નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જાય છે પંખી ?
જગદીશ વ્યાસ

એ મારી આંખનું પાણી — રિન્કુ રાઠોડ’શર્વરી’

યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી’તી સરવાણી‌— એ મારી આંખનું પાણી,
ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી— એ મારી આંખનું પાણી.

તમે તો પાપ પોકારી, ધરમનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી,
સતી તોળાંદે લઈ ગ્યાં જેમાં ભવની નાવ હંકારી— એ મારી આંખનું પાણી.

થયું મંથન સમુંદરનું, મળ્યા’તા કિંમતી રત્નો, હતું સાથે હળાહળ પણ;
બધા વચ્ચે ઘડામાં લઈને જે ઊભી હતી નારી— એ મારી આંખનું પાણી.

જતન, સચ્ચાઈ, હિંમત, પ્રેમને ભેગાં કર્યાં જ્યારે, બન્યું છે સ્ત્રીહૃદય ત્યારે;
વિધાતા લેખ લખવા એટલે જે વાપરે શાહી— એ મારી આંખનું પાણી.

ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વેળા વહ્યું’તું દ્રોપદીની ચીખમાંથી જે,
પછીથી કાળ થઈને કૌરવોને લઈ ગયું તાણી— એ મારી આંખનું પાણી.

હતું ધિંગાણે ચડવાનું અને માભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો,
વીરોએ પીધી’તી ત્યારે કહુંબાની ભરી પ્યાલી— એ મારી આંખનું પાણી.

— રિન્કુ રાઠોડ’શર્વરી’

કેટલીક રચનાઓ કવિની ઓળખ બની જતી હોય છે. કવિનું નામ બોલીએ અને એમની સિગ્નેચર પોએમ તાદૃશ થઈ ઊઠે. રિન્કુ માટે આ રચના એવી જ કૃતિ છે. છમાંથી ચાર શેરમાં આપણી પુરાકથાઓના સંદર્ભ સાથે સ્ત્રીના આંસુઓને કવયિત્રીએ બખૂબી સાંકળી લીધા છે. આ સંદર્ભો કાળાનુક્રમિક ગોઠવાયા હોત તો ગઝલનું સૌંદર્ય કદાચ ઓર નિખર્યું હોત. સામાન્ય લાગતા છ વિધાન અંતે ‘એ મારી આંખનું પાણી’ રદીફ ઉમેરાતાં જ અસામાન્ય અને આસ્વાદ્ય બની રહે છે. સામાન્યરીતે ગઝલોમાં પ્રયોજાતી અનૂઠી રદીફ લટકણિયું બનીને રહી જતી જોવા મળે છે, જ્યારે અહીં રદીફ ગઝલમાં એવી તો ચપોચપ બેસી જાય છે, કે એને બાદ કરો તો કદાચ ગઝલ સામાન્ય બનીને રહી જાય. બધા જ શેર ફરીફરીને મમલાવવા ગમે એવા.

 

9 Comments »

  1. સુષમ પોક્ષ said,

    June 16, 2023 @ 11:10 AM

    વાહ! ખૂબ સુંદર રચના👌

  2. Harsha Dave said,

    June 16, 2023 @ 11:10 AM

    વાહ…સાધ્યાંત સુંદર ગઝલ…
    ક્યા બાત..!!
    કવયિત્રીને અભિનંદન💐
    લયસ્તરોને શુભેચ્છાઓ 💐

  3. Dr Margi doshi said,

    June 16, 2023 @ 11:17 AM

    બહુ જ ગમતી રચના.. રિન્કુબેનને અભિનંદન..
    આવી ગઝલ ,આવા રદીફ બહુ જૂજ જોવા મળે છે.. સુંદર ગઝલ.

  4. Varij Luhar said,

    June 16, 2023 @ 11:22 AM

    વાહ સરસ ગઝલ

  5. PRAVIN SHAH said,

    June 16, 2023 @ 4:01 PM

    વાહ ! વાહ ! અને વાહ !

  6. Lata Hirani said,

    June 16, 2023 @ 4:05 PM

    પાણીદાર રચના

  7. pragnajuvyas said,

    June 17, 2023 @ 12:16 AM

    યુવા કવયિત્રી રીન્કુ વજેસિંહ રાઠોડ ‘ શર્વરી’ મૂળ નવાગામ જિલ્લો દાહોદના વતની અને હાલમાં ગાંધીનગર સ્થિત છે. વ્યવસાયે નાયબ સેક્શન અધિકારી છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે જેનાં નામ ૧ અક્ષર સાડા પાંચ -ગઝલસંગ્રહ, ૨ દ્રશ્યો ભીને વાન – કાવ્યસંગ્રહ અને 3 તો તમે રાજી ગઝલસંગ્રહ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૨૦માં અને રાવજી પટેલ એવોર્ડ – ૨૦૨૧ મળેલ છે. તે સિવાય બીજા અનેક પુરસ્કાર પણ મળેલાં છે.એવા કવયિત્રી પોતે સિગ્નેચર પોયમ-ગઝલ- સિગ્નેચર ટ્યુનમા પઢે ત્યારે બશીરબદ્ર યાદ આવે
    આંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ.
    યે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના
    આ અફલાતુન ગઝલનો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ આ પોરીએ અનેક રચનાના આસ્વાદ કરાવ્યા છે તો પોતાની રચના વિષે કહે તો સિગ્નેચર આસ્વાદ બને…

  8. pragnajuvyas said,

    June 17, 2023 @ 12:26 AM

    ડૉ વિવેકજી
    આ કોમેન્ટમા બીજી રચનાની કોમેંટ (નીચેનો પેરેગ્રાફ) ભુલમા છપાઇ ગઇ છે તો કાઢવા વિનંતિ

  9. સુનીલ શાહ said,

    June 17, 2023 @ 9:58 AM

    સુંદર, અર્થસભર અભિવ્યક્તિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment