એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

(વરસાદ) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

*

બ્હાર તો વરસાદ છે,
ભીતરે અવસાદ છે.

શબ્દમાં પડઘાય છે,
મૌન ગેબી નાદ છે.

છંદમાં બંધાય ક્યાંથી?
ઊર્મિઓ આઝાદ છે.

સાવ કોરો પત્ર છે,
વણલખી ફરિયાદ છે.

હું મને ભૂલ્યા કરું,
એ હદે કોઈ યાદ છે.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

લયસ્તરોના આંગણે કવયિત્રીના બીજા કાવ્યસંગ્રહ ‘દૃશ્યો ભીનેવાન’નું સહૃદય સ્વાગત છે.

ટૂંકી બહેરમાં અહીં કેવું મજાનું કામ થયું છે! વરસાદની ઋતુ પ્રણયની ઋતુ છે. ‘લાખોં કા સાવન’ની આ મદીલી મોસમની મુખામુખ ભીતરી ઉદાસીને મૂકીને કવયિત્રીએ કેવો વેધક વિરોધાભાસ સર્જ્યો છે! શબ્દ બોલે એના કરતાં એમાંથી ઊઠતા મૌનના ગેબી નાદના પડઘા વધુ અગત્યના છે. સ્વચ્છંદ લાગણીઓની વાત કરતો મજાનો શેર તો છંદમાં ન લખતા કવિઓ દલીલ કરવા માટે વાપરી શકે એવો છે. પત્ર કોરો આવે એનાથી મોટી બીજી કઈ ફરિયાદ હોઈ શકે? પેલો મૌનનો ગેબી નાદ અહીં પુનઃ સંભળાય છે. કોઈની યાદમાં જાતને ભૂલી જવાની વાત આમ તો નવી નથી પણ સાવ સાંકડી જગ્યામાં કવયિત્રીએ જે બાહોશીથી એને સમાવી લીધી છે એ કાબિલે-દાદ છે.

સંગ્રહમાં ઘણી રચનાઓ મજાની થઈ છે, તો ઘણી બધી રચના મજાની થતાં-થતાં રહી ગઈ છે, ઘણી રચનાઓ કાચી પણ રહી ગઈ છે. કાવ્યસર્જન પછી કાવ્યસંમાર્જનની સાધનાની અનિવાર્યતા તરફ જાગૃતિ કેળવાય તો કવયિત્રી ગુજરાતી કવિતાના ધોરી માર્ગ પર પોતાના નામનો માઇલ-સ્ટોન ખોડી શકે એમ છે, પણ એ ન કેળવાય તો ખોવાઈ જવાનો અંદેશો પણ કંઈ કમ નથી.

લયસ્તરો તરફથી ‘શર્વરી’ને ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

9 Comments »

  1. Rinku Rathod said,

    July 23, 2020 @ 1:29 AM

    લયસ્તરોનો હાર્દિક આભાર. ભાષા સેવાનું ઉત્તમ કાર્ય ઉતરોત્તર ચાલુ રહે એવી શુભેચ્છાઓ.
    આપના સૂચનો અને પ્રતિભાવ શિરોમાન્ય.પુનઃ આભાર.

  2. yogesh tailor said,

    July 23, 2020 @ 6:22 AM

    હું મને ભૂલ્યા કરું,
    એ હદે કોઈ યાદ છે. વાહ લાજવાબ શેર /ane aakhi gazal saras

  3. pragnajuvyas said,

    July 23, 2020 @ 9:57 AM

    કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’ની મજાની ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  4. Vipul said,

    July 23, 2020 @ 11:46 AM

    Indeed beautiful poem.
    Many many congratulations to Rinku Rathod ‘Sharvari’

  5. Dilip Chavda said,

    July 24, 2020 @ 8:48 AM

    ટુંકી બહર માં ઘણી મોટી વાત
    અભિનંદન કવિયત્રીને

  6. હરિહર શુક્લ said,

    July 24, 2020 @ 9:13 AM

    આવન જાવન વર્ષાની!
    અંદેશાની, સંદેશાની!

    મસ્ત ટૂંકી બહેરની ગઝલ, મોજ👌💐

  7. કુમાર જૈમિનિ શાસ્ત્રી said,

    August 4, 2020 @ 8:12 AM

    ઘણી રચનાઓ મજાની થઈ છે.તે possitive સિગ્નલ. કેળવાશે તો પોતાનું નામ અંકિત કરી શકે છે,તેય આશાસ્પદ સંકેત છે. ટૂંકી બહરમાં શેરિયત સિદ્ધ કરી બતાવી છે. તેને દાદ દેવાનો આનંદ.

  8. દીપક આર વાલેરા said,

    September 12, 2020 @ 2:12 AM

    ટૂંકી બહેરની ગઝલ બહુ સરસ છે મઝા આવી આપ સૌને અભિનંદન શુભેચ્છાઓ

  9. રતનસિંહ સોલંકી said,

    July 14, 2021 @ 9:58 PM

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment