પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(બેસીએ) – રમેશ પટેલ ‘ક્ષ’

વૃક્ષ નીચે છાંયડામાં બેસીએ,
ભીતરે ખાલી જગામાં બેસીએ!

ચાલ મારી સાથમાં મૃગજળ તરફ,
ને પછી ત્યાં નાવડામાં બેસીએ !

કયાં સુધી ભટકયા કરીશું આપણે?
બિંબ થઈને આયનામાં બેસીએ!

કર્ણની માફક કુંવારી કૂખમાં,
જન્મ લઈને પારણામાં બેસીએ!

એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!

– રમેશ પટેલ ‘ક્ષ’

સહજ સાધ્ય રચના…

1 Comment »

  1. pragnajuvyas said,

    March 18, 2023 @ 7:03 PM

    કવિશ્રી રમેશ પટેલ ‘ક્ષ’ની સુંદર ગઝલ માણતા અમારા ભજન મંડળમા ગવાતુ ભજન પડઘાય…
    એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
    એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
    ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
    ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
    એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
    ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
    કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે, એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
    એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
    ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment