ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ
– ધ્રુવ ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દર્શક આચાર્ય

દર્શક આચાર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(પુષ્પ સુધીની સફર) – દર્શક આચાર્ય

એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.

હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.

જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.

ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.

પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !

– દર્શક આચાર્ય

મહેંકવું પુષ્પનું કામ છે. મહેંક પછી કોના અસ્તિત્ત્વને તરબતર કરે છે અને કોના નહીં, એની પંચાતમાં એ પડતું નથી. આપણે ખીલીએ કે ખૂલીએ તો છીએ પણ આપણો પ્રભાવ ક્યાં સુધી અનેકોના-કોન ઉપર પડે છે એ તરફ આપણું ધ્યાન પ્રતિપળ ચોંટેલું રહે છે. આપણા પુષ્પિત થવાથી કોને કેવો અને કેટલો લાભાલાભ થયો એની પંચાતમાં પડ્યા વિના નિસ્પૃહતાથી ખીલતાં શીખીશું ત્યારે મનુષ્ય હોવું સાર્થક થશે.

Comments (10)

કૂવો – દર્શક આચાર્ય

ગામ આખાની તરસ છિપાય
તેટલો કૂવો હંમેશાં ભરેલો
.         રહે છે.
પાણી ભરવા આવતી દરેક
પનિહારીને કૂવો ઓળખે છે.
.         કોણ સુખી છે,
.         કોણ દુઃખી છે,
કૂવાને બધી ખબર છે.
સવારથી સાંજ સુધીમાં
ગામમાં ઘટેલી દરેક ઘટનાની
કૂવાને જાણ હોય છે.
.         રાત પડતાં,
.         નીરવ શાંતિમાં
ચંદ્ર જ્યારે ઝૂકીને તેના કાન
કૂવા પાસે લાવે છે ત્યારે
કૂવો તેને બધી વાત
.         કહી દે છે.

– દર્શક આચાર્ય

કૂવાના મિષે કવિ આપણા ગામડાંનું ચિત્ર આબાદ દોરી આપે છે. રોજ સવારે વહેલાં ઊઠીને કૂવે પાણી ભરવા જતી પનિહારીઓની ગૂફ્તેગુ એટલે ગામડાંની તંતોતંત ખબર છતી કરતું અખબાર. સાવ સહજ બાનીમાં અને બહુ ઓછા શબ્દોના લસરકે કવિએ ગામડાંની હકીકત તાદૃશ કરી બતાવી છે.

Comments (3)

(કાગળે ચીતરેલાં) – દર્શક આચાર્ય

કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.

બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.

ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.

હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.

રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.

– દર્શક આચાર્ય

પાંચ શેરની ગઝલ. બધા જ નખશિખ આસ્વાદ્ય, પણ હું તો મત્લાથી જ આગળ વધી શકતો નથી. સીદીભાઈને સીદકાં વહાલાં. માણસનો સ્વ-ભાવ છે કે પોતાનું બનાવેલું ગમે તેવું કેમ ન હોય, એને તો ગમે જ. કાગળ પર કમળ દોરીને પછી એ જ કમળમાં ભમરાની જેમ ફસાઈ જવાના પ્રતીક સાથે કવિએ આ વાત કેવી અદભુત રીતે રજૂ કરી છે! આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ…

Comments (10)

(બે કાવ્ય) – દર્શક આચાર્ય

૦૧.

વાદળીએ પહેલાં
પ્હાડ સાથે લળી લળી
વાતો શરૂ કરી,
સીમે આંખ આડા કાન કર્યા,
મંદ મંદ વ્હેતા પવનની
લહેરખીએ મેનકાનું
કામ કર્યું,
જંગલી ફુલોએ
મહેક ફેલાવી
બળતામાં
ઘી હોમ્યું.
પછી વાદળીએ જ્યાં પ્હાડને
બાથમાં લીધો
ત્યાં છૂપાઈને જોતાં
સૂરજે તેની આંખો
મીંચી દીધી.

૦૨.

વરસાદ વરસતા
વૃક્ષો મોર બની
કળા કરવા માંડ્યાં.
સીમ ઢેલ બની
આમ તેમ થવા લાગી.
નદી કામાંધ બની
વ્હેવા લાગી.
ગામની શેરીઓ
માથા બોળ નાહી ઊઠી,
ત્યારે ગર્ભવતી પૃથ્વીને
અષાઢ મહિનો જતો હતો.

– દર્શક આચાર્ય

પાઉન્ડના ઇમેજકાવ્યોની યાદ અપાવે એવા બે દૃશ્યચિત્રો. કલમના બે-ચાર લસરકે જ કવિએ બે પ્રકૃતિચિત્ર આબાદ ઉપસાવ્યાં છે. પહેલામાં વાદળ-પર્વત અને સૂર્યની ક્રીડાનું ટૂંકું પણ સચોટ વર્ણન છે અને બીજામાં વરસાદની ઋતુનું. વરસાદની ઋતુ તો આમેય સૃષ્ટિની કાયાપલટની ઋતુ છે. ભલભલા સન્યાસીનું તપોભંગ કરાવે એવી આ ઋતુનું મનોરમ્ય ચિત્ર કવિએ પણ કેવું બખૂબી દોર્યું છે!

Comments (12)

(…પણ સમજ સાથે) – દર્શક આચાર્ય

પ્હાડને તોડ, પણ સમજ સાથે,
જાતને જોડ, પણ સમજ સાથે.

સત્ય શું છે એ જાણવા માટે,
ઘર ભલે છોડ, પણ સમજ સાથે.

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

વ્હેણ જીવનનાં હોય જે બાજુ,
નાવને મોડ, પણ સમજ સાથે.

સર કરીને બધાય સોપાનો,
પગને તું ખોડ, પણ સમજ સાથે.

– દર્શક આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી અને એમના ગઝલસંગ્રહ ‘સાંસોટ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

ચુસ્ત કાફિયા અને ઊંડું મનન માંગી લેતી અર્થગર્ભિત રદીફ હોવા છતાંય સહજસાધ્ય રજૂઆત સાથેની આ ગઝલ સાચા અર્થમાં ધ્યાનાર્હ છે. ઓછી જગ્યામાં સ-રસ નકશીકામ થયું છે. દરેક શેરમાં ‘પણ’ના પ્રયોગથી પોતાની વાતને અધોરેખિત કરવા માટેની કવિની ઇચ્છા આબેહૂબ ઉપસી આવી છે અને ‘સમજ સાથે’ પ્રયોગ અધોરેખિત થયેલી વાતને વળ ચડાવીને સફળતાપૂર્વક એક્સ્ટ્રા હાઇલાઇટ પણ કરી આપે છે. સરવાળે સંઘેડાઉતાર રચના.

Comments (13)