કૂવો – દર્શક આચાર્ય
ગામ આખાની તરસ છિપાય
તેટલો કૂવો હંમેશાં ભરેલો
. રહે છે.
પાણી ભરવા આવતી દરેક
પનિહારીને કૂવો ઓળખે છે.
. કોણ સુખી છે,
. કોણ દુઃખી છે,
કૂવાને બધી ખબર છે.
સવારથી સાંજ સુધીમાં
ગામમાં ઘટેલી દરેક ઘટનાની
કૂવાને જાણ હોય છે.
. રાત પડતાં,
. નીરવ શાંતિમાં
ચંદ્ર જ્યારે ઝૂકીને તેના કાન
કૂવા પાસે લાવે છે ત્યારે
કૂવો તેને બધી વાત
. કહી દે છે.
– દર્શક આચાર્ય
કૂવાના મિષે કવિ આપણા ગામડાંનું ચિત્ર આબાદ દોરી આપે છે. રોજ સવારે વહેલાં ઊઠીને કૂવે પાણી ભરવા જતી પનિહારીઓની ગૂફ્તેગુ એટલે ગામડાંની તંતોતંત ખબર છતી કરતું અખબાર. સાવ સહજ બાનીમાં અને બહુ ઓછા શબ્દોના લસરકે કવિએ ગામડાંની હકીકત તાદૃશ કરી બતાવી છે.
Pravin Shah said,
December 16, 2022 @ 5:12 PM
ખૂબ સરસ !
Rina said,
December 16, 2022 @ 9:01 PM
Waahhhh
pragnajuvyas said,
December 16, 2022 @ 10:49 PM
કવિશ્રી દર્શક આચાર્ય કૂવા અંગે સ રસ વાત કહે છે
પાણી ભરવા આવતી દરેક
પનિહારીને કૂવો ઓળખે છે.
. કોણ સુખી છે,
. કોણ દુઃખી છે,
ડૉ વિવેક આસ્વાદમા કહે છે તેમ-‘ગામડાંની તંતોતંત ખબર છતી કરતું અખબાર’
કૂવા અંગે અનેક કાવ્યો યાદ આવે
જેમકે કવિશ્રી મૂકેશ જોશીનુ
કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી,
પાણી પાણી થઈ જાતાં આ હું ને મારી વાણી.
આંબા પાછળ સંતાઈ હું એને જોતો રહું,
એ પાણી ભરવાને આવે, એને ભરવા સહુ
ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ,
હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ.
ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે,
ભડભડ મારો જીવ બળે પણ સ્હેજે નહીં પલાળે.
પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.
આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.
પાણી ભરવા જાવું એનો રોજિંદો વહેવાર,
જે એને ટીકીને જોતું એને મન તહેવાર.
ઈંઢોણી પર બેડાં મૂકી પાછી વળતી ઘેર,
મારી આંખે એના ઘરમાં જળની લીલાલ્હેર.