રિન્કુ રાઠોડ ‘શર્વરી’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 16, 2023 at 10:58 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી’તી સરવાણી— એ મારી આંખનું પાણી,
ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી— એ મારી આંખનું પાણી.
તમે તો પાપ પોકારી, ધરમનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી,
સતી તોળાંદે લઈ ગ્યાં જેમાં ભવની નાવ હંકારી— એ મારી આંખનું પાણી.
થયું મંથન સમુંદરનું, મળ્યા’તા કિંમતી રત્નો, હતું સાથે હળાહળ પણ;
બધા વચ્ચે ઘડામાં લઈને જે ઊભી હતી નારી— એ મારી આંખનું પાણી.
જતન, સચ્ચાઈ, હિંમત, પ્રેમને ભેગાં કર્યાં જ્યારે, બન્યું છે સ્ત્રીહૃદય ત્યારે;
વિધાતા લેખ લખવા એટલે જે વાપરે શાહી— એ મારી આંખનું પાણી.
ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વેળા વહ્યું’તું દ્રોપદીની ચીખમાંથી જે,
પછીથી કાળ થઈને કૌરવોને લઈ ગયું તાણી— એ મારી આંખનું પાણી.
હતું ધિંગાણે ચડવાનું અને માભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો,
વીરોએ પીધી’તી ત્યારે કહુંબાની ભરી પ્યાલી— એ મારી આંખનું પાણી.
— રિન્કુ રાઠોડ’શર્વરી’
કેટલીક રચનાઓ કવિની ઓળખ બની જતી હોય છે. કવિનું નામ બોલીએ અને એમની સિગ્નેચર પોએમ તાદૃશ થઈ ઊઠે. રિન્કુ માટે આ રચના એવી જ કૃતિ છે. છમાંથી ચાર શેરમાં આપણી પુરાકથાઓના સંદર્ભ સાથે સ્ત્રીના આંસુઓને કવયિત્રીએ બખૂબી સાંકળી લીધા છે. આ સંદર્ભો કાળાનુક્રમિક ગોઠવાયા હોત તો ગઝલનું સૌંદર્ય કદાચ ઓર નિખર્યું હોત. સામાન્ય લાગતા છ વિધાન અંતે ‘એ મારી આંખનું પાણી’ રદીફ ઉમેરાતાં જ અસામાન્ય અને આસ્વાદ્ય બની રહે છે. સામાન્યરીતે ગઝલોમાં પ્રયોજાતી અનૂઠી રદીફ લટકણિયું બનીને રહી જતી જોવા મળે છે, જ્યારે અહીં રદીફ ગઝલમાં એવી તો ચપોચપ બેસી જાય છે, કે એને બાદ કરો તો કદાચ ગઝલ સામાન્ય બનીને રહી જાય. બધા જ શેર ફરીફરીને મમલાવવા ગમે એવા.
Permalink
February 24, 2022 at 12:01 PM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
અરે ઓ દિલ ! જરાક થોભ, યાર, ત્યાં કશું નથી,
જવાને થાય જ્યાં તું બેકરાર, ત્યાં કશું નથી.
અમારી લઈ લીધી તલાશી, બાપ, બસ કરો હવે;
એ મારી ઝૂંપડી છે નામદાર, ત્યાં કશું નથી.
હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?
તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી.
અમારી જિંદગીય ઐતિહાસિક એ રીતે થઈ,
લડાઈથી વધીને યાદગાર ત્યાં કશું નથી.
ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે,
કહે છે એ વિષયના જાણકાર ત્યાં કશું નથી.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આશ્ચર્ય જન્માવે એવા બહુ જ ટૂંકા ગાળામાં કવયિત્રી એમના ત્રીજા ગઝલસંગ્રહ ‘તો તમે રાજી?’ લઈને આપણી વચ્ચે આવ્યા છે. કવયિત્રી અને એમના સંગ્રહનું લયસ્તરો પર સહ્રદય સ્વાગત…
‘ત્યાં કશું નથી’ જેવી રદીફને કવયિત્રીએ યથોચિત નિભાવી જાણી છે. પાંચેપાંચ શેર આસ્વાદ્ય થયા છે..
Permalink
March 25, 2021 at 2:12 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આપણે છત્રી નહીં, માણસ હતા,
એટલે પલળ્યા નહીં, ભીના થયા.
સપ્તરંગી આભના અશ્રુ ઝર્યાં,
એ જ દ્રાવણ મોરનાં પીંછા થયાં.
શ્વાસ તો દોડી ગયા ધસમસ પછી,
બંધ જોયાં દ્વાર તો ધીમા થયા.
જ્યાં ફક્ત રાધાનો ડૂમો ઓગળે ?
વાંસળીના સૂર પણ તીણા થયા.
મેં સતત ઔષધ ગણી લીધાં કર્યાં,
એ જ સગપણ આખરે પીડા થયાં.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આખી ગઝલ સ-રસ છે પણ હું મત્લા પર જ અટકી ગયો છું. પલળવું અને ભીના થવાનો તફાવત કવયિત્રીએ છત્રી અને માણસના રૂપક પ્રયોજી જે બખૂબીથી સમજાવ્યો છે, એ સાચે જ કાબિલે-દાદ છે.
Permalink
September 11, 2020 at 3:24 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
હું ગઝલ લખતી રહું બે વાત પર,
એક તારા પર, બીજી વરસાદ પર.
હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર.
હું પ્રથમ આખું નગર ભેગું કરું,
ને પછી ચર્ચા કરું એકાદ પર.
મેં કહ્યું કે, માપમાં રહેજે જરા,
યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.
તું બધી ફરિયાદ લઈને આવજે,
પણ શરત છે, આવજે વરસાદ પર.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
વરસાદ પર કંઈ કેટલાંય કાવ્યો લખાયાં હશે, લખાતાં રહેશે. આ ગઝલમાં મત્લા અને આખરી શેર- એમ બે શેર વરસાદ પર છે પણ કેવા મજાના! ગઝલ લખવાનું કારણ ક્યારેક ‘આંખના ખૂણે હજીય ભેજ છે’ હોય તો ક્યારેક ‘સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે’ હોય છે; ક્યારેક એ ‘કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’’, તો વળી ક્યારેક ‘સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે’ એમ પણ હોય. કવચિત્ ‘મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’નો જાસો મળે ત્યારે ગઝલ લખાય છે. કવયિત્રી પણ બે વાત પર ગઝલરત રહેવાનું કબૂલે છે, એક પ્રિયજન પર ને બીજી વરસાદ પર. વરસાદની સર્વવ્યાપક અખિલાઈને પ્રિયજન સાથે સાંકળી લઈ કવયિત્રી બંનેનું સમાન ગૌરવ કરે છે. છેલ્લો શેર પણ એવો જ મજાનો છે. ફરિયાદ લઈને આવવાની મનાઈ નથી. એક-બે નહીં, બધી જ ફરિયાદ લઈને આવવાની સામા પાત્રને છૂટ છે પણ શરત માત્ર એટલી જ છે કે વરસાદ પડતો હોય ત્યારે જ આવવું, જેથી આંસુ આંખથી દડે તો ફરિયાદ કરનારને ખબર ન પડે. પોતીકી દર્દ છૂપાવીને સામાને સંપૂર્ણ અભિવ્યકત થવાની આઝાદી આપતો આ શેર પણ ચિરસ્મરણીય થવા સર્જાયો છે.
Permalink
July 23, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
*
બ્હાર તો વરસાદ છે,
ભીતરે અવસાદ છે.
શબ્દમાં પડઘાય છે,
મૌન ગેબી નાદ છે.
છંદમાં બંધાય ક્યાંથી?
ઊર્મિઓ આઝાદ છે.
સાવ કોરો પત્ર છે,
વણલખી ફરિયાદ છે.
હું મને ભૂલ્યા કરું,
એ હદે કોઈ યાદ છે.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
લયસ્તરોના આંગણે કવયિત્રીના બીજા કાવ્યસંગ્રહ ‘દૃશ્યો ભીનેવાન’નું સહૃદય સ્વાગત છે.
ટૂંકી બહેરમાં અહીં કેવું મજાનું કામ થયું છે! વરસાદની ઋતુ પ્રણયની ઋતુ છે. ‘લાખોં કા સાવન’ની આ મદીલી મોસમની મુખામુખ ભીતરી ઉદાસીને મૂકીને કવયિત્રીએ કેવો વેધક વિરોધાભાસ સર્જ્યો છે! શબ્દ બોલે એના કરતાં એમાંથી ઊઠતા મૌનના ગેબી નાદના પડઘા વધુ અગત્યના છે. સ્વચ્છંદ લાગણીઓની વાત કરતો મજાનો શેર તો છંદમાં ન લખતા કવિઓ દલીલ કરવા માટે વાપરી શકે એવો છે. પત્ર કોરો આવે એનાથી મોટી બીજી કઈ ફરિયાદ હોઈ શકે? પેલો મૌનનો ગેબી નાદ અહીં પુનઃ સંભળાય છે. કોઈની યાદમાં જાતને ભૂલી જવાની વાત આમ તો નવી નથી પણ સાવ સાંકડી જગ્યામાં કવયિત્રીએ જે બાહોશીથી એને સમાવી લીધી છે એ કાબિલે-દાદ છે.
સંગ્રહમાં ઘણી રચનાઓ મજાની થઈ છે, તો ઘણી બધી રચના મજાની થતાં-થતાં રહી ગઈ છે, ઘણી રચનાઓ કાચી પણ રહી ગઈ છે. કાવ્યસર્જન પછી કાવ્યસંમાર્જનની સાધનાની અનિવાર્યતા તરફ જાગૃતિ કેળવાય તો કવયિત્રી ગુજરાતી કવિતાના ધોરી માર્ગ પર પોતાના નામનો માઇલ-સ્ટોન ખોડી શકે એમ છે, પણ એ ન કેળવાય તો ખોવાઈ જવાનો અંદેશો પણ કંઈ કમ નથી.
લયસ્તરો તરફથી ‘શર્વરી’ને ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…
Permalink