નથી જામતી એક બે અશ્રુઓમાં,
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુધીર પટેલ

પોપટ બેઠો – ધીરુ પરીખ

અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જી૨ણ ઘ૨-મોભારે.

આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો !

બટકેલુંયે નેવેનવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિ૨ણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંના પતંગિયાં શાં
ફૂલ ફૂલ ૫૨ ઊડ્યાં !

પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મોભારે બેઠો !

– ધીરુ પરીખ

કોરોનાના ખપ્પરમાં વધુ એક કવિનો મૂર્તદેહ હોમાઈ ગયો…. કવિશ્રીને લયસ્તરો તરફથી એક નાનકડી શબ્દાંજલિ…

અછાંદસ જેવી લાગતી પણ કટાવ છંદમાં લખાયેલી આ ચુસ્ત રચના વાંચવા કરતાં ગણગણવાની મજા વધુ આવશે. કવિએ ઘણી જગ્યાએ ચુસ્ત અને મુક્ત પ્રાસ પણ પ્રયોજ્યા હોવાથી રચનાની લવચિકતામાં ચાર ચાંદ લાગી જાય છે. સવારે આમ તો પાંપણ અધખૂલી હોય, પણ કવિ તો સવારને જ અધખૂલી કહે છે. મતલબ સૂર્યનું નેણ હજી પૂરું ખુલ્યું નથી. આ ભડભાંખળાની વેળાએ કથકના જીર્ણ ઘરના મોભારા ઉપર એક નાનો પોપટ આવીને બેસે છે અને ટહુકે છે. સવાર પૂરી થઈ નથી, ઘર ખખડી ગયેલું છે, પોપટ પણ નાનકડો છે અને એનો ટહુકો પણ આછો છે… બધું જ અધૂરું-આછેરું હોવા છતાં એક ટહુકામાત્રમાં વનનો આખો ઉઘાડ કવિના ઘરમાં-જીવનમાં વેરાઈ જાય છે. કેવી અદભુત વાત! બટકી ગયેલ તમામ નેવાં જાણે પાંદડાં બનીને ફરકવા માંડ્યાં, લાકડાના ઘરમાં લાકડાંને છેડે મજબૂતી માટે વપરાતી લોખંડની ખોળીઓ –વળીઓ જાણે કે ઘરવૃક્ષની ડાળીઓ બની ગઈ અને એની વચ્ચેથી એક નાનકડું સૂર્યકિરણ સરકી આવે છે. કિરણના પગલે ઘરની ઈંટ-ઈંટ પર જે ચાંદરણાં રચાયાં એ ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાં જેવા ભાસે છે. પલક ઝપકતાંમાં તો નાના અમથા પોપટની હાજરીના કારણે જૂનુંપુરાણું ઘર વનની ઘેઘૂર તાજગીથી ભર્યુંભાદર્યું બની જાય છે…

જીવનનું ખંડેર પણ આ જ રીતે નાંકડી ખુશીઓથી નંદનવન બની જતું હશે ને!

8 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    May 14, 2021 @ 3:08 AM

    ઓમ શાંતિ 🙏🙏
    આસ્વાદ દ્વાર આખી કૃતિ સમજાઈ ખૂબ સરસ વર્ણન

  2. Udayan said,

    May 14, 2021 @ 5:01 AM

    Sachha sakshar. Eliot na ‘Four Quartet’ ane Kalidas na ‘Ritu Samhar’ no anuvad karelo, Ravindranath vishe pustak karelu, nava kavio ni satat sangat karta hata.

  3. Harihar Shukla said,

    May 14, 2021 @ 5:38 AM

    ૐ શાંતિ

  4. Pravin Shah said,

    May 14, 2021 @ 5:50 AM

    પ્રભુ તેમના આત્માને શાન્તિ આપે !

    આસ્વાદથી કાવ્ય વધુ સમજાય્નુ ! ખૂબ સરસ !

  5. ketan yajnik said,

    May 14, 2021 @ 8:16 AM

    મ્ન્મા ઘુમ્મરાય તે તહુકો

  6. pragnajuvyas said,

    May 14, 2021 @ 9:06 AM

    સ્વ કવિશ્રી ધીરુ પરીખન લવચિક ઊર્મિકાવ્ય
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    યાદ આવે તેમની ઘણી રચનાઓ જેવી કે કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. એમની કવિત્વશક્તિ પરંપરિત માત્રામંડળ છંદની રચનાઓમાં વિશેષ નીખરી રહે છે. સંગ્રહની લગભઘ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કથન દ્વારા અર્થની ગતિ એક સ્તરે થતી અનુભવાય છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્યે સાચો ચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે. ‘અંગ પચીસી’ માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યો છે. છપ્પાની મધ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને કવિએ ‘આચાર્ય અંગ’, ‘અધ્યાપક અંગ’, ‘વિદ્યાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પા રચ્યાં છે. ‘આગિયા’ એમનો હાઈકુસંગ્રહ છે.
    .
    ૐ શાંતિ
    .
    પ્રભુ તેમના આત્માને શાન્તિ આપે !

  7. લલિત ત્રિવેદી said,

    May 14, 2021 @ 12:44 PM

    સુંદર કાવ્ય
    આદરણીય કવિ શ્રી ને અનેક અનેક પ્રણામ….. શું નિષ્ઠા શબ્દ કોશ નો શબ્દ બની જાશે?

  8. Poonam said,

    May 15, 2021 @ 2:23 AM

    Om Shanti 🙏🏻

    પોપટ નાનો ઘર-મોભારે બેઠો !

    – ધીરુ પરીખ – Waah ! Tahukao karyo Popat 👍🏻
    Aasawad thi vadhu khilyu ne khuliyu van 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment