નોખું જ કૈંક પ્રાપ્ત થશે, બાતમી હતી,
જીવતાં જણાયું એ