સૈંયા… – વિનોદ જોશી
સૈંયા, મેલી દે તારી નવાબી,
. કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….
મુંને વીજળિયું તૂટે છે પંડમાં,
નથી આરોઓવારો નવ ખંડમાં;
સૈંયા, દાનત ખોરી બેહિસાબી,
. કે આજ કરી દેને તું ખાનાખરાબી…
મુંને હોઠેથી ડામ દીધા આકરા,
મારાં રૂંવે રગદોળ્યા ઉજાગરા;
સૈંયા, અંધારું આછું ગુલાબી,
. કે રંગ ચડ્યો હળવેથી હાજરજવાબી…
મુંને સોંસ૨વાં સણકે સંભારણાં,
લોહી કૂદીને લેતું ઓવારણાં;
સૈંયા, ખરબચડી રાત છે રુઆબી
. કે પોત મારું પોચું પોચું ને કિનખાબી…
– વિનોદ જોશી
લયસ્તરો પર કવિશ્રીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત…
ધણીપણું બતાવતા ધણીને સામ-દામ-દંડ-ભેદના ન્યાયે પોતાની તરફ પાછો ખેંચી આણવાની નાયિકાની મથામણ ગીતમાં સુપેરે વ્યક્ત થઈ છે. નાયિકાની ડાબી આંખ રોજ ફરકે છે. કોઈના આવવાના શુકન તો રોજ થાય છે, પણ સૈંયાજી નવાબી તોર મેલતા નથી અને પરત પાસે આવતા નથી. આ તરફ વિરહસિક્ત નાયિકાના અંગાંગમાં વીજળીઓ તૂટી રહી છે, પણ આ તડપ-તોફાનનો ક્યાંય કોઈ આરોઓવારો નથી. ખાનાખરાબી થઈ હોવાનું પ્રતીત થાય એ હદે નાયિકા સમર્પિત થવા તલપાપડ છે, પણ નાયકની તો દાનત જ સાવ ખોરી અને બેહિસાબી છે. એ વાણીના જે ડામ દઈ ગયો છે એ જીરવવા નાયિકાને એટલું આકરું થઈ પડ્યું છે કે ઊંઘ સુદ્ધાં નાતો છોડી-તોડી ગઈ છે. પોતાની બદહાલતના વર્ણન સાથે એ નાયકને પ્રલોભન આપતાં રહેવાનુંય ચૂકતી નથી. કાળાડિબાંગ અંધારું પ્રેમના ગુલાબી રંગે રંગાયું હોવાનું કહી એ સૈંયાને લલચાવે છે. એકતરફ સ્મરણ જાત સોંસરવા સણકા જન્માવે છે તો બીજી તરફ ઓરતા લોહીમાં તોફાને ચડ્યા છે. નાયિકાનું પોત રાણી પદ્મિણી જેવું પોચું અને કિનખાબી છે પણ એકલતામાં પોતાનો રુક્કો જમાવી બેસતી રૂઆબદાર રાત એવી તો ખરબચડી છે કે નાયિકાનું હોવું ઉઝરડાઈ જાય છે…
યોગેશ પંડ્યા said,
March 23, 2023 @ 12:39 PM
અદ્ભૂત ગીત રચના માણવા મળી.અવનવા કલ્પનો અને પ્રતિકોથી શૃંગારની રાત જેવું જ ગીત પણ સોહામણું લાગ્યું. કવિશ્રી આમ તો એક પ્રખ્યાત ગીતકાર છે જ, પરંતુ તેમની દરેક રચનામાં કૈંક ને કૈંક ,ભિન્ન ભિન્ન સંવેદના અને સર્ગશણગાર પથરાતાં જોવા મળે ચબે,એ તેમની એક અદ્દભૂતવિશેષતા છે.’મુંને હોઠે થી ડામ દીધા આકરા,મારાં રૂંવે …ઉજાગરા.. માં નાયિકા કેટલું બધું કહી જાય છે.
વાહ!
આનંદ..
સરસ ગીત.
સુષમ પોળ said,
March 23, 2023 @ 1:08 PM
ખૂબ સુંદર ગીત
Aasifkhan said,
March 23, 2023 @ 1:33 PM
વાહ વાહ ખૂબસુંદર ગીત ને સરસ આસ્વાદ
Dr. Bhuma Vashi said,
March 23, 2023 @ 1:54 PM
What a Poetry… Wow.
Bharati gada said,
March 23, 2023 @ 3:24 PM
મસ્ત મજાનું ગીત 👌
Poonam said,
March 23, 2023 @ 6:42 PM
સૈંયા, મેલી દે તારી નવાબી,
કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી… Saras !
-વિનોદ જોશી –
કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ ke liye shubh kamanaye 💐
Aaswad 👌🏻
pragnajuvyas said,
March 23, 2023 @ 8:55 PM
કવિશ્રી વિનોદ જોશીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત
તેમના મધુરા ગીતનો ડૉ.વિવેક દ્વારા સ રસ આસ્વાદ
મા.કવિશ્રી વિનોદજી તેમના ગીતોના અવાજોમાં ભવ્ય સ્ત્રી સંવેદનશીલતા માટે ગુજરાતી સાહિત્યમાં વખાણવામાં આવે છે. તેમની કવિતામાં પ્રતીતિઓમાં તીવ્ર સ્ત્રીત્વ, એકાંત, સામાજિક સ્થિતિ અને અવિભાજ્ય વ્યક્તિત્વ શામેલ છે, જે રોજિંદા વાસ્તવિકતા અને વસ્તુઓની છબીઓમાં વ્યક્ત થાય છે.
Mukesh joshi said,
March 31, 2023 @ 11:48 AM
બહુ સરસ ગીત