સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

મૃત્યુ – ફેહમીદા પાચા

ઢાંકી દો એનાં ખૂબસૂરત ચહેરાને ઢાંકી દો
કેટલો શાંત અને સુંદર ચહેરો છે
શુભ્ર સફેદ ચાદર ઓઢાડી દો
નહિ તો એને આપણી નજર લાગશે

જિંદગીમાં એણે ભરપૂર પ્રેમ કર્યો હતો
લખલૂંટ પ્રેમ લોકોએ આપ્યો હતો
એટલે જ મૃત્યુમાં આટલી સુંદર લાગે છે
વેદનાની એકે રેખા ચહેરા પર નથી

લાગે છે મૃત્યુનો દેવ એના પ્રેમમાં હતો
ચૂપચાપ આવી એનું અપહરણ કરી ગયો
અને એ પણ કશું બોલ્યા વિના ચાલી ગઈ
કોઈને ખબર ન પડી અને એ વિદાય થઈ

કે પછી ઈશ્વર એના વિના રહી ના શક્યો
સર્જનહારે એના સર્જનને કંકોતરી મોકલી
દેવોના ભર્યા દરબારમાં અપ્સરાની કમી હતી
કુમકુમ પત્રિકા આવી અને ચાલી નીકળી

– ફેહમીદા પાચા (મે ૧૯૯૩)

(જીવનકાળ : ૦૫/૦૫/૧૯૩૩ – ૦૧/૦૯/૨૦૦૬) કપડવંજમાં જન્મેલા સર્જકનું જીવન મુંબઈમાં વીત્યું. સાંઠ વર્ષની વયે એમણે પહેલીવાર કલમ ઉપાડી અને કાવ્યો રચ્યાં, જે એમનાં મૃત્યુપર્યંત ‘સો કવિતાનું સરવૈયું’ સંગ્રહ તરીકે પ્રગટ થયાં. કવિતાની એરણ પર મૂલવવા બેસીએ તો કદાચ એમનાં કાવ્યો ઉમદાની કક્ષામાં નહીં આવે, પણ એમની કવિતાઓમાં પાસા પાડ્યા વિનાના કાચા પણ સાચા હીરાની ચમક ઠેરઠેર વિખરાયેલ નજરે પડે છે.

પ્રસ્તુત રચના જુઓ. કેવી સબળ અભિવ્યક્તિ! સાવ સાદી વાત છે, પણ રજૂઆત કેવી મજાની! પ્રેમ એકમાત્ર પરિબળ છે જે સૃષ્ટિ સમગ્રને સુંદર બનાવે છે. મૃતકે જિંદગીમાં ભરપૂર પ્રેમ કર્યો હતો, પરિણામે લોકોએ પણ એને લખલૂંટ પ્રેમ આપ્યો હતો. પ્રેમ સંતુષ્ટિ બક્ષે છે. પરિણામે મૃતકના ચહેરા પર વેદનાની રેખા સુદ્ધાં દેખાતી નથી અને એ મૃત્યુ બાદ પણ આટલી સુંદર લાગે છે. મૃત્યુનો દેવ શું કે શું સાક્ષાત્ ઈશ્વર – બધા જ એના પ્રેમમાં હતા. જિંદગીને ચાહનારી મૃત્યુને પણ ચાહ્યા વિના ન રહી શકી. મરણ આપ્યું તો પ્રતિકારનો એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના એ કોઈનેય ખબર પડવા દીધા વિના ચાલી નીકળી. આખરી ચાર પંક્તિ કવિતાને વધુ પડતી મુખર બનાવે છે, એ ન હોત તો કવિતા કદાચ વધુ આસ્વાદ્ય બની હોત.

એમની અન્ય એક રચનાની ચાર પંક્તિઓ પણ જુઓ:

મનના કોઈ અગોચર અને અવાવરુ ખૂણામાં
જઈ એક દીવડો પેટાવ
અને પછી જો સૂર્યના અહંકારને ઓગાળી નાંખે
એવો ઉજ્જવળ ઉજાસ પથરાઈ જશે.

8 Comments »

  1. મીના છેડા said,

    April 28, 2023 @ 11:21 AM

    આભાર વિવેક… ફેહમીદા બહેન પાચાને એમની રચના દ્વારા રૂબરૂ કરાવવા માટે. આજે હયાત હોત તો કદાચ એમના ચહેરા પર સુંદરતાની એક લકીર વધુ ઉમેરાત.

    અને આગળ જતાં એમની બીજી ચાર પંક્તિઓ જે રજૂ કરી છે એ ખૂબ ગમી. વાહ!!
    મનના કોઈ અગોચર અને અવાવરુ ખૂણામાં
    જઈ એક દીવડો પેટાવ
    અને પછી જો સૂર્યના અહંકારને ઓગાળી નાંખે
    એવો ઉજ્જવળ ઉજાસ પથરાઈ જશે.

  2. Bharati gada said,

    April 28, 2023 @ 11:44 AM

    ખૂબ સરળ શબ્દોમાં અર્થ સભર રચના 👌👌

  3. સુનીલ શાહ said,

    April 28, 2023 @ 12:31 PM

    સાચે જ..પાસા પાડ્યા વિનાના કાચા પણ સાચા હીરાની ચમક વર્તાય છે. સુંદર રચના, ખૂબ સુંદર આસ્વાદ.

  4. Pragnya Vyas said,

    April 28, 2023 @ 2:39 PM

    પ્રેમ જીવન અને મૃત્યુ બન્ને ને સુંદર બનાવે છે. ખૂબ સરસ રચના.. હ્દય સ્પર્શી!!!

  5. pragnajuvyas said,

    April 28, 2023 @ 9:34 PM

    કવયિત્રી ફેહમીદા પાચાનુ સુંદર અછાંદસનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    યાદ આવે તેમની કવિતા
    જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ જ્યારે ફંટાયા
    એક હતો સપાટ હરિયાળો રસ્તો તળેટીનો
    એક વાંકોચૂંકો રસ્તો પહાડીનો
    જેના શિખરે પહોંચી આકાશે હાથ દેવાય
    કેટલાએ લીધો રસ્તો હરિયાળીનો
    મારા જેવાએ લીધો રસ્તો વળાંકોનો
    કોઈએ રોક્યો, કોઈએ ટોક્યો આ તારો માર્ગ નથી
    આકાશે હાથ દેવાનું તારું ગજું નથી
    સૂર્યના કિરણોથી શિખર ઝળાંહળાં હતું
    નભ ઝૂકી ઝૂકી શિખરો સાથે વાત કરતું
    ત્યારે મન કેવું આતુર હતું એ વાત સાંભળવા
    દિલની બે ચાર વાતો આકાશને કહેવા
    ટોચે ગરૂડ પાંખો ફેલાવી આકાશને આંબી રહ્યું
    કેવી ઊંચી નજર હતી, કેવું સૌંદર્યસભર દ્રશ્ય હતું
    પછી કેમ કરી મન મારું ઝાલ્યું રહે
    કેમ કરી કોઈની વાત કાને ધરે
    અરે આ કેવા કપરા ચઢાણ આવ્યા
    ન શિખરે પહોંચાયું, ન આકાશે હાથ દેવાયા
    છતાં સર્વત્ર હવામાં પડઘા લહેરાયા
    આ જ તારો સાચો માર્ગ છે એ શબ્દ ફેલાયા
    ~ ફેહમીદા પાચા (જૂન ૧૯૯૨)
    (‘સો કવિતાનું સરવૈયું’: ફેહમીદા પાચા માંથી)

  6. Shah Raxa said,

    April 29, 2023 @ 6:31 AM

    સરળ બાનીમાં કેવી સરસ વાત…વાહ…🙏💐

  7. Poonam said,

    May 7, 2023 @ 3:07 PM

    …ચૂપચાપ આવી એનું અપહરણ કરી ગયો.
    – ફેહમીદા પાચા (મે ૧૯૯૩) – 👌🏻

    Chaar line mast sir ji.

  8. મૃત્યુ – ફેહમીદા પાચા – Bhasha Abvhivyakti said,

    August 20, 2023 @ 11:14 PM

    […] Permalink […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment