આપણે નક્કી કરવાનું છે… ન સમજાય તો જળ પાસેથી થોડું શીખીએ…
Maheshchandra Naik said,
July 2, 2021 @ 4:20 PM
સરસ,સરસ…..
pragnajuvyas said,
July 2, 2021 @ 5:16 PM
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
કવિશ્રી ધીરુ પરીખનુ સુંદર ગીત
ડો વિવેકનો ખુબ સ રસ આસ્વાદ-‘આખી વાતને આપણા વ્યક્તિત્વ સાથે પણ જોડી શકાય. જન્મથી મૃત્યુ સુધી સમાજ આપણને અલગ-અલગ જાતનાં નાનાં-મોટાં ચોકઠાંઓમાં બાંધવા મથતો જ રહે છે, પણ આપણું પોત એ આપણું પોત છે. એને બંધાવા દેવું કે કિનારાઓના મહોતાજ થવા દેવું કે કેમ એ આપણે નક્કી કરવાનું છે… ન સમજાય તો જળ પાસેથી થોડું શીખીએ’ થી વધુ મજા આવી