પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
વિવેક મનહર ટેલર

ઝૂરણ મરશિયું – જયેન્દ્ર શેખડીવાળા

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

જીવત૨ સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસે૨ રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ…હુ….ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

મનના જ૨જ૨ દુ૨ગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

– જયેન્દ્ર શેખડીવાળા

પ્રસ્તુત ગીતમાં પ્રવેશ કરવાની કૂંચી એનું શીર્ષક ‘ઝૂરણ મરશિયો’ છે. મરસિયો એટલે મૃત્યુ પછી ગવાતું શોકગીત. મૃતકને હાર પહેરાવવાનો રિવાજ છે. પણ કવિ ટહુકા પહેરાવવાનું ઇજન આપે છે અને તેય હાથણીભેર… ટબુકડા પંખીના કંઠેથી નીકળતા સાદને હાથણીના વિરાટકાય સ્વરૂપ સાથે સાંકળી લઈને વિરહ અને પ્રણયની પરાકાષ્ઠા એક જ પંક્તિમાં કવિએ કેવી આબાદ રજૂ કરી છે!

જીવનનું ઝરણું ન માત્ર સૂકાઈ રહ્યું છે, અસ્તિત્ત્વના નકશા પરથી ભૂંસાઈ પણ રહ્યું છે. નાયક વિરહજળમાં એ હદે ડૂબ્યો છે કે આંખમાંથી વહેતાં પાણીની સેર એને જ આંસુ ગણે છે અને નાયક આંસુ હોય તો આંખમાંથી વહેતાં આંસુ કંઠહાર બની રહે છે. આંસુ જ વિરહની વાણી છે એટલે કવિ એને વાણીસેર જેવી અનૂઠી પણ સચોટ ઉપમા આપે છે.

જનાર તો પાછળ વાયકાઓ મૂકીને ચાલી ગઈ. કાગડાનું પ્રતીક આપણે ત્યાં મૃતકના આત્મા સાથે જોડાયેલ છે. કવિ બેને જોડીને પત્નીના કોકિલકંઠને યાદ કરે છે. મૃત્યુના કાળા અંધારા માટે કવિ કાજળઘેરી અમાસનું રૂપક પ્રયોજે છે. અમાસનું બહુવચન કરી તમસને વળી ઓર ગાઢું કરે છે. કવિ મૃત્યુને વહાલું કરી જનારને અંધારું પીરસવા પણ તૈયાર છે, જો જનાર પાછું ફરવા તૈયાર હોય તો.

મનનો કિલ્લો જર્જરિત થઈ ગયો છે અને રાંગેથી કાંકરી ખરવા માંડી છે. જીવતરનો ભાર જાણે ટચલી આંગળીના માથે આવી ગયો હોય એમ જીરવી શકાય એવો રહ્યો નથી. ગોવર્ધન અને કૃષ્ણની તર્જની પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. દીવાલ ચીરીને ઊગવું પીપળાની પ્રકૃતિ છે. કવિ નાયિકાને પીપળની જેમ પોતાના જીવતરના જર્જરિત દુર્ગના કાંગરે ઉગાડવા તૈયાર છે. ટૂંકમાં, આ વિયોગ મૃત્યુએ કેમ ન સર્જ્યો હોય, કવિ મૃતક કોઈપણ પ્રકારે પરત ફરે એવી તીવ્ર આરતમાં વિલાપે છે.

3 Comments »

  1. pragnajuvyas said,

    June 3, 2023 @ 3:09 AM

    કવિશ્રી જયેન્દ્ર શેખડીવાળાનો ઝૂરણ મરશિયો
    ડો કવિ વિવેકના આસ્વાદમા ખૂબ સરસ વેદના અભિવ્યક્ત .
    કોઈની ગેરહાજરીમાં કાવ્ય નાયકનો વિલાપ અહીં અનુભવી શકાય છે.તમને સુરીલા ટહુકા અમાપ માત્રામાં પહેરાવું. તમને તમારી વાણીની સરવાણી પાછી આપું.. તમે મરીને મૌન થઈ ગયા છો એટલે તમને વાણી આપુ.તમારી વાતો એક વાયકા થઈ ને બધે ગવાઈ રહી છે.અમને તમારો કોયલ જેવો સ્વર યાદ આવે છે. જો તમને એવું અંધારું પ્રિય હોય તો એ તમને હું આપીશ. હવે અમારાથી આ વિલાપ સહન નથી થતો.. મન પણ હવે થાકી ગયું છે. મનના દૂર્ગની કાંકરીઓ હવે ખરવા લાગી છે. હવે તો અમારો ટેકો પણ જીર્ણ થઇ ગયો છે.. તમે પાછા આવો. તમને પીપરની જેમ પાછા મારા જીવનના એક એક ધબકારા માં પ્રોવી લઉં.
    યાદ આવે
    રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી વાર્તા જીવતાજીવ મરશિયાની મોજ..માણો

  2. pragnajuvyas said,

    June 3, 2023 @ 6:23 AM

    +
    પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧ – વિકિસ્રોત
    https://gu.wikisource.org › wiki › પ…
    ૧૦. મરશિયાની મોજ, ૧૧૪ ; ૧૧. તેગે અને દેગે, ૧૧૭ ; ૧૨. દુશ્મનોની ખાનદાની, ૧૨૧ ; ૧૩. ભાગીરથી, ૧૩૩.

  3. રિયાઝ લાંગડા (મહુવા). said,

    June 3, 2023 @ 2:31 PM

    વાહ…👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment