ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

સવા શેર : ૧૧ : ભ્રમ હયાતીનો – વિવેક મનહર ટેલર

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
– વિવેક મનહર ટેલર

સીદીભાઈને સીદકાં વહાલાંના ન્યાયે સર્જકને તો પોતાનું સમગ્ર સર્જન જ ગમવાનું. પણ મારે જો મારા જ કોઈ શેર વિશે બે’ક શબ્દ લખવાનું હોય તો હું પસંદગીનો કળશ આ શેર પર પહેલાં ઉતારું. પહેલી નજરે તો વાત સાવ સરળ–સહજ જ છે. ब्रह्म सत्य, जगत मिथ्या એમ આપણે સહુ કહીએ તો છીએ, પણ જીવીએ છીએ એ રીતે કે જગત અને જીવન સત્ય હોય અને બ્રહ્મ મિથ્યા હોય. અસ્તિત્ત્વના તકલાદીપણાં કે ક્ષણભંગુરતા વિશે સેંકડો સર્જકો અસંખ્ય વાત કરી ગયા છે. આ શેર એમાં જ એક ઉમેરણ છે. પરપોટાથી વધુ તકલાદી તો શું હોઈ શકે? પાણીના પાતળા પડની કાયાની ભીતર હવા ભરાતાં સર્જાતો પરપોટાનું આયુષ્ય ક્ષણ-બે ક્ષણથી વધુ હોતું નથી. પણ આટલા ટૂંકા આયુષ્યમાં પણ એ પ્રકાશ ઝીલીને એવી તો મજાની મેઘધનુષી છટા સર્જી બતાવે છે કે જોતાંવેંત જોનારનું મન મોહી લે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ગમે એટલો આકર્ષક કેમ ન હોય, પરપોટો થોડી જ વારમાં ફૂટી જાય છે. હવા હવામાં ભળી જાય છે, ને પાણીનું અતિપાતળું પડ પાણીનું ટીપું બની જમીનમાં ભળી જશે. પરપોટો પાણીની ભીતર સર્જાયો હોય, તોય હવા અને પાણીનું ગંતવ્ય તો આ એક જ અને અફર જ રહેવાનું. પરપોટાની હયાતીની મિષે વાત આપણી હયાતીની માંડી છે એ બાબત સ્વયંસ્પષ્ટ છે. મૃત્યુ આવશે એ ઘડીએ હયાતી વિશેનો આપણા ભ્રમનો પરપોટો પરપોટાની જેમ જ ભાંગી જનાર છે, અને પંચભૂતમાંથી બનેલો દેહ પંચભૂતમાં જ પુનઃ ભળી જનાર છે એ જ વાત અહીં કરવામાં આવી છે. પણ પસંદગીનો કળશ આ શેર ઉપર ઢોળ્યો હોવાનું કારણ બીજી પંક્તિમાં પ્રયોજાયેલ બેવડો શ્લેષ અલંકાર છે. જ્યારે બુદબુદાનો પોતાની હયાતી વિશેનો ભ્રમ ભાંગી જશે ત્યારે હવા હવા થઈ જશે અને પાણી પાણી થઈ જશે એ વાતમાં છૂપાયેલ શ્લેષ ઉઘાડીશું તો એક નવો જ સંદર્ભ હાથ આવશે. પ્રથમદર્શી અર્થોપરાંત અહીં બે જાણીતા રૂઢિપ્રયોગો પણ વપરાયા છે. હવા હવા થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. પરપોટો હોય કે આપણી હયાતી, બંને નાશ પામે છે ત્યારે કશું હાથ આવતું નથી. પાણી પાણી થઈ જવું યાને શરમના માર્યા ભીના થઈ જવું. જીવનભર હોવાપણાંનો ખોંખારો ખાતા, પોતાને સૃષ્ટિની ધરી ગણીને જીવનાર માનવીને અંતિમ ઘડીએ સમજાય છે કે પોતાનું અસ્તિત્ત્વ સૃષ્ટિમાં ટપકાં બરાબર પણ નહોતું. જીવનભર જીવનનો પાળ્યે રાખેલ ભ્રમ જે ઘડીએ ભાંગે છે, એ ઘડીએ પાણી પાણી થઈ ન જવાય તો જ નવાઈ.

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય?

1 Comment »

  1. pragnajuvyas said,

    May 13, 2023 @ 6:38 AM

    ‘પાણી પાણી થઈ જશે-જીવન એક પરપોટો’ સુંદર ગઝલના રચનાર, આ સવાશેર લખનાર,તેનો સરસ આસ્વાદ કરાવનાર ‘તુ કા તુ ‘…તેમા ब्रह्म सत्य, जगत मिथ्या- આસ્વાદની વાતે વિચારવમલે
    સત્ય માત્ર બ્રહ્મ અને મિથ્યા છે,
    શું આ સર્જન માત્ર પડછાયો છે, ભ્રમ છે?
    શું સ્થૂળ માનવજીવન સ્વપ્ન જેવું છે?
    આ નામ, રૂપ-સુંદરતા અજ્ઞાન છે, તમ છે?
    ભાઈ આ દર્શન સંતો-મહંતોનું જ છે
    તમે વિશ્વના છો, વિશ્વને પ્રેમ કરો છો,
    સત્ય જે તમારી સામે ભુખા- નગ્ન છે
    તમે તેના ગીતો ગાઓ, તેને સ્વીકારો!
    આ વાત કહી જે તે જાણતો ન હતો
    સમય આવી રહ્યો છે જ્યારે ભગવાન મૃત્યુ પામશે
    મંદિરમાં આદરણીય માનવીની પ્રતિમા હશે
    અને જ્ઞાન બ્રહ્માને નહીં, પણ મનુજને અવાજ આપશે.
    મૃત્યુ બાદની વાતે ગાલિબસાહેબ
    હમકો માલૂમ હૈ જન્નતકી હકીકત લેકિન,
    દિલ કો ખુશ રખને કો ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હૈ.‘ગાલિબ’ નાસ્તિક નહોતા. તેમને ખુદામાં પૂર્ણ આસ્થા હતી. પરંતુ પાખંડી લોકો સામે તેમનો આક્રોશ તેમની શાયરીમાં વ્યક્ત થતો દેખાય છે. ‘ગાલિબે’ધર્મના ઝંડા લઇને ફરતા મુલ્લાઓ અને શેખોને શાયરી દ્વારા ઉઘાડા પાડી તેઓની ઝાટકણી કાઢી છે. ધર્મોપદેશક(વાઇઝ)ને ‘ગાલિબે’ આ રીતે બાનમાં લીધા છે.
    મૃત્યુ થકી મુક્તિ એ ભ્રમ હતો મારો
    તારી યાદ ની ઝનજીર માં અટક્યો
    હૃદય નો એક મારો ધબકારો–ચંદ્રકાન્ત બક્ષી
    સટિક વાત
    તમે કોણ છો એની તમને ખબર પડતી જાય ત્યારે જ તમારામાં ડહાપણ આવતું જાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment