તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

પંખી બેઠું ડૂંડે – મનોહર ત્રિવેદી

કવિના નવ્ય કાવ્યસંગ્રહની સર્વપ્રથમ પ્રત કવિહસ્તે પ્રાપ્ત કરવાની ધન્ય ક્ષણ..

*
પંખી બેઠું ડૂંડે*
ખેડુ નજરું માંડે જાણે ભથવારીના સૂંડે.

નળ્ય વળગાડે છાતીસરસી
બેઉ તરફની છાંય
ખૂણેખાંચરે જઈને થંભ્યા
તડકાઓના પાય

ગાડામારગ જાય ઊતરતો પોતામાં શું ઊંડે?

આભ નમીને રહ્યું નીરખી
લચી પડેલો મૉલ
વહુવારુની જેમ લ્હેરખી
ઘૂમે ઓળેઓળ

જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
પંખી બેઠું ડૂંડે

– મનોહર ત્રિવેદી

(*. કવિમિત્ર રમણીક સોમેશ્વરના અછાંદસની પ્રથમ પંક્તિ)

કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત.

બપોરીવેળાના ખેતરનું દૃશ્યચિત્ર કવિએ કલમના જૂજ લસરકા માત્રથી આબાદ ઉપસાવી આપ્યું છે. જે રીતે વહેલી સવારથી એકધારો પરિશ્રમ કરીને ભૂખ્યો-તરસ્યો થયેલો ખેડૂત બપોરે ભાથું લઈને આવતી ભથવારીના ટોપલા તરફ આતુર મીટ માંડે એવી જ પરિતૃપ્તિની અપેક્ષા લઈને ડૂંડા પર આવી બેઠેલા પંખીની ઉપસ્થિતિથી કાવ્યારંભ થાય છે. બે ખેતર વચ્ચેની કાંટાળા થોરની સરહદની વચ્ચે પસાર થતો સાંકડો રસ્તો એટલે નળ્ય. બેઉ તરફની છાંયને નળ્ય છાતીસરસી વળગાડે છે –આ એક જ પ્રતીક બપોરી તાપની પ્રખરતા મુખરિત કરવા સક્ષમ છે. ખૂણાખાંચરાઓને બાદ કરતાં તડકો સમસ્ત સૃષ્ટિમાં પગપેસારો કરી ચૂક્યો છે. છાંયડો એટલો ઓછો થઈ ગયો છે કે નળ્યના બે છેવાડા સિવાય ક્યાંય નજરે ચડતો નથી. ખૂણાખાંચરાઓને બાદ કરતાં સૃષ્ટિમાં બધી જગ્યાએ કેવળ તડકાનું જ સામ્રાજ્ય છે. આ જ કવિના ‘તડકા! તારા તીર’ ગીતમાં પણ આવું જ કલ્પન જોવા મળે છે: ‘છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ.’ વળી, ‘તડકા’ બહુવચન ઓછું પડ્યું હોય એમ કવિ પોએટિક લાઇસન્સ વાપરી પાછળ ‘ઓ’ ઉમેરી બહુવચનનો પણ વિસ્તાર કરે છે. નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલ નિર્જન માર્ગ જાણે છેવાડે જઈને પોતાની જ અંદર ઊંડે ન ઉતરી જતો હોય એવો ભાસે છે. પંખીના બેસવાથી સજીવન થયેલ ખેતરની બપોરી દુર્દશા વર્ણવ્યા બાદ કવિ પુનઃ આવા વાતાવરણમાં સૃષ્ટિના ધનમૂલક પરિબળો સાથે સંધાન કરવું ચૂકતા નથી. લચી પડેલ મૉલને જોવા જાણે આભ માથે ઝળુંબી રહ્યું છે. વહુવારુ જે રીતે મર્યાદા જાળવીને ચાલે, એમ પવનની લહેરખી પણ ઓળેઓળે- ચાસેચાસે ઘૂમી રહી છે. કેવું અદભુત કલ્પન! બાકી હતું તે પતંગિયાના ઝુંડે સીમને શણગારી છે. આવા ખેતરમાં જઈ દિવસ ગાળવાનું મન ન થય તો જ નવાઈ…

