આપણામાં… – યૉસેફ મૅકવાન
આપણામાં સમજણનો દરિયો જો હોત –
તો છીછરા પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યાં ના હોત!
તડકાની મહેક તારી આંખોમાં છલકતી’તી
ચાંદની શા મહેક્યા’તા શ્વાસ.
હળવી હવાને એક હિલ્લોળે પાન ખરે
આપણો એમ છૂટ્યો સહવાસ!
પછી અમથુંયે જોયું નહિ, અમથુંયે બોલ્યાં નહિ
આમ અમથુંયે રૂઠ્યાં ના હોત….! આપણામાં…
ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
આભલાનો ઓઢી લીધો ભાર,
હસ્યાં-મળ્યાંનાં બધાં સ્મરણોને મૂકી દીધાં
જીવતરના હાંસિયાની બહાર…!
કાશ! અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…! આપણામાં
– યૉસેફ મૅકવાન
કહે છે કે ખરું ગીત તો મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય. આ વાત પ્રમાણવી હોય તો પ્રત્યક્ષ ગીત એનું ઉત્તમ ઉદાહરણ છે. કવિ કહે છે કે આપણી અંદર જો સમજણનો દરિયો હોત તો આપણે છીછરા પાણીમાં આ રીતે અધવચ્ચે ડૂબી ગયાં ન હોત. ‘દરિયો,’ છીછરા’ અને ‘અધવચ્ચે’ –આ ત્રણ શબ્દો અહીં કી-વર્ડનું કામ કરે છે. પરસ્પર માટે દિલમાં સાચો પ્રેમ હોવા છતાં લાંબો સમય ટક્યા બાદ સમ્-બંધ તૂટે એ અવઢવના તાંતણે કવિએ શબ્દોના મોતી પરોવી મજાની માળા રચી છે.
સમજણ વિના કોઈ સગપણ ટકતું નથી પણ સગપણ ટકાવવું હોય તો આછીપાતળી સમજણ ન ચાલે, સમજણનો દરિયો ભર્યો હોવો જોઈએ બંનેમાં. દરિયો વિશાળતા અને ગહનતા-ઉભયનું પ્રતીક છે. દરિયા જેવી સમજણ ભીતરમાં ભંડારી ન હોય એ સંબંધ ટકી રહ્યા હોય તોય પ્રાણવંતા તો નહીં જ હોય. ગીતની શરૂઆત ‘આપણામાં’ શબ્દથી થાય છે, એનો અર્થ એ કે આ સમજણ કોઈ એક વ્યક્તિમાં હોત તોય ચાલવાનું નહોતું. સંબંધ તૂટ્યાનો બોજ કોઈ એકજણ ઉપર નાંખી દેવાને બદલે કવિ જ્યારે ‘આપણામાં’ કહીને દાખલો માંડે છે ત્યારે એ વાત સાફ છે કે બંનેમાં સમજણ હોવી અનિવાર્ય હતું. અસીમ-ઊંડી સમજણ કેળવવામાં બે જણ નિષ્ફળ જાય ત્યારે છીછરા પાણીમાં અધવચ્ચે ડૂબવાની નોબત આવે.
Neela sanghavi said,
June 17, 2023 @ 12:06 PM
કવિ મેઘબિંદુની રચના
“જનમોજનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી”
યાદ આવી ગઈ.
Ashok Patel said,
June 17, 2023 @ 12:11 PM
સંબંધમાં સમજણ વિષે અદ્ભૂત કવિતા, દ્વિપક્ષી સમજણ એ સંબંધની મૂળભૂત જરૂરિયાત છે.
Ramesh Maru said,
June 17, 2023 @ 12:23 PM
સુંદર ગીત…સુંદર આસ્વાદ…આખા ગીતનો આધાર જ મુખડું છે…વાહ…
મનીષા શાહ'મૌસમ' said,
June 17, 2023 @ 12:40 PM
ખૂબ જ સુંદર ગીત
pragnajuvyas said,
June 17, 2023 @ 7:26 PM
કવિશ્રી યોસેફ મેકવાનના સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ.
‘અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…! આપણામાં… ‘ વાહ
માનવી અહમ લઈને ફરતો હતો. નિયતિને નાથવાના મનસૂબા લઈને ફરતો હતો તે એક જ પળમાં પરચો પામી ગયો છે. નિયતિને પામવાની કે માપવાની માનવની કોશિશ ઊણી-અધૂરી જ રહેવાની છે.એક ની જીદ્દ હતી ને એક નો અહમ હતો, બન્ને વચ્ચે પીસાતો એક સંબંધ હતો.
અહમ તો
બધાને હોય છે સાહેબ,
પણ નમે એ જ છે જેને સંબંધોનું
મહત્વ હોય છે !! અજ્ઞાત
Tanu patel said,
June 18, 2023 @ 11:34 PM
સરસ ગીત,,
ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
ઓઢી લીધો આભલાનો ભાર..
કેટલું સરળ શબ્દોમાં તુટતા સંબંધની વાત કરી છે.