પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

બાકી રહે – જયંત પરમાર

આંખમાં ભીંજાયલી કોઈક ક્ષણ બાકી રહે;
ક્યાંક કોઈ શેરમાં તારું સ્મરણ બાકી રહે.

લાગણીની સૂકી ડાળે ફૂલ ક્યાંથી આવશે,
હસ્તરેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે.

યાદની દીવાલને હા, તોડવી સહેલી નથી,
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે.

સાતમા આકાશ પર લઈ જાય છે કોઈ મને,
ને છતાં આ હૉલ વચ્ચે એક જણ બાકી રહે.

ચાંદની લહેરાય છે મારી નસેનસમાં ‘જયંત’,
રક્તમાં એ સ્પર્શનું પહેલું કિરણ બાકી રહે.

– જયંત પરમાર

શાયરનો કોઈ પરિચય નથી. પણ મત્લો જોઈને અટકી જવાયું….

4 Comments »

  1. વિવેક મનહર ટેલર said,

    November 3, 2021 @ 1:53 AM

    સરસ મજાની ગઝલ…

  2. હરીશ દાસાણી. said,

    November 3, 2021 @ 4:20 AM

    બહુ જ સરસ

  3. Rasik bhai said,

    November 3, 2021 @ 5:20 AM

    Sunder gazal.

  4. pragnajuvyas said,

    November 3, 2021 @ 10:34 AM

    દલિત કવિ જયંત પરમારની સ રસ ગઝલ
    દલિત વેદનાઓની અભિવ્યક્તી તેમના કાવ્યો માણતા વેદનાની એક કસક અનુભવાય છે.જેવાકે
    શબ્દને જોયા છે મેં
    શબ્દને જોયા છે મેં વરસાદમાં
    કંતાનની ખોલીમાં ઘૂસતા
    કેરોસીનની કતારમાં
    ઉદાસ બાળકોની આંખોમાં ચીમળાયેલા
    શબ્દને જોયા છે મેં.
    મરેલ ભેંસ પાસે
    તપેલી હાથમાં લઈને ઊભેલા ખાલી પેટ
    તૂટેલા કપમાં ચાની ચુસ્કી લેતા
    શબ્દને જોયાં છે મેં મંદિરમાં
    નિર્દોષ યેલમ્માના હૃદયમાં
    આક્રંદ કરતાં રક્તના આંસુઓમાં
    પીઠ પર ચાબુકની ચીખમાં
    શબ્દને જોયા છે મેં
    પોતાની જાતથી હિજરત કરતા
    પોતાની જાતથી નફરત કરતા
    શબ્દને જોયા છે મેં.
    દલિત કવિનું વસિયતનામું
    દલિત કવિ પોતાની પાછળ
    શું શું મૂકી જાય છે-
    રક્તમાં ખરડાયેલ કાગળ
    રાત્રિના માથા પર કાળો સૂર્ય
    કલમની નીબ પર આગનો દરિયો
    પૂર્વજોએ રક્તમાં સળગાવેલ ચિનગારી
    એ નથી કરતો તમારી પર આક્રમણ
    રૂપકોનાં
    ઉપમાઓનાં
    વ્યક્તિત્વનાં
    ગર્દભની પીઠ પરનો ભાર એ
    પોતે જ છે ઘાયલ પડછાયો
    કોઈ અસ્તિત્વ નથી એનું
    કોઈ ફરક નથી તૂટેલા કપમાં અને એનામાં
    ગોબર માટીની તસવીર બનાવનાર
    એટલી સમજ તો છે એનામાં
    રેતઘડીમાં,શરણાર્થી માટીની ગંધમાં
    વિદ્રોહના સૂર્યમુખીમાં
    કલમની અણી અને ખાડિયાની કાળી શાહીમાં
    કળા છે સહીસલામત.
    પરંતુ હવે એને શોધ છે પોતાની
    બહુ ગર્વથી કહે છે પોતાને
    દલિત !
    તારા ચહેરાને ખોદી લીધો છે
    મારા હૃદય પર
    હું જોઈ શકું છું તારી આંખોનાં ઊંડાણમાં,
    સદીઓની લીલીસૂકીનાં ડામ.
    તારો ચહેરો મને હમેશા યાદ આવશે.
    તારા ચહેરાના અજવાળાએ
    પ્રકાશ ફેલાવ્યો છે મરી અંધારી કોટડીમાં
    ઘરના આંગણામાં રંગોળી પૂરવાનો
    સમય આવ્યો છે.
    તૂટેલી ખુરશી પર નવું કપડું ચડાવવાનો સમય આવ્યો છે.
    મારાં ટેબલ પર પડેલાં તારાં પુસ્તકો હું વારંવાર ઉથલાવું છું.
    મારી આંખો પર જામેલા ધુમ્મસને દૂર કર્યું છે તે.
    ગલી ગલીમાં સાંભળી રહ્યો છું તારાં ગીત.
    તડકો જીવંત બની ગયો છે મારા વરંડામાં.
    લાયબ્રેરીમાં તારા પુસ્તક પર જામેલાં જાળાં
    હવે દૂર થઇ ગયાં છે.
    મારા હૃદય પર તારા ચહેરાને ખોદી દીધો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment