જે નથી તારું તું એને પામવાના મોહમાં,
જે બધું તારું છે એ ત્યાગી મને ભરમાવ ના.
અશરફ ડબાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ચાડિયો – ભરત વિંઝુડા

૦૧.

ચાડિયાના
હાથમાં
બંદૂક રાખી નથી
કારણ કે
એને પંખી ઓળખતાં નથી.
પંખી માટે
ખેતરમાં
ચાડિયો જ કાફી છે.
કારણ કે
પંખી
માણસને ઓળખે છે
અને ચાડિયો
માણસ જેવો લાગે છે.

*

૦૨.

જે મૂર્તિ ન બની શક્યાં
તે બન્યાં
બાવલાં.
અને
જે બાવલાં ન બની શક્યાં
તે બની ગયા
ચાડિયા.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘સ્ટ્રીટ લાઇટ’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી ‘ચાડિયા’ કાવ્યગુચ્છમાંથી બે નાનકડા કાવ્ય આપ સહુને માટે…

Comments (4)

(ઘરઝુરાપો) – બાબુ સુથાર

કોણ જાણે આવું કેમ થાય છે?
પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે
એમ આખું ડીલ બૂડી રહ્યું છે કશાકમાં
કેફ ચડે
એમ
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળને ઘૂઘરીની જેમ
લણકાવતી આવી રહી છે,
જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,
એના બચ બચ અવાજમાં ગંગાનદી
એની દૂંટીમાં જાતરાળુઓ મૂકી ગયેલા
એ મેલ ધોઈ રહી છે.
ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ,
એમને જોઈને મણિમાસી કહે છેઃ
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,
માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
કૂવામાં ધબ્બ દઈને પછડાતા ઘડા
પાણી સાથે અફવાઓની આપલે કરી રહ્યા છે,
નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય
કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી
અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ
ઠાઠડી પર મોર ફૂટી નીકળ્યો હતો.
દૂર દૂર રાવણહથ્થાના તારે તારે
ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.
સ્મૃતિએ ચડેલું ગામ
અને
આથમણે ઊગેલી શુક્રની તારલી
એકાએક
મારી જીભને ટેરવે
રમવા માંડે છે
અડકોદડકો
દહીં દડૂકો.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,
નહિ તો આખું ફિલાડેલ્ફિયા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.

– બાબુ સુથાર

નાનકડા ચેપબુક જેવા કાવ્યસંગ્રહ ‘ઘરઝુરાપો’માં કવિએ અછાંદસ કાવ્યોના ગુચ્છોને ચાર વિભાગ (ઊથલા)માં વહેંચીને શીર્ષકના સ્થાને માત્ર ક્રમાંક આપીને રજૂ કર્યા છે. સંગ્રહમાં કુલ એકતાળીસ કાવ્ય અને તમામનો વિષય એક જ–ઘરઝુરાપો. પણ નવાઈ એ લાગે કે એક જ વિષય પર આટલા કાવ્યો લખ્યા હોવા છતાં આખા સંગ્રહમાં એકવિધતા કે પુનરાવર્તનનો બોજ અનુભવ્યા વિના ભાવક સહૃદયતાથી જોડાઈ શકે છે. સંગ્રહમાંથી એક કાવ્ય અહીં રજૂ કર્યું છે.

‘કોણ જાણે કેમ આવું થાય છે’ની અસમંજસથી કાવ્યારંભ થાય છે, એટલે અહીં જે જે થઈ રહ્યું છે એના આપણે કેવળ સાક્ષી બનવાનું છે એટલું નક્કી થઈ જાય છે. આમ થાય છે તો કેમ થાય છે એવો સવાલ કોઈએ કરવાનો થતો નથી, કેમકે કારણ તો સર્જકને પણ ક્યાં ખબર છે?

ફિલાડેલ્ફિયામાં રહેતા કવિના સ્મૃતિપટ પર અચાનક એમનું ગામ આખું આવી ચડ્યું છે, અથવા એમ કહો કે કવિ આખેઆખા ગામની સ્મૃતિઓમાં ડૂબી ગયા છે. એક પછી એક કલ્પન સાવ અલગ જ તરેહથી રજૂ કરીને કવિ બાહોશ ચિત્રકારની માફક ગામનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. આ સુવાંગ ચિત્રને વિવેચનની આડખીલી માર્યા વિના એમ જ માણીએ… કાવ્યાંતે થતો હિંગનો વઘાર તમારા નાકને પણ તરબોળ ન કરી દે તો કહેજો…

Comments (12)

ઝૂલતો પુલ !!! – કૃષ્ણ દવે

*

અમથો નથી હું કાંઈ તૂટ્યો!
જર્જર થઈ ગ્યો’તો મારો દેહ તે છતાયે મને ટિકિટે ટિકિટે લૂંટયો.
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

નહિતર આ છાતી પર રમતા ને ઝૂલતા ઈ પગલાંને મારે શું વેર?
કાટ ખાઈ-ખાઈને હું કાકલૂદી કરતો, પણ સાંભળે તો શેનું અંધેર?
ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ,
આજે સમજાયું, તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ?
મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

– કૃષ્ણ દવે

ત્રીસ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં મચ્છુ નદીની ઉપરમો ઝૂલતો પુલ તૂટી પડ્યો અને ૧૩૫ નિર્દોષ જિંદગી એમના કુટુંબીજનોની આંખમાં આંસુના ટીપાં અને દિલમાં મટી ન શકે એવો જખમ બનીને રહી ગઈ. મરામ્મતના હેતુથી બંધ કરાયેલ પુલ યોગ્ય મરામત કરાયા વગર જ ખુલ્લો મૂકી દેવાયો. પુલની ક્ષમતા સોએક લોકો જેટલી મર્યાદિત હતી, પણ ભાવવધારા સથેની ટિકિટ વહેંચતી ઓરેવા કંપનીની પુલપ્રવેશસંખ્યાનિયંત્રણ કરાવવાની કોઈ તૈયારી નહોતી. કંપનીને કેવળ આવકમાં રસ હતો. ભારત દેશમાં થાય છે, એ એ જ રીતે આ દુર્ઘટનામાં પણ કોઈનો વાળ વાંકો થવાનો નથી. કમિટિ બેસશે, તપાસ થશે, દોષિતોના નામ જાહેર થશે, શરૂમાં નાની-મોટી જેલની સજા પણ થશે, પરંતુ અંતે તમામ દોષિતો બીજો ગુનો આચરવાની રાહ જોતાં મુક્ત થઈ ફરતાં થઈ જશે. ઝૂલતા પુલ પર અમર્યાદિત સંખ્યામાં ધસારો કરનાર અને પુલને હીંચકો ગણી ઝૂલે ચડવનાર નાગરિકોનોય આમાં પૂરો વાંક ખરો જ, પણ કાયદાનું જબરદસ્તી પાલન ન કરાવો તો કાયદા ઘોળી જવું એ ભારતીયોની મૂળેથી જ ફિતરત છે.

ભીની આંખે ઝૂલતા પુલ પર થયેલી હોનારતનું આ ગીત ગણગણીએ…

*

Comments (6)

ઓહો! – ચંદ્રશેખર પંડ્યા

સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો
તેમ છતાં બંનેનો ઠસ્સો, લોકો કહેતાં ‘ઓહો!’

બજાર વચ્ચે જઈએ, છોરા ટીકી ટીકી ઝાંખે
ભમરીનું દ૨ ભૂલભૂલમાં ભાડે લીધું માખે
યૌવનનું મહેરામણ છોડી, ડોહી ૫૨ કાં મોહો!
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

પંજાબી પહેરે તું જ્યારે, હૈડું હાય હડિપ્પા!
ટૉપ-પલાઝો સાથે શોભે, મલમલના દુપટ્ટા
ચૂડીદા૨માં ચમકો એવાં, સાડીમાં પણ સોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

એકમેક ૫૨ શ્રદ્ધા ને વિશ્વાસે ગાડાં દોડે
મતભેદો તો થાય છતાં, મનભેદ ચડે ના ઘોડે
શંકાની તો ઐસીતૈસી, થાય કદી ના ઘોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

– ચંદ્રશેખર પંડ્યા

મુખડું વાંચતાં જ મોહી પડાય એવું ગીત. ઓગણાસિત્તેર વર્ષની વયે પોતાને ડોહો કહેતો પતિ પત્નીને ડોહી કહી શકતો નથી, એ જોયું? સંસારની ખરાખરીની ખબર ગીતની પહેલી પંક્તિમાં જ પડી જાય છે, ખરું ને? 😉

વય સાથે બંનેનો ઠસ્સો પણ એવો વધ્યો છે કે બજારમાં નીકળે તો છોકરાઓ જુવાન છોકરીઓને તાકવાને બદલે બે ઘડી એમને જોઈ રહે છે. હજી આ વયે પણ કોઈપણ કોઈપણ પ્રકારનો વેશપરિધાન કરવામાં આ લોકોને કોઈ છોછ નથી, ઊલટું દરેક વેશભૂષામાં તેઓ દીપી ઊઠે છે. હૈડું હાય હડિપ્પાનો લય તો કમાલનો થયો છે. વાહ કવિ! પણ આ બધું તો ઉપલક છે. દેખાવ, વસ્ત્રભૂષા – આ બધું તો બાહ્ય સમ્રુદ્ધિ. સાચી મિલકત તો માંહ્યલો છે. પરસ્પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવા ઘટે. મતભેદ ભલે લાખ થાય પણ મનભેદ એકેય ન થાય ત્યારે ભીતરી સૌંદર્ય બહાર છલકે છે. શંકા જ્યાં સુધી સંબંધમાં ગોટાળા ઊભા ન કરે ત્યાં સુધી જિંદગી હાય હડિપ્પા જ રહેવાની…

Comments (5)

પરિવાર પરિચય – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ભૈ
લગન એટલે જલસાનો સેલ્લો દાડો નહીં
જલસાની શરૂઆત
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)
આ તો તુ મારો હગ્ગો ભૈબંધ સ(અ) ન(અ)એટલે તન કહુ સુ.
માર લગનની પેલ્લી રાતે પેલ્લુ વાક્ય મુ આવુ બોલેલો:
ગ્લાસન(અ) ગોળી માર ન(અ) તુ ઑમ આય.
હનીમૂન પસ(અ) મનાઈશુ, અત્તારે મારી વાત હોંભળ
મુ હાવ દેશી મોંણહ
પ્યોર GJ 2
મારી મા એક નંબરની જૂઠ્ઠી
મારો બાપ ઈનો ગુરુ
અન(અ) મારી બુનની તો વાત જ જવા દે
એક દાડો અમે ભૈબુન લેસન કરતોં’તોં
મારી માએ મોટેથી ઓડકાર ખાધો
મારા બાપા મુસો ઉપર પોંણી વાળા હાથ ફેરવત(અ) ફેરવત(અ) બોલ્યા :
આજ તો તારી માએ કૉય ખવડાયુ(સ) કૉય ખવડાયુ સ(અ)!
પેટ ફાટુફાટુ થાય સ(અ)
આટલુ હોંભળતોં જ મારી બુન મારા પૅલા રહોડામ પૅઠી
અન(અ) બીજી જ સેકન્ડે રોવા બેઠી
રોત(અ) રોત(અ) મન(અ) કે ભૈ,
તુ ખઈ લે, મન(અ) પેટમાં દુઃખ સ(અ)
મારી બુનના પેટમાં દુખાવાની switch મારી માએ પાડી’તી
આટલું બોલીન(અ) મુ ઊભો થ્યો
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા.

– મધુસૂદન પટેલ ‘મધુ’

કવિતા કરવા ઉપરાંત કવિનું બીજું એક કામ તે ભાષાની જાળવણીનું. દુનિયાની કોઈપણ ભાષામાં સાહિત્યકાર ભાષાનો સર્વોચ્ચ પ્રહરી હોય છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિતા કરવા ઉપરાંત મહેસાણાની તળપદી ભાષાને જાળવવાનું કામ પણ બખૂબી કર્યું છે, એ નોંધવા જેવું છે.

બે ભાઈબંધ વાતો કરવા બેઠા છે. પહેલો બીજાને પોતાના તાજા લગ્ન વિશે વાત કરતાં કહે છે કે લગ્ન એ જીવનના જલસાનો અંત નહીં, પણ પ્રારંભ છે હકીકતે તો. સાથે શિખામણ પણ ચોપડી આપે છે કે બધી વાતે નસીબ પર આધાર ન રખાય, ક્યારેક એ બાબતે સ્વાશ્રયી પણ બનવું રહ્યું. સુહાગરાતે નાયક પત્ની સાથે વાતચીતની શરૂઆત પરિવાર પરિચય આપવાથી કરે છે. પત્નીને કહે છે કે, (કઢેલા દૂધના) ગ્લાસને અને હનીમૂનને ગોળી માર અને પાસે આવ. કહે છે કે પોતે સાવ દેશી માણસ છે. પ્યોર GJ 2 યાનિ કે મહેસાણિયા તરીકે પોતાને ઓળખાવવાની નાયકની રીત પણ GJ 2 ના લક્ષણોને સુપેરે હાઇલાઇટ કરી આપે છે.

પોતાનો પરિચય આપી દીધા બાદ નાયકનું સ્ટિઅરિંગ પરિવાર તરફ ફરે છે. કહે છે કે મારી મા એક નંબરની જૂઠ્ઠી છે અને બાપ તો એનોય બાપ છે. અને બહેન પણ કંઈ કમ નથી. એક દિવસ બે ભાઈ-બહેન હૉમવર્ક કરતાં હતાં ત્યારે મા ઓડકાર ખાઈને પોતાનું પેટ ભરાયું હોવાની જાહેરાત કરે છે, તો સામા પક્ષે બાપ પણ પાણીવાળા હાથે મૂંછ લૂંછતાં નાયકને કહે છે કે આજે તો તારી માએ હદબહારનું ખવડાવ્યું છે. સાંભળીને બહેન રસોડામાં પેઠી અને રસોડામાં એકાદ વ્યક્તિને થઈ રહે એટલું જમવાનું માંડ બચ્યું હોવાથી રડતાં-રડતાં પોતાને પેટમાં દુઃખતું હોવાથી ભાઈને જમી લેવા કહે છે. બહેનના પેટમાં દુઃખાવાની સ્વીચ પોતાની માએ પાડી હોવાનું કહી કવિ ઘરમાં પ્રવર્તતી દારૂણ ગરીબી પત્ની આગળ જાહેર કરે છે. માનો ઓડકારેય જૂઠ્ઠો અને બાપનું ફાટફાટ પેટ પણ જૂઠ્ઠું અને બહેનના પેટનો દુઃખાવોય ખોટો. હકીકતે ઘરમાં કોઈ જમ્યું જ નથી અને કુળદીપક નાયક માટે બધા બલિદાન આપી રહ્યા હતા. આ વાત કરી લીધા પછી નાયક પોતાને દૂધ ભાવતું ન હોવાથી પત્નીને દૂધનો ગ્લાસ પી જવા કહે છે. સુહાગરાત છે, પણ બેઉ જણને થઈ રહે એટલું દૂધ પણ ઘરમાં નથી. પત્ની પણ મૂર્ખ નથી. પતિને જાને હાળા જૂઠ્ઠા કહીને એ પતિની ગરીબાઈનો સ્વીકાર કરે છે.

રચનામાં ભાષાની મોજ તો છે જ પણ સાથે કવિતા પણ બળકટ થઈ હોવાથી મોજ બેવડાતી અનુભવાય છે. વાહ કવિ!

Comments (12)

(અનાડી છે) – હરીશ ઠક્કર

નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.

મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.

મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.

તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.

શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.

– હરીશ ઠક્કર

‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.

Comments (7)

દિવસો જ્યારે વસમા આવે – બાબુલાલ ચાવડા ‘આતુર’

દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઈએ, ડૂસકાં આવે.

તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.

સુખ આવે તો એકલદોકલ,
દુ:ખનાં ધાડેધાડાં આવે.

દિવસે જેને ભૂલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.

અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.

એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.

જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.

લોકો કહેતા, ‘લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.’

– બાબુલાલ ચાવડા ‘આતુર’

સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના…

Comments (6)

ઘટઘટમાં – સુરેશ દલાલ 

હ્રદય વલોવાઈ જાય એટલો પ્રેમ હોવો એ ઘટના.
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

મીરાં ના ઘૂંઘટની પાછળ ગિરિધરનો છે ચહેરો,
નર્યા વ્હાલના વૃંદાવનને અંસુવન જલે ઉછેરો.
ભલો અમારો રઝળપાટ, રે રાજપાટ કપટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

વણદેખ્યા આ વાંસળીઓના સૂરની સાથે વાતો,
દેખીતી દુનિયાદારીથી જીવ મારો વ્હેરાતો.
અમે સદાના શરણાગતિયા મોરપીંછના મુગટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

– સુરેશ દલાલ

Comments (1)

(બસ ગમે છે એટલે શંકર મને) – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જંપવા દેતુ નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઈ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (1)

ભેટ – લિ-યંગ લી (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)

માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય આપનામાંથી કોઈથી અજાણ્યું નથી. હકીકત એ છે કે માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… ઇન્ડોનેશિયન ચાઇનીઝ કવિ લિ-યંગ લીની આ કવિતાનો વિશદ રસાસ્વાદ આપ અહીં માણી શકશો

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

Comments (4)

(સધ્ધર બની ગયું છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ઠોકર ખમીખમીને નક્કર બની ગયું છે,
હોવાપણુ હવે તો પગભર બની ગયું છે.

દસ વીસ સારી માઠી યાદો બચી ગઈ છે,
બાકી બધું પડીને પાદર બની ગયું છે.

મોભાને લઈને એવો ગંભીર થઈ ગયો કે,
મસ્તી-મજાક, હસવું દુષ્કર બની ગયું છે.

તારી બરાબરીનું દેખાય ના તને કોઈ,
તારી નજરમાં તારું એ સ્તર બની ગયું છે.

સુખમાં જીવી જવાની ચાવી મળી ગઈ પણ,
કોઈ રમકડાં જેવુ જીવતર બની ગયું છે.

કપરા સમયમાં મારી ખૂટવા ન દે એ હિંમત,
‘ધીરજ’નુ ખાતું એવું સધ્ધર બની ગયું છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

લયસ્તરો પર કવિમિત્ર ગુણવંત ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહ ‘એની તૈયારી નથી’નું સહૃદય સ્વાગત…

સરળ બાનીમાં સહજ, સંતર્પક પણ અર્થગહન રચના…

Comments (3)

સમણાંનું ગીત – પ્રીતમ લખલાણી

આવું છું હું હમણાં…
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

બંધ હોઠમાં ઝૂરે છે બસ અહીંયા એક સવાલ,
આંખ્યું કોરી તોય હાથમાં ભીનો કેમ રૂમાલ?
ખુલ્લા દ્વારે કોઈ ગયાની મનમાં રહી ગઈ ભ્રમણા,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

સાંજ ઢળ્યે દીવાની સગમાં રાત કરે કલશોર!
રહી રહીને રુદિયે ત્રોફ્યા ટહુકે છે કંઈ મો૨!
ઢળી ઢોલિયે પાંપણ ખૂલતાં લવકારા હો બમણાં,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?
આવું છું હું હમણાં…

– પ્રીતમ લખલાણી

મનનો માણીગર પાસે ન હોય ત્યારે પ્રોષિતભર્તૃકાનો એકમાત્ર સધિયારો એની યાદ અથવા એનાં સપનાં જ બની રહે છે. પણ વિરહસંતપ્ત આંખોમાં ઊંઘ આવે તો શમણાં આવે ને! હમણાં આવું છું કહીને દૂર દૂર સરી રહેલાં શમણાંના પ્રતીકની મદદથી કવિએ જે રીતે અનિદ્રાની વાત કરી છે એ કવિકર્મ સાચે જ ધ્યાનાર્હ છે. રૂમાલ ભીનો પણ આંખ કોરીવાળું કલ્પન પણ સહસા ધ્યાન ખેંચે છે. રૂમાલ ભીનો છે, મતલબ આંસુ તો આંખમાં નિરંતર આવી જ રહ્યાં છે. પણ તે છતાં કવિ આંખો કોરી હોવાની વાત કરે છે એનો સંદર્ભ પ્રિયજન અને/અથવા એના સ્વપ્નો આંખમાં આવતાં ન હોવા સાથે જોડાયેલ અનુભવાય છે.

Comments (6)

શેર – शारिक़ कैफ़ी

झूठ पर उस के भरोसा कर लिया
धूप इतनी थी कि साया कर लिया

– शारिक़ कैफ़ी

બહુ વરસો પહેલાં એલ્વીસ પ્રિસ્લીનું એક મશહૂર ગીત ચિત્રલેખામાં કોઈકે સમજાવેલું – બહુ ચોક્કસ યાદ નથી,થોડો વિગતદોષ હોઈ શકે – પણ અર્ક કંઈક આવો હતો –  “ Honey, you lied when you said you loved me And I had no cause to doubt you. But I’d rather go on hearing your lies, Than go on living without you…. “

સત્યએ પ્રખર તડકો છે – धूप इतनी थी कि साया कर लिया…. – સહન નથી કરવો સત્યનો તાપ, અથવા તો સહન થઈ શકે તેમ નથી એ તાપ… મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું નથી. એટલે …….साया कर लिया…… – જાતને છેતરવું શરુ કરી દીધું. આત્મવંચનાથી વિશેષ સુખ કયું….?

 

શું સત્ય સાથે આંખ મિલાવવી એ જ સાચી રીત છે જીવવાની ? થોડી આત્મવંચનાથી એક નહીં,એકથી વધુ જીવન સુખી થતા હોય તો એમાં વાંધો શું ? જૂઠું બોલવું, અને અસત્ય સામે આંખ આડા કાન કરવા – શું આ બંને એક જ વસ્તુ છે ? જ્યારે ખબર છે કે સામી વ્યક્તિ જૂઠું બોલે જ છે – છતાં એ જાણકારી સાથે એના પર ભરોસો કરવો – એ મારી નબળાઈ નથી ?? આ સમજ હોવા છતાં હું એમ કરું તો એ સારું કે ખરાબ ? યોગ્ય કે અયોગ્ય ? નીતિપૂર્ણ કે અનીતિપૂર્ણ ?? આવી નબળાઈ પંપાળવી સારી કે નાબૂદ કરવી યોગ્ય ગણાય ??  – સવાલ પેચીદા છે, જવાબ સરળ નથી.

 

વળી મારા – धूप इतनी थी कि साया कर लिया – અભિગમની અન્યો ઉપર જે અસર પડે તેની જવાબદારી પણ મારી જ ને ? તે માટે મારી પાસે કોઈ જસ્ટીફિકેશન ખરું !!??

Comments (2)

વાયરે ઊડી વાત – જિતેન્દ્ર કા. વ્યાસ

વાયરે ઊડી વાત-
(કે) સાવ રે! રોયા સાન વનાના
સાવ રે! રોયા ભાન વનાના
.                 ભમરે પાડી ગાલ પે મારા ભાત!
.                                    વાયરે ઊડી વાત.

સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એને ય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
ઘરમાં પેસું ‘કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?’ મને પૂછે ભોળી માત.
.                                                                     વાયરે ઊડી વાત.

સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
વગડા વચ્ચે, વાડની ઓથે
કાજળકાળો ભમરો રાતોચોળ થઈ ગ્યો એક ગુલાબી ફૂલને દેતાં સાંઈ!”
પનઘટેથી જલને ભરી આવતાં આજે જલની ઊંડી ઘૂમરીમાં ઘૂમરાઈ!
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને ‘…………………’
.                                           એય મૂઆને એની શી પંચાત?
.                                                           વાયરે ઊડી વાત.

– જિતેન્દ્ર કા. વ્યાસ

નાની અમથી વાત પણ વાયરાની જેમ બધે ફેલાઈ વળે એ ગામડાગામની સંસ્કૃતિનો અંતરંગ હિસ્સો છે. નાયિકાને એનો જ વલોપાત છે. પ્રેમમાં સાનભાન ભૂલી ગયેલ પ્રેમીએ એના ગાલ ચૂમી લીધાની નિશાની ગામ આખામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

સીમના કૂવેથી પાણી ભરી પરત ફરતાં નાયિકાનો જીવ આકળવિકળ થાય છે. વ્યગ્રતાને લઈને બેડું બરાબર ઝાલી શકાતું નથી એ વાતને કવિએ કેવી કમનીયતાથી રજૂ કરી છે તે જોવા જેવું છે. જાણે નાયિકાના ગાલ પર પડેલી ભાત જોવા વાંકું ન થતું હોય એમ બેડલું વાકું થતાં છલકછલક થઈ રહ્યું છે. સાફસાફ શબ્દોમાં નાયિકા સ્પષ્ટતા કરી કહે છે કે પોતે સાવ કુંવારી છે. પણ જેમ કાયા, તેમ ઓઢણી પણ પ્રેમજળની છાલકોથી સાથે ભીંજાઈ રહ્યા છે. ઘરમાં પૂછતાવેંત ભોળી માને પણ ચિંતા થાય છે, પણ માની નજર ગ્રામજનો જેવી નથી, એ સ્વાભાવિકપણે નિર્મળ નજર છે. જો કે પગ તો નથી લપસ્યોની પૃચ્છામાં કવિએ છૂપાવેલ શ્લેષ ભાવકની ચકોર નજરમાંથી છૂપાઈ શકતો નથી.

સહેલીઓ પણ કંઈ કમ નથી. એય ટોળટિખળ કરવાની તક જતી કરે એમ નથી. કહે છે, કે વગડામાં વાડની ઓથે કાજળકાળો ભમરો એક ફૂલને આલિંગન દેતાં રાતોચોળ થઈ ગયો એ જાણ્યું કે? પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતે જ સમગ્ર સંસારનું કેન્દ્રબિંદુ હોવાનું પ્રતીત થતું હોય છે એ વાત આયનો પણ ઉલટતપાસમાં જોતરાતો હોવાની નાયિકાને થતી અનુભૂતિ પરથી સહજ સમજી શકાય છે. આયનો શું પૂછે છે એ વાત અધ્યાહાર રાખીને કવિ ગીતને વધુ આસ્વાદ્ય પણ બનાવી શક્યા છે.

Comments (10)

માડી તારું કંકુ ખર્યું ને- – અવિનાશ વ્યાસ

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના આકાશમાં ચિરકાળ સુધી મધ્યાહ્ને રહેનાર સૂરજ છે. ગુજરાતી લોકસંગીતની પરંપરાને રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરીને અને સુમધુર કંઠ આપીને ચિરંજીવ બનાવવામાં એમનો સિંહફાળો છે. પદ્મશ્રી અવિનાશભાઈને ગુજરાત સરકારે એક-બે નહીં, પચ્ચીસ-પચ્ચીસ વાર શ્રેષ્ઠ ગીતકાર-સંગીતકારનો પુરસ્કાર આપી નવાજ્યા હતા. પ્રબોધ જોશી લખે છે: ‘ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.’

બહુખ્યાત આ રચના વિશે વિશેષ કશું કહેવાનું હોય નહીં પણ રચનાના ઉદભવ વિશે એક મજાની વાત કહેવી અવશ્ય ગમશે. ‘ગુજરાતી વિશ્વકોશ’ કહે છે: “થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ ટેસ્ટમૅચ જોવાની ચૂક્યા નહોતા. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.’

Comments (6)

ઊઠો ના– – મહેશ જોશી

હવે તેા ઊઠો ના મુજ હૃદયના સુપ્ત ઈસુ હે!
સૂતા રહો વિશ્રંભે, સકલ રસવું સ્પન્દિત હયે:
સ્ત્રવેલા કારુણ્યે વિફલ ઉરના કોમળ પુટે
વસો છાના, છાના; વ્યથિત થઈને આજ ઊઠવા
ચહો છો, કિન્તુ છો જગત વ્યવહારોથી અબૂઝ
હજુ પહેલાં જેવા, સજલ બનતા સદ્ય હૃદયે
અસત્યોને હાથે સત હત થતું જોઈ હજીયે!
હજુયે ચાહો છો જડ જગત ઉદ્ધાર કરવા!

હજુયે ઇચ્છા છે અમૃત અવનીમાં વહવવા?
યદિ ઇચ્છા, આવેા, પ્રભુ, મુકુટ હયાં કંટક તણા
ખીલાઓ તીણા ને ક્રૂસ અહીં ઊભા જુગજૂનાં
નવાં રૂપે, અશ્રુ હજુયે દૃગ માંહે નિધનની –
પછી રોવા. ઊઠો નહીં નહીં હવે હે પરમ સતત્,
છતાંયે જો ઇચ્છા, ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના.

– મહેશ જોશી
(૨૩-૦૯-૧૯૩૩ થી ૨૫-૦૧-૨૦૧૮)

જગવ્યવહારથી ગમે એટલું માહિતગાર કેમ ન હોય, કવિહૃદય તો સદૈવ સર્વાનુકંપાથી ભર્યુંભાદર્યું જ હોવાનું. પોતાના હૃદયમાં સૂતેલા રામને-ઇસુને ફરીથી જાગૃત ન થવા કવિ કહે છે. કહે છે, પ્રભુ! આરામથી સૂતા રહો. પહેલાંની જેમ વ્યથિત થઈ ઊઠવાની આ ઘડી નથી, કારણ કે ઈશ્વર દુનિયાના વ્યવહારોથી સાવ અજાણ છે. અસત્યોના હાથે સતને હણાતું જોઈ હજીય ઈશ્વરનું હૃદય ભીનું થઈ જાય છે. જગતનો ઉદ્ધાર કરવાની ચાહના છૂટતી નથી. વાત આમ ઈશ્વરને સંબોધીને છે, પણ સમજાય છે કે કવિ પોતાની અંદર સૂતી અનુકંપાને જ સમજાવી રહ્યા છે. કંઈ કેટલાય અવતારો અને ધર્મગુરુઓ અવનિના પટ પર આવ્યા અને ચાલી ગયા. માનવજાતિના કલ્યાણ માટે એમણે વહાવેલ અમૃત જાણે કે દરિયામાં વહી ગયું. પણ દુનિયાને અમૃતની ભેટ આપવાની ઇચ્છા હજી મરી પરવારી નથી. અહીં આવીને કવિ ઈશ્વરને ચેતવે છે કે જો ફરી અવતાર ધારવાની અને મનુષ્યોને તારવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય તો ફરી કાંટાળા મુગટ, ખીલા અને ક્રૂસે ચડવા તૈયાર રહેજો કારણ કે યુગયુગોથી આ સામગ્રી મનુષ્યોએ એમનીએમ સાચવી રાખી છે અને અલગ-અલગ રૂપે તમામ ઉદ્ધારકોને મનુષ્યો એનાથી જ નવાજતા આવ્યા છે. આ દુનિયામાં હવે અવતાર લેવા જેવો નથી એમ વારંવાર કહ્યા પછી આખરે કવિ કહે છે કે જો અવતરવું જ હોય તો એક-એક મનુષ્યના હૈયામાં તેજના ઝરા બનો એ ઉત્તમ.

Comments (6)

હજુ પ્રેમનો પહેલો વળાંક છે – મુકેશ જોષી

તમે પાળેલો મોર કોઈ વાત ના માને
એ વાતમાં મારો કંઈ વાંક છે?
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે અત્તરમાં છાંટેલી સાંજ એક ચાહો ને
ચાહો છો ખોલવા કમાડ
તમે સાંકળ ખોલી ને તોય બોલતા નથી
જરા હડસેલો સ્હેજ તો લગાડ
તમે હોઠ ઉપર મૌન તણાં પંખી બેસાડો
ને શબ્દોની ફફડે આ પાંખ છે
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે બહુ બહુ તો આંખોમાં ભરતી સંતાડી દો,
દરિયો તો કેમે સંતાય
વાદળમાં નામ તમે મારું લખો છો એ
ચોમાસે ચોખ્ખું વંચાય
તમે જોવાની દૃષ્ટિયે આપી બેઠા
ફકત તમારી પાસે તો આંખ છે

– મુકેશ જોષી

“હજુ પ્રેમનો પહેલો વળાંક છે…..” – હું તો આ પંક્તિએ જ ઘાયલ થઈ ગયો…

 

“જરા હડસેલો સ્હેજ તો લગાડ…..” – કેટલો હસીન ઈશારો !!! દરિયો તો કેમે સંતાય….. – વાહ…..

 

 

Comments (2)

કરું શું ? – હરીશ મીનાશ્રુ

ના ઈંગિત અણસાર- કરું શું ?
મૃગજળ મુશળધાર – કરું શું ?

અવળમુખે જળથળમાં ઝળક્યા
એકાદશ અવતાર, – કરું શું ?

ઈકડમ્ તિકડમ એક ચવની
શું શાં પૈસા ચાર, – કરું શું ?

વજન વિનાની ભાષાને તું
જા, કાયમ વેંઢાર – કરું શું ?

વાણીની પણ વરાળ થૈ ગૈ
તતડે કૈંક વિચાર,– કરું શું ?

ભીંત વગરના ઘરના માથે
છત-છપ્પરના ભાર, -કરું શું ?

ચણીબોર રાતુંચટ, થૂ… થૂ…
ચાખ્યું તો અંગાર, – કરું શું ?

ચપટી રાત ભજવણાં ભારે
અઘરા કૈં કિરદાર, – કરું શું ?

સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?

હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?

કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?

– હરીશ મીનાશ્રુ

કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.

– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )

( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )

Comments (2)

આસપાસ ઊડે છે… – વિનોદ જોશી

આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
.                              ઇચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
.                              જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
.                              ઓશિયાળી ઊંધમૂંધ કાયા;

પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
.                              છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
.                              એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
.                              પછી લખવાની બા૨ણાંપચીશી;

ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
.                              રોજ પાંપણથી લેવાની ખોતરી…

– વિનોદ જોશી

*

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

સાચે જ, અધૂરી ઇચ્છાઓથી અળગાં ન થઈ શકવું જ મનુષ્યનો સ્વ-ભાવ છે. જે ઇચ્છાઓ ત્યાગી દેવાની કોશિશ કરી હોય એ જ ફરી ફરીને આપણી આસપાસ મંડરાયે રાખે છે. સપનાં પૂરાં કરવા આપણે દોટ મૂકીએ ત્યાં સુધી તો ઠીક, કદાચ સપનાં સાકાર પણ થઈ જાય. પણ સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે સપનાં સાકાર કરવાના પ્રયત્નો પડતાં મૂકી આપણે જૂનવાણી ઢોલિયાના પાયાની જેમ એક જ જગ્યાએ ખોડાઈ જઈએ છીએ. આવું થાય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠી શકાતો નથી. ઓશિયાળું જીવન આવામાં ધોધમાર અંધારે ખરડાતું હોવાનું જ અનુભવાય છે… પ્રયત્નોના પગલાં પાછળ રહી જાય છે અને જાત પડછાયા સાથે જોતરી દેવાય છે. પણ સ્વપ્નપૂર્તિની સંભાવના તો જાતને જાત સાથે જોડવામાં આવે તો જ હોય ને!

જીવનમાં ક્યારેક કોઈક મઘમઘાટ અનુભવવાનું થયું હોય એ ક્ષણોનો નૉસ્ટાલ્જિયા જ પછી આવા જીવતરનો આધાર બની રહે છે. આખા જીવનની વાર્તા આવા એક-બે પ્રસંગથી જ લખાયેલ હોય છે. સમય જતાં આ વારતા પર પણ ધૂળ બાઝતી જાય છે અને આપણે રોજ-રોજ સપનાંના પાવડાથી એને ખોતરતા રહીએ છીએ… સપનાં ભલે અધૂરાં કેમ ન રહી ગયાં હોય, એને જોવાનું કામ કદી પૂરું થતું નથી.

અધૂરી રહી જતી ઇચ્છાઓના સામર્થ્યનું કેવું મજાનું ગીત!

Comments (2)

ક્યાંક પડ્યો વરસાદ – રાજેન્દ્ર શુક્લ

ક્યાંક પડ્યો વરસાદ,
.                   નદીમાં પૂર આવિયાં;
વહી રહ્યો ઉન્માદ,
.                   નદીમાં પૂર આવિયાં.
છોળ ઊછળે છોળ,
.                   નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંઘોળ,
.                   નદીમાં પૂર આવિયાં.
જળને ઝીણે સૂર,
.                   નદીમાં પૂર આવિયાં,
અમે તણાયાં દૂર,
.                   નદીમાં પૂર આવિયાં.
ક્યાં કાંઠો, ક્યાં ગામ,
.                   નદીમાં પૂર આવિયાં,
ભૂલી ગયાં નિજ નામ,
.                   નદીમાં પૂર આવિયાં.

– રાજેન્દ્ર શુક્લ

મુકુલ ચોક્સીના સરસ મજાના શેર સાથે આ ગીત માણવાના શ્રીગણેશ કરીએ:

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.

નદીમાં પૂર આવે એના મૂળમાં બહુધા અન્યત્ર ક્યાંક પડેલો વરસાદ જવાબદાર હોય છે. અહીં જે નદીમાં પૂર આવવાની વાત છે, એ સમજી શકાય છે કે પ્રેમની, જીવનની નદી છે. નેહની નદીમાં નીર નહીં, ઉન્માદ વહી રહ્યો હોવાને લઈને છોળની છોળ ઊછળે છે. અંઘોળ ભલે ને આભલગાં હોય, પણ પ્રેમના જળનો સૂર તો સાવ ઝીણેરો જ હોવાનો અને એવા ઝીણા સૂરમાં જ હોવાને તરતું મેલી દઈ દૂર દૂર તણાઈ જવાનું હોય છે. અને એકવાર પ્રેમના પૂરમાં તણાઈ ગયાં, પછી શું કાંઠો, શું ગામ અને શું પોતાનું નામ…

Comments (7)

અભરે ભરાઈ ગયાં – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!

પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.

Comments (8)

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

– ચંદ્રકાન્ત શાહ

એકદમ અલગ તરહનું ગીત…..

“હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો……..” – વાહ !! એકલતાનો રોજ નવો એક કિલ્લો !!

Comments (1)

નથી હોતી – હરીન્દ્ર દવે

હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી !

જીવનપુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે ?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.

ઘણી બેચેન ગાળું છું હું તુજ ઇતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.

એ મંઝિલ ક્યારની ગુજરી ગઈ, બેધ્યાન હમરાહી !
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.

તમારી યાદના રંગીન વનની મ્હેકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.

પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.

કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રદ્ધા નથી હોતી.

– હરીન્દ્ર દવે

લગભગ બધાં જ શેર ખૂબ જ મજબૂત 🙏🏻 – મક્તામાં બહુ મજા ન આવી…

Comments (2)

આસપાસ – સંજુ વાળા

અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ

ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ

તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ

શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ

ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ

– સંજુ વાળા

પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…

Comments (4)

અગ્નિદાહ – પ્રતિષ્ઠા પંડ્યા

મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!

– પ્રતિષ્ઠા પંડ્યા

ભારતીય પરંપરા મુજબ સ્ત્રીથી સ્મશાને ન જવાય એ વાત હવે ગઈકાલની થવા માંડી છે. પ્રસ્તુત રચનામાં કાવ્યનાયિકા પોતાના મૃત પિતાને વળાવવા સ્મશાન સુધી ગઈ છે એ વાત નાયિકા આધુનિકા હોવાની પ્રતીતિ કરાવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂકાયેલ પિતાજીના દેહને દેહનો ઝડપથી નિકાલ થાય એ હેતુસર બુકાનીધારી કર્મચારી કઢાઈમાં ધાણીને અવારનવાર હલાવવામાં આવે એમ અવારનવાર હલાવી રહ્યો હોવાનું વર્ણન આપણા શરીર આખામાં ઝણઝણાટી ફેલાવી દે એવું છે. લાવા જેવી જ્વાળાઓની વચ્ચે પણ પિતાજીની ખોપડી અને કરોડરજ્જુ છેલ્લે સુધી બળ્યા ન હોવાની વાત કવિતાના બંને ભાગને ન સાંધો, ન રેણની રીતે જોડે છે. પિતાજીના બળતા મૃતદેહની વાસ નાયિકાને અંગાંગમાં સજ્જડ વીંટળાઈ વળે છે. ઘરે આવીને નાયિકા હિંદુ પરંપરા મુજબ નહાઈ લે છે. એક તરફ પરંપરાથી આગળ વધી સ્મશાનમાં જવાની વાત અને બીજી તરફ સ્મશાને થી પરત ફરી નહાવાની અને એમ પરંપરાને જાળવી રાખવાની વાત પરથી ખ્યાલ આવે છે કે નાયિકા પારંપારિક સ્ત્રી અને આધુનિકાના સંધિસ્થાને ઊભી છે. કવિતાના ઉત્તરાર્ધમાં સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ નાયિકા પોતાને લાકડાના ખાટલા પર સુવાડીને દાહ દેવાતો હોવાની વાત કરી આપણને ચોંકાવે છે. સીધીસટ વહી જતી કવિતામાં આવતો ઓચિંતો વણકલ્પ્યો વળાંક જ પ્રતિષ્ઠા પંડ્યાના અછાંદસને આજે કવિતાના નામે આજે ઠલવાઈ રહેલ કચરાથી અલગ તારવી આપે છે. જીવંત નાયિકા પોતાને લાકડા પર અગ્નિદાહ દેવાઈ રહ્યાનું અનુભવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાકડામાં પલટાઈ છે. દાહ દેનાર અહીં પણ બુકાનીધારી જ છે, પણ આ વખતે કવયિત્રી એના માટે જલ્લાદ વિશેષણ પ્રયોજે છે, જે અગ્નિદાહ દેનાર બે વ્યક્તિ વચ્ચેના તફાવતને જમીન-આસમાન જેવો તોતિંગ કરી આપે છે. ફરી એકવાર આપણા શરીરમાં ઘૃણાનું લખલખું ફરી વળે છે. પોતાના બાપને સ્મશાનમાં વળાવી આવેલ પત્નીને એનો પતિ એક દિવસ પૂરતુંય શોકગ્રસ્ત રહેવાની આઝાદી આપવા તૈયાર નથી. આપણી નજર સમક્ષ થઈ રહેલો આ વૈવાહિક બળાત્કાર (marital rape) આપણને હચમચાવી દે એવો છે. જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, પણ નાયિકાનું અસ્તિત્ત્વ પણ એના પિતાજીની જેમ જ પ્રતિકાર કરે છે. શરીર તો ભોગવાઈ રહ્યું છે, પણ સ્ત્રી અજેય, અપ્રાપ્ય બની રહે છે. આ ટકી રહેવું એ જ આ સ્ત્રીની ખરી પિછાન છે, ખરું ને?

Comments (6)

હાઇકુ – ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’

હાથ ઝાલીને
અંધારનો, ઊતર્યો
ઘરમાં ચંદ્ર.

અમાસી રાતે
અંધારું ટોળે વળી
આગિયા શોધે.

જળ જીવંત
પનિહારીના સ્પર્શે
તળાવકાંઠે.

નિર્જન પથ
યુગોથી ચાલ્યા કરે
એકલપંડે.

બંધ બારણે
આવીને પાછા જાય
જૂના ચપ્પલ.

પવન દોડ્યો
બજારે છત્રી લેવા
વરસાદમાં.

છત્રી ઓઢીને
વગર વરસાદે
દંપતી ભીંજે.

– ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’

લયસ્તરોના આંગણે કવિના હાઇકુસંગ્રહ ‘શાશ્વત સુખ’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી ગમી ગયેલ કેટલાક હાઇકુ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. પહેલા હાઇકુ વિશે બે’ક શબ્દો: રોજબરોજની કોઠે પડી ગયેલી ઘટનાઓ, જેની આપણે નોંધ લેવાનું પણ છોડી દીધું હોય, એને દર સવારે પુષ્પની પાંદડી પર પ્રગટ થતા ઝાકળની કુમાશ અને તાજગી દઈ નવોન્મેષ કરાવી આપણી સમક્ષ રજૂ કરે એ કવિતા. રાતના અંધારામાં ચાંદની બારીમાંથી ઘરમાં પ્રવેશે એ એટલું સાહજિક અને કાયમી હોય છે, કે ભાગ્યે જ કોઈ એના પર ધ્યાન આપતું હોય છે. આવી સાવ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલ ઘટનાને હાઇલાઇટ કરી નવો ઓપ આપે એ જ સારી કવિતા. જુઓ, કવિ શું કહે છે તે… કોઈનો હાથ પકડીને કોઈ ઘરમાં ઊતરી આવતું ન હોય એ રીતે કવિ ચાંદનીને નહીં, સાક્ષાત્ ચંદ્રને અંધારાનો હાથ પકડીને ઘરમાં ઊતરતો જુએ છે. આટલો સજીવ સજીવારોપણ અલંકાર ઓછો જ પ્રયોજાયેલ જોવા મળે છે.

Comments (6)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજ૨ જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

ફરી વખત – મીરાંબાઈ યાદ આવે –

” ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ”

આપણે પોતે જવાબદાર હોઈએ છીએ આપણી કુંઠિત દ્રષ્ટિના…. આપણો ઘૂંઘટ/આપણું પર્ણ આપણે ખસેડવાનું છે…

Comments (2)

(સરક્યાં હો જી) – હનીફ સાહિલ

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

– હનીફ સાહિલ

ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.

Comments (4)

હવે રાધાનું નામ નથી રાધા… – યોગેશ પંડ્યા

તારા વિજોગમાં સૂધબૂધને ખોઈ, હવે રાધાનું નામ નથી રાધા,
એ તો પથ્થરની થઈ ગઈ છે, માધા!

મથુરાને મા૨ગે વ૨સોથી બેઠી છે ગાંડીઘેલી એક જોગણ,
દિવસોનું ભાન નથી, રાતોની નીંદ નથી, વલવલતી એક રે વિજોગણ

વ્હાલ માટે ૨વરવતી મૂકીને ગ્યો, તને ફટ્ છે ધૂતારા રંગદાધા…

તારી તે વાંસળીના સૂરમાં મોહીને દોડી આવતી’તી તારા તે બારણે,
મૂકીને જાવું’તું તારે તો શ્યામ! આવો નેડો લગાડ્યો શા કારણે?

રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….

રાધાનું નામ હવે રાધા નથી એ તો ‘ક્હાન’માંથી થઈ ગઈ છે બાદ,
વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?

અંજળ ખૂટ્યા, ’ને થાય વ્હાલમ વેરી – એનું નામ હવે લેવાની બાધા…

– યોગેશ પંડ્યા

રાધા-કૃષ્ણના ગીત ન લખે એ કવિ ન કહેવાય એવો વણલખ્યો ધારો અમલી હોય એમ આપણે ત્યાં દરેક ગીતકવિ રાધા-કૃષ્ણ પર હાથ અજમાવે છે. પણ પરિશુદ્ધ પ્રણયના આ અણિશુદ્ધ પ્રતીક વિશે પ્રવર્તતા ઘાસની ગંજીના ફાલમાંથી તીક્ષ્ણ સોય જેવું આવું રૂડુંરૂપાળું ગીત મળી આવે તો તરત જ ગમતાંનો ગુલાલ કરવાની ઇચ્છા થઈ આવે.

રાધા તરફથી કવિ માધા (માધવ)નો જાયજો લઈ રહ્યા છે. કૃષ્ણવિયોગમાં રાધા પોતાની સૂધબૂધ ખોઈને એવી પથ્થર થઈ બેઠી છે કે હવે એનું નામ સંદર્ભો ગુમાવી બેઠું છે. કૃષ્ણ જે માર્ગે મથુરા વહી ગયા હતા, એ માર્ગ પર પ્રેમજોગણ રાધા પથ્થરની જેમ વરસોથી પ્રતીક્ષારત્ બેઠી છે. જોગણ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના બદલે કેવળ જોગણ-વિજોગણની eye-rhyme પ્રયોજીને કવિએ યોગી-વિયોગીને સમકક્ષ બેસાડ્યા છે. રાધા-માધા સાથે રંગદાધા જેવો અનૂઠો પ્રાસ ઉમદા કવિકર્મની સાહેદી પુરાવે છે. શ્યામને રંગદાધો ધૂતારો કહીને કવિએ કમાલ કરી છે. દાધું એટલે આમ તો બળેલું. દિલનો દાઝેલો એવો અર્થ પણ લઈ શકાય. કૃષ્ણના શ્યામવર્ણ ઉપર આવો શ્લેષ ભાગ્યે જ જોવા મળશે. પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવે: ‘લાગી વિષ જ્વાળ દાધો ભૂપ, કાળી કાયા થયું કૂંબડું રૂપ.’

કૃષ્ણનો વધુ ઉધડો લેતાં કવિ કહે છે કે ચાલ્યા જ જવું હતું તો પછી આવડી માયા શીદ લગાવી? પરંતુ આ ઠપકામાં પણ સમ્યકતા છે. એના રાજ-રજવાડાં અને પત્નીની સામે રાધાને કોઈ ફરિયાદ નથી. ભલે પોતાનાથી અળગો થઈને કૃષ્ણકનૈયો સુખના ઓડકાર ખાતો! ખમ્મા કાનજીલાલ! ખમ્મા… આ છે રાધા! આ જ છે સાચો પ્રેમ!

ઉપાડપંક્તિના અડધિયાને ત્રીજા બંધના ઉપાડમાં વાપરીને કવિ રાધાના અસ્તિત્ત્વલોપને કેવી ધાર કાઢી આપે છે! રાધાની ક્હાનમાંથી બાદબાકી થઈ ગઈ છે. અંજળ ખૂટી જાય અને ખુદ વહાલમ જ વેરી થઈ જાય તો પછી ફરિયાદ કોને કરવાની? બાધા જ મૂકી દ્યો હવે એનું નામ લેવાની….

Comments (16)

ગણવાના હતા – ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.

નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.

પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.

ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.

બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.

કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.

– ભરત વિંઝુડા

કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?

Comments (3)

લીલ્લીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઈ હવે,
સુક્કા સમ્બન્ધ કેરું નામ.

મ્હોરતાં ફોરતાંને પળમાં આસરતાં આ
શબનમ જેવો છે સમ્બન્ધ,
સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ.

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવાં દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકાલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારુંયે સાવ નામ-ઠામ.

-નીતિન વડગામા

 

” ઈક એહસાસ હૈ યહ રૂહ સે મહસૂસ કરો
પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…..”

Comments (2)

(ડરે છે!) – હરીશ ઠક્કર

મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!

બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.

ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.

જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!

– હરીશ ઠક્કર

માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…

Comments (9)

(નહિ કરું) – સંદીપ પૂજારા

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

– સંદીપ પૂજારા

પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.

Comments (16)

(રેનબસેરા) – બાબુલાલ ચાવડા ‘આતુર’

માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા

અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા

ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?

આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા

ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:

“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.

“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (6)

અર્ધગીતિ – રાજેન્દ્ર શુક્લ

અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.

બાકીનું બાકી છે –
અડધું મૌન
આયખું
અડધી વાણી
ને આ અડધું અડધું પીવાનું
હું ઘૂંટડે ઘૂંટડે પીઉં
કે પીઉં એકસામટું
પણ અડધું અમથું પીવાનું.

તડકો તો તપવાનો પૂરેપૂરું
તડકો તો તપવાનો પૂરેપૂરું
તૂરો કંઠ સુકાશે
અડધો
ને અડધો લીલો રહેશે
તરસો તરફડશે
અડધી
વરસો અડધાં રે ભીંજાશે
અડધો હું અંદર વ્હેરાણો
અડધો હું ઊભો છું બ્હાર
તંબુ અડધપડધરા તાણી

અડધું મેં પીધું છે મૌન
મેં પીધી છે વાણી.

– રાજેન્દ્ર શુક્લ

કવિ વાત પોતાની કરે છે પણ વાતનો વ્યાપ વિશાળ છે – માનવી સમગ્રતાથી ભાગ્યે જ કંઈ કરે છે…મિલન હોય કે ઝુરાપો-પોતાના સમગ્ર અસ્તિત્વને જવલ્લે જ કોઈ દાવ પર લગાવે છે… વાણી પણ અધકચરી અને મૌન પણ અધકચરું… શ્રદ્ધા પણ અધકચરી અને સંશય પણ અધકચરો…..

Comments (1)

છેલ રમતૂડી – દલપત પઢિયાર

છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ન પાદર થરથરે રે લોલ.

આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખી ને વાયક પાછાં ફરે રે લોલ.

લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઊતારો નેવાં જરે છલે રે લોલ.

પેલા મારીડાને ભાગ
મરવો નઈં બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.

– દલપત પઢિયાર

ડુંગળીનાં પડની જેમ સારી કવિતામાં અર્થનું એક પડળ હટાવતાં બીજું ને બીજું હટાવતાં ત્રીજું હાથ લાગતું રહે છે. ડુંગળીના બધા પડ ઉખેડી નાંખ્યા બાદ હાથમાં તીવ્ર ગંધ અને આંખોમાં પાણી બચે છે, એ જ રીતે કાવ્યાર્થના તમામ પડળ નાણી લીધા બાદ અંતે જે શૂન્યાવકાશ બચે છે એ આત્માનુભૂતિનું જ બીજું નામ કવિતા… જીવનની સાંજના કિનારે બેસીને મુક્તિની રાહ જોતી સ્ત્રીનું આ ગીત જુઓ… તમામ અર્થચ્છાયાઓ બાદ કરી લેવાયા બાદ પણ અહીં કંઈક એવું તત્ત્વ બચે છે, જે આપણને છે…ક ભીતર સુધી સ્પર્શી જાય છે… શું આને જ સાચી કવિતા કહેતા હશે? મને જે સમજાયું છે તે મારી મજા છે, પણ ગીતનું ભાવવિશ્વ તો કદાચ હજી વધુ ઊંડું છે અને મારી સમજણથી સાવ અલગ પણ હોઈ શકે છે.

સાહેલી સાચા અર્થમાં મિત્ર માટેનું સંબોધન પણ હોઈ શકે અને જાત સાથે વાત કરવાની પ્રયુક્તિ પણ હોઈ શકે. પૂનમનો મેળો, એમાં ચાર-ચાર ગાઉ સુધી છાંય પાથરતો પારસપીંપળો, પ્રજ્વલિત દીવડાં ભર્યાભાદર્યા જીવન અથવા જીવનસાથી તરફ ઈંગિત કરે છે. પૂનમ અજવાસનું અને મેળો ભરચક્કતાનું પ્રતીક છે, તો પારસપીપળો પવિત્રતા અને વિશાળતાનું. પણ હવે દિવસ આથમવા આવ્યો છે એટલે પાદરમાં અંધારાં ઉતરતાં અંધારે ઉકેલી ન શકાતું જીવતર જાણે કે થરથરી રહ્યું છે. અષાઢી મેઘની વાત આવે એટલે મેઘદૂત પણ યાદ આવે. પણ નાયિકા નદીએ જવાની ના કહે છે. નદીકિનારે ટકુકતાં મોર જોવાની એની તૈયારી નથી. કદાચ જીવનસાથીની પ્રતીક્ષાની અહીં વાત છે. સાથી સાથે ન હોય તો મેઘ અને મોર –કશામાં મન ન લાગે એ સહજ છે. સાંજટાણે પંખી માળામાં પરત ફરે એ તો સહજ ઘટના છે, પણ અહીં કવિ પિંજરના પંખીના પાછાં ફરવાની વાત કરે છે એ ધ્યાનાર્હ છે. દેહ-પ્રાણના સંદર્ભ અહીં ઊઘડે છે. પિયુઆગમનની અપેક્ષામાં આંગણે કરેલ લીલી ઓકળીઓની ભાત હતી-ન હતી થવા આવી છે. પાણિયારે તો બેડાં ઉતારવાનાં હોય, કવિ નજર ઉતારવાનું કહે છે. કારણ કે પાણી તો આંખોને છલકાવી જ રહ્યાં છે. માળીના બાગમાં હવે મરવા ખીલનાર નથી અને સુથારની હાટમાં માંડવા મંડાનાર નથી. જીવનના પ્રસંગો સહુ ખતમ થયાં છે. આવીને ગયેલા સહુ દિવસો જમણી આંખે ફરકી રહ્યા છે. કાગડાને ઊડાડી દે, સહેલી… હવે અહીં કોઈ આવનાર નથી. કાગડાને ઉડાડવાની વાતમાં કાયા છોડીને જીવ શિવ તરફ ગતિ કરે એવી અર્થચ્છાયા પણ ભળેલી છે.

સરવાળે, સાવ નોખી તરેહનું ગીત.

Comments (12)

(તમારા ગયા પછી) – બરબાદ જૂનાગઢી

દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.

ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.

મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.

જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.

‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.

– બરબાદ જૂનાગઢી

સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.

જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.

Comments (8)

(લોબાનકણિકા અને અંગારો) – મધુસૂદન પટેલ ‘મધુ’

દુનિયાએ તો કેવળ જોયું, જોયો દૂર ધુમાડો,
કંઈ સળગ્યું કે પ્રગટ્યું એ તો જાણે ફક્ત સીમાડો.

ક્ષેત્રપાળની દેરી સાખે થયો હતો સથવારો,
એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો.
પવનદેવ પણ જોવા અટક્યા, ઊંચી થઈ ગઈ વાડો.

પીઠી થઈ ગ્યો ગરમાળો ને ગુલમહોર પાનેતર,
સીમપરીના ખોળે ચૉરી થઈ ગ્યું આખું ખેતર,
માદકતાનો માલિક મહુડો પી ગ્યો ઢળતો દા’ડો.

ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાવ અલગ જ વિષય પર લખાયેલું ગીત. આજકાલ ‘લવ-જેહાદ’ શબ્દ અખબારમાં છાશવારે ચમક્યા કરે છે પણ હિંદુ-મુસ્લિમ પ્રેમીયુગલની વાત અને તેય આવી કાવ્યાત્મક બાનીમાં – આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કવિએ આવું લખ્યું હશે!

બે જણ વચ્ચે કઈ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ તો ધર્મના સીમાડા વટાવી પ્રેમમાં પડનાર બે જણ જ જાણે, દુનિયા તો કેવળ દૂરથી ધુમાડો જ જોઈ શકે છે. પ્રથમ પંક્તિમાં જોયુંની પુનરોક્તિ અને બીજી પંક્તિમાં સળગ્યું-પ્રગટ્યુંની જોડી વાતને યથેચ્છ વળ ચડાવી મજબૂતીથી પેશ કરે છે, એ સ-રસ કવિકર્મની સાહેદી.

બે યુવાન હૈયાંની પ્રથમ મુલાકાતના સ્થળ તરીકે કવિએ ક્ષેત્રપાળની દેરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ પણ સૂચક છે. છોકરી મુસ્લિમ છે અને છોકરો હિંદુ એ વાત લોબાનકણિકા અને અંગારાના રૂપકથી કવિએ જાહેર કરી છે. ઉભયના મિલનને પોંખવા વાડ ઊંચી થઈ છે. ગામની સીમમાં બે હૈયાં એક થયાં. ઉનાળાની ઋતુ છે. પીળચટક ગરમાળો પીઠી અને લાલચટ્ટાક ગુલમહોર પાનેતર જેવાં શોભે છે. સીમનું ખેતર આખું લગ્નની ચોરી બની ગયું. આમ તો મહુડાનો દારૂ પીએ તેને નશો ચડે પણ બે આત્માના સાયુજ્ય ઉપર પ્રકૃતિ ખુદ ઓળઘોળ થઈ ગઈ છે એમ કહેવા કવિ મહુડો ઢળતા દિવસને પીને મત્ત થઈ ગયો હોવાનું પ્રતીક પ્રયોજે છે. માદકતાનો માલિક વિશેષણ પણ કેવું યથોચિત જણાય છે!

ઋતુ અને સમય બાબતની સુસંગતતા જાળવી શકાય તો ગીત સરસમાંથી ઉમદા બને એનું ઉદાહરણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. દિવસ ઢળી રહ્યો હોવાની વાત થઈ એટલે પરત ફરી રહેલ ગોધણની ઘંટડીઓ રણકી રહી છે. માળામાં ચાંચમાં ચણ લઈ પરત ફરી રહેલાં પંખીઓ અને એમનાં બચ્ચાંઓને લઈને હર એક માળા જાણે કે ચહેકી રહ્યા છે. કાવ્યાંતે કવિ અરણીને ફોરમતી દર્શાવે છે એ પણ સૂચક છે. અરણીનું વૃક્ષ પવિત્ર ગણાય છે. યજ્ઞ અને લગ્નમાં સમિધ તરીકે એનો ઉપયોગ થાય છે. અરણી યાને શીમડો કે ખીજડાના લાકડામાં અગ્નિ વસેલો હોવાનું ગણાય છે, કારણ કે એના બે ટુકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. આ કારણોસર આત્માને અરણીની ઉપમા પણ આપવામાં આવે છે. સીમવગડામાં હાજર સેંકડો વૃક્ષોમાંથી કવિએ અરણીનું જ ચયન કેમ કર્યું હશે તે સમજી શકાય છે. આખરી પંક્તિ મુખડા સાથે રચનાને બાંધી આપી એક વર્તુળ પૂર્ણ કરી આપે છે. બે વિધર્મીઓને એક થયેલાં જોઈ સમાજ સળગ્યું, દોડો, ઠારોની રાડો પાડતો હવનમાં હાડકાં નાંખવા આગળ આવે છે. વાસ્તવમાં તો પ્રેમ જ સર્વોપરી ધર્મ છે…

Comments (15)

ખડકી ઉઘાડી હું તો…- વિનોદ જોષી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;

આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;

રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……

– વિનોદ જોષી

એક બીજું રળિયામણું ગીત…. કારીગીરીની બારીકાઈ અદ્દભૂત !!!!!

Comments (2)

કાળું ગુલાબ – હર્ષદ ત્રિવેદી

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારાં આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોય અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ !

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કે દરિયો નથી કે ભાન ભુલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

 

હર્ષદ ત્રિવેદી

 

આવાં સરસ મજાનાં ગીતોની ખોટ સાલે છે ! છેલ્લી પંક્તિ તો જુઓ ! કેવી ઘેરી વેદના….

Comments (1)

(બારણાં) – હર્ષા દવે

ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?

– હર્ષા દવે.

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…

ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં

“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”

*

ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.

Comments (9)

(રંગરેજ) – નેહા પુરોહિત

મથીમથીને થાક્યો તો પણ રંગાયું ના સહેજ;
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ..

એક લસરકે આભે ઊડે સાત રંગની છોળ,
ક્ષણમાં રંગો દોમદોમ, ને ક્ષણમાં ઊતરે ખોળ!
કયાંથી આવી પૂગ્યું વાદળ, ઢાંક્યું સોનલ તેજ…
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

એક લહેરખી જળ વરસાવે, નીપજે લીલું રાન;
એક વાયરો એવો વાતો, વનનો પીળચટ વાન!
કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

– નેહા પુરોહિત

લયસ્તરો પર સર્જકના પ્રથમ ગીતસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’નું હૃદયપૂર્વક સ્વાગત…!

*

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ તો સૌ માટે એકસમાન છે પણ એને જોવાનો નજરિયો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ છે. એમાંય કવિની તો વાત જ નિરાળી. રંગબિરંગી દુનિયાને જોઈને જયંત પાઠકે કહ્યું: ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ પણ નેહા પુરોહિત ઈશ્વરની લીલાથી અંજાઈ જાય એમ નથી. એમને મન તો દુનિયામાં રંગ ભરવામાં કાં તો ભગવાન કાચો પડ્યો છે, કાં તો રંગ જ કાચો હતો, કારણ કે સર્જનહાર મથી મથીને થાકી ગયો પણ એકેય વસ્તુ રંગી શક્યો નથી. સમસ્ત સૃષ્ટિ અપાર રંગોનો ભંડાર હોય તેવામાં કવયિત્રીનો આ દાવો પોકળ લાગે પણ સર્જક પોતાના દાવાને સહજતાથી ગળે ઉતરી જાય એ રીતે પુષ્ટિ આપતાં કહે છે: સર્જનહારની પીંછીના એક લસરકામાં તો આભમાં સાત-સાત રંગોની છોળ ઊડે છે. (ફરી જ.પા. યાદ આવે: એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ) પણ આ રંગો સ્થાયી નથી. ક્ષણભરમાં આખી સૃષ્ટિ રંગોથી ભરીભાદરી લાગે છે અને ક્ષણમાં તો રંગોની ખોળ ઊખડી ગઈ હોય એમ રંગ બદલાઈ જાય છે. એકેય રંગ ટકાઉ નથી. સૂરજ જેવા સૂરજનું સોનવરણું તેજ વાદળ ઢાંકી ન દે ત્યાં સુધી જ સલામત છે. વરસાદ આખી દુનિયાને લીલી ચાદર ઓઢાડી દે છે, તો સામા પક્ષે એવુંય બને કે ઊભું વન સૂકાઈ જાય. બંધેજના બંધાવાની વાત રચનાને કાવ્યાંતે અલગ જ સ્તરે લઈ જાય છે..

Comments (11)

(ગમતીલું એક સ્મરણ) – જિજ્ઞા ત્રિવેદી

ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે!

તું વરસે તો રોમરોમ થઈ જાય હૃદય રોમાંચિત,
મહોરી ઉઠે સોળ કળાએ શમણાંઓ મનવાંછિત,
સ્મિત ધરીને કોઈ અચાનક ધબકારા ઝકઝોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે!

મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,
ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,
સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !

– જિજ્ઞા ત્રિવેદી

એક સરસ મજાના ગીત સાથે લયસ્તરો પર આજે કવયિત્રીના ગીતસંગ્રહ ‘જળના હસ્તાક્ષર’નું સહૃદય સ્વાગત કરીએ…

વાત તો છે ગમતી વ્યક્તિના સ્મરણની પણ બહુ ગમતું જણ કેવળ યાદ જ મોકલાવ્યે રાખતું હોય તો પાંપણો ભીની થવી સ્વાભાવિક છે. ક્યારેક આ સ્મરણ ધોધમાર વરસે છે તો ક્યારેક ફોરે-ફોરે! સ્મરણના વરસાદમાં ભીંજાતી પ્રોષિતભર્તૃકાની બીજી ખેવના સાજન પોતે જ વરસે એ છે. સ્મરણ તો ઠીક, મનનો માણીગર સ્વયં વરસે તો કેવો રોમાંચ થાય, નહીં! (અહીં ભાષા થોડી કઠે છે. રોમાંચિત વિશેષણમાં જ રોમ-રોમ હર્ષણ અનુભવતા હોવાની વાત સમાવિષ્ટ છે એટલે રોમરોમ રોમાંચિત કહેવામાં અંજળપાણી જેવો ભાષાપ્રયોગ થયો અનુભવાય છે. આ સિવાય અહીં કવયિત્રીએ હૃદયના રોમરોમની વાત કરી છે, એય યોગ્ય જણાતું નથી.) બીજા બંધમાં સહેજ લયભંગ છે પણ આ બે’ક ત્રુટિઓને બાદ કરતાં સરવાળે ગીત આસ્વાદ્ય થયું છે…

Comments (7)

મળશે જરૂર – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.

જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.

માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.

જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.

માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…

આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.

Comments (8)

यह आग की बात है – अमृता प्रीतम

 

यह आग की बात है
तूने यह बात सुनाई है
यह ज़िंदगी की वो ही सिगरेट है
जो तूने कभी सुलगाई थी

चिंगारी तूने दे थी
यह दिल सदा जलता रहा
वक़्त कलम पकड़ कर
कोई हिसाब लिखता रहा

चौदह मिनिट हुए हैं
इसका ख़ाता देखो
चौदह साल ही हैं
इस कलम से पूछो

मेरे इस जिस्म में
तेरा साँस चलता रहा
धरती गवाही देगी
धुआं निकलता रहा

उमर की सिगरेट जल गयी
मेरे इश्के की महक
कुछ तेरी साँसों में
कुछ हवा में मिल गयी,

देखो यह आखरी टुकड़ा है
ऊँगलीयों में से छोड़ दो
कही मेरे इश्कुए की आँच
तुम्हारी ऊँगली ना छू ले

ज़िंदगी का अब गम नही
इस आग को संभाल ले
तेरे हाथ की खेर मांगती हूँ
अब और सिगरेट जला ले !!

 – अमृता प्रीतम

 

અમ્રુતાજીનો આજે જન્મદિન….તેઓના નામ સાથે ઘણાંબધાં “ભારતના પ્રથમ” જોડાયેલા છે – જેમ કે ભારતના પ્રથમ મહિલા જેમણે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો, પ્રથમ મહિલા જેના ૧૦૦ થી વધુ પ્રકાશન હોય…..વગેરે. તેઓની કલમની મજબૂતી કોઈ કોમેન્ટની મહોતાજ હોઈ જ ન શકે…

 

કાવ્ય સરળ છે – હ્રદયસ્પર્શી છે…

Comments (2)

કૃષ્ણ – ૧૯૯૨ – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર
અને ઉપરથી ગોપીઓ ને રાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ?એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા…

ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

– કૃષ્ણ દવે

 

મારા ગમતા કવિ ! કવિત્વના ભાર વગર કવિતા ગાતા કવિ ! તેઓની વાત સીધી અને સ્પષ્ટ અનુભૂતિની નીપજ હોય…. ફરિયાદ હોય તો તે દિલમાંથી બહાર આવી હોય…..

 

યાદ આવે – ” મારાં રામ તમે સીતાજીની તોલે ન આવો “

Comments (2)

ઝરમર – વેણીભાઈ પુરોહિત

શ્રાવણ વરસે સરવડે ને
ઝરમરીયો વરસાદ:
– કાના, આવે તારી યાદ0

વીજ ઝબૂકે વાદળ વચ્ચે
તરવરિયો ઉન્માદ:
– કાના, આવે તારી યાદ0

જમણી આંખ ગઈ મથુરા ને
ડાબી ગઈ ગોકુલમાં,
હૈયું વૃન્દાવન જઈ બેઠું
કુંજગલીના ફૂલમાં.
– કાના, આવે તારી યાદ0

ગોપી થઈ ઘૂમું કે કાના,
બનું યશોદામૈયા ?
કે રાધા થઈ રીઝવું તુજને
હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0

તનડુ ડૂબ્યું જઈ જમનામાં
મનડું નામસ્મરણમાં-
સુધબુધ મારી આકુલવ્યાકુલ
તારા પરમ ચરણમાં:
– કાના, આવે તારી યાદ0

– વેણીભાઈ પુરોહિત

રહી રહીને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય એ ટાંકણે ભક્તને કહાનજી સિવાય બીજા કોઈની યાદ આવે એ તો સંભવ જ નથી. વાદળમાં અવારનવાર જેમ વીજળી ઝબૂકે એ જ રીતે ભીતરમાં ઉન્માદ તરવરતો રહે છે. એક આંખ મથુરા ભણી જુએ છે ને બીજી ગોકુળ તરફ, ને વળી હૈયું તો વૃંદાવનમાં જઈ ખીલ્યું છે. કાનકુંવર સત્ય અને ભરોસાનો રખેવાળ છે, એને રીઝવવા કાવ્યનાયિકા કયો ભેખ ધારવો એની વિમાસણમાં છે. આંખો અને હૈયાની જેમ જ તન જમુનામાં ડૂબકી લગાવી રહ્યું છે, મન નામસ્મરણમાં અને આકુળવ્યાકુળ સુધબુધ શ્રીહરિના ચરણમાં જઈ બેઠી છે… સાવ સરળ અને સહજ બાનીમાં કૃષ્ણભક્તિની આરત કેવી સ-રસ રીતે ઊઘડી છે એ જોવા જેવું છે…

Comments (6)

વટ્ટનો કટ્ટકો – ચંદ્રશેખર પંડ્યા

કામણ પાથ૨વામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો
નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં
આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં
ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથા૨ જરા અટ્ટકો
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

લીલા ને લહેર મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું
દિવસ ને રાત તું જો વરસાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું
કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

– ચંદ્રશેખર પંડ્યા

મનના માણીગરના કામણના અજવાળાં પાથરતી રચના. નાયિકાને મન એનો ભાવિ પતિ અર્જુન વટનો કટકો છે અને એના વખાણ એ મલાવી-મલાવીને કરે છે. લગ્ન થયા નથી એટલે કદાચ વરજીને નામથી બોલાવવાની આઝાદી નાયિકા માણી લે છે. અણિયાળી મૂછને જે રીતે વળ ચડાવીને વધુ આકર્ષક બનાવાય એ રીતે કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે. સરવાળે સહજ અને મજાનું ગીત…

Comments (6)

ફટ્ રે ભૂંડા! – જતીન્દ્ર આચાર્ય

ફટ્ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી ત્યાં તો ખેંચી જળમાં ઊંડા!
.                                                     ફટ્ રે.

જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંદોલે હીંચકા લેતાં હૈયે આવે હીંક,
તોય તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક,
કીધાં કેવાં કામણ કૂડાં !
.                                                     ફટ્ રે.

વાહ! ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો શાનાં જળની વાતો!
નેહના સાગર નેણાં નીરખ્યા એની ભરતી આ તો;
પરવશ અંગેઅંગ કરીને કીધ મને તણાતો.
નીકળશો શું સાવ કોરાં દે?
વાહ ગોરાં દે!

– જતીન્દ્ર આચાર્ય

પ્રથમ પ્રેમની સહિયારી અનુભૂતિનું યુગલગાન. કવિએ કઈ ઊક્તિ કોની છે એવો કશોય ફોડ પાડ્યો ન હોવા છતાં ઉભય વચ્ચેનો સંવાદ તરત સમજાઈ જાય એવો સહજસાધ્ય થયો છે. નાયિકાની મીઠી ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. થોડો સહેવાસ માણવા સંગાથ કર્યો એટલામાં નાયક મગર શિકારને જળમાં ઊંડે તાણી જાય એમ નાયકે નાયિકાને પ્રેમમાં સાવ ગરકાવ જ કરી દીધી. પ્રેમની અનુભૂતિ સાવ પહેલવારુકી જ હોવાથી નાયિકા એનાથી સાવ અજાણ છે, અને માર્ગમાં કઈ-કઈ તકલીફોનો સામનો કરવાનો થશે એ વાતથીય તદ્દન અનભિજ્ઞ છે. પ્રેમના હીંચકે પૂરજોશથી હિંચકતાં ડર તો લાગે છે, પણ હીંચકા પરથી ઊતરી જવામાંય બીક લાગે છે. પ્રેમનાં તો કામણ જ એવાં કૂડાં… ખાંડણિયામાં માથું ને દે રામ, બસ!

નાયક વળતા જવાબમાં ફરિયાદને રદિયો આપતાં કહે છે કે વાહ જી વાહ! આપ તો ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી વાત કરો છો. હું તો સાત-સાત જનમથી રણ જેવો સુક્કોભઠ્ઠ માણસ… પ્રેમથી સદૈવ વંચિત રહેલ. આ પ્રેમજળ અને એમાં ડૂબાડવાની આખી વાત જ ખોટી છે. આપની પ્રેમસાગર જેવા આંખોને લઈને જ આ ભરતી, આ આવેગ જન્મ્યાં છે. હું આપને શું ડૂબાડું, આપે જ મને અંગેઅંગ પરવશ કરી આ પ્રેમસાગરમાં તણાતો કરી દીધો છે. મને પ્રેમમાં ડૂબાડી દઈને આપ શું સાવ કોરાં નીકળશો? વાહ ગોરાં દે! વાહ!

કેવું મજાનું ગીત!

Comments (9)

મૂંઝારો – વિવેક મનહર ટેલર

*

(બેવડા પ્રાસયુક્ત રચના)

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)

લયસ્તરોના વાચક-ભાવકવૃંદને જન્માષ્ટમી પર્વના થોડાં મોડાં પણ સુમધુર વધામણાં… ગઈકાલે તો સૉશ્યલ મિડીયાના ખૂણેખૂણા કૃષ્ણરંગે રંગાયેલા હતા એટલે આપણે જરા મોડેથી ઊજવણી કરીએ…

કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવ -બંનેની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. એક કૃષ્ણ માટે તેડું લઈ આવ્યા હતા, તો એક એને ભૂલી જવાનું કહેણ દેવા આવ્યા હતા. બાળકૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા હતા. અક્રૂર કૃષ્ણને પોતાની સાથે મથુરા લઈ આવ્યા. પાછળથી ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા, કારણ કે એ પોતે તો કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…

Comments (17)