*

10 Comments »

  1. pragnajuvyas said,

    March 31, 2023 @ 6:22 AM

    પહેલું ધ્યાન તસ્વિર પર પડતા અમારું ભજન યાદ આવ્યું
    મનોહર શોભિત શ્રીઘનશ્યામ,
    સુંદર શ્યામ છબિ અવિલોકી,
    લાજત કોટિક કામ
    અને અમારા વિવેક યાદ કરાવે અદ્વૈત વેદાંતનું વર્ણન કરાવતો વિવેક ચૂડામણિ ગ્રંથ .
    દરેક રચના સાથે રચનાકારની તસ્વિર હોય અને રચના ની પ્રસૂતિ સમયની પીડા-આનંદ જાણવા મળે તો વધુ મજા આવે.
    કવિશ્રી મનોહર ત્રિવેદી ના કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’નું સ્વાગત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદમા અમારા મનની વાત કહેવાઇ ગઇ…
    કવિશ્રીને તડકો વધુ પ્રિય છે જે તેમની અનેક રચનાઓમા જેમકે
    તડકા! તારાં તીર,
    રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે …
    મા. નિરંજન ભગત એક ગીતના ઉપાડમાં જ ઉનાળાની તીવ્રતાનું વર્ણન કરે છે: તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો! તડકાનાં કાવ્યો તો અઢળક મળે છે.
    શ્યામ સાધુએ ધારદાર રીતે તે આધાર લીધો છે:
    ચૈત્રી તડકામાં તારી યાદને, માની લીધી ડાળ મેં ગુલમહોરની,
    આ જુઓ અહીંયા સૂરજના શહેરમાં સોનવર્ણી થઇ પરી બપોરની.
    ખરા આ બપોરે નભ ઉપરથી અગ્નિ વરસે,
    બધુંય જાણેકે ભડભડ થતું એમ સળગે,…
    ઉનાળો જે વ્યાપ્યો, ગહન અતલે અંતર ઊંડે,
    કહો કેવી રીતે શમિત કરશું આ તરસને …
    અમે તડકાના માણસ રહીએ સ્નો વચ્ચે- ટાઠાબોળ શિયાળા કરતાં દેહ દઝાડતો ઉનાળો અમને ખૂબ ગમે છે.કૂવામાં કબૂતર ને તાર પર હોલો થૈ બેસવા તરસ્યાં તેતર છાતીમાં લઈને
    હું આવીશ… ચાસ ને કલકલિયો થઈને!કાળે ઉનાળે ય નહીં સુકાતો
    ચીડો થઈને હું —ઊગી નીકળીશ ખેતરે ખેતરે…

  2. Bharati gada said,

    March 31, 2023 @ 10:58 AM

    વાહ વાહ ખૂબ સુંદર ગીત દ્વારા ખૂબ સુંદર દ્રશ્ય નજર સમક્ષ આવી જાય છે.ખૂબ સુંદર રસાસ્વાદ 👌

  3. Shah raxa said,

    March 31, 2023 @ 11:19 AM

    વાહ..વાહ…ખૂબ સરસ ગીત…🙏💐🙏

  4. Varij Luhar said,

    March 31, 2023 @ 11:26 AM

    ખૂબ ખૂબ આવકર અભિનંદન શુભકામનાઓ….. કવિશ્રી મનોહર ત્રિવેદી સાથે મારું એક અનુસંધાન છે..
    હું બાબાપુર સર્વોદય આશ્રમ (જિ. અમરેલી)ખાતે ૧૯૭૧-૭૨ માં અભ્યાસ કરતો હતો ત્યારે વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવતા મને આપણાં આ પ્યારા કવિનો કાવ્યસંગ્રહ’ મોં સૂઝણું ‘ ઈનામ તરીકે મળેલ અને તે મારી પાસે પોતાનું કહી શકાય તેવું પહેલું પુસ્તક..

  5. કિશોર બારોટ said,

    March 31, 2023 @ 12:18 PM

    પરમ આદરણીય મનોહરજીના નવા કાવ્ય સંગ્રહનું આગમન એટલે ભાવકો તો ‘ગોળનું ગાડું’
    ખૂબ જ આનંદ થયો.

  6. હર્ષદ દવે said,

    March 31, 2023 @ 4:49 PM

    સરસ રચના અને નવા કાવ્યસંગ્રહ માટે કવિને અભિનંદન.
    ઓળેઓળ…દરેક પંક્તિના લ્હેરખી જેવા આસ્વાદ માટે આપને પણ અભિનંદન

  7. Parbatkumar nayi said,

    March 31, 2023 @ 8:32 PM

    વાહ
    ખૂબ શુભેચ્છાઓ આદરણીય કવિ શ્રી મનોહરદાદાને
    ખૂબ સરસ પ્રિય વિવેકભાઈ

  8. યોગેશ પંડ્યા said,

    April 1, 2023 @ 12:02 PM

    અદ્ભૂત ગીત!
    -બસ,અદ્ભૂત…💐💐

  9. અરવિંદભાઈ દવે, ગારિયાધાર said,

    April 2, 2023 @ 2:37 PM

    મનોહર દાદા….!!!
    એક એવું વ્યક્તિત્વ કે એમના માટે એક શબ્દ કહેવા માટે પણ પનો ટૂંકો પડે….
    માતૃભાષા પણ જેની પ્રતીક્ષામાં હોય એવાં આ સર્જકના સર્જનને માત્ર નમસ્કાર જ કરી શકાય….
    આપતા જ રહો દાદા….🙏🙏🙏

  10. Poonam said,

    April 4, 2023 @ 4:58 PM

    જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
    પંખી બેઠું ડૂંડે… Saras!
    – મનોહર ત્રિવેદી –

    Aasawad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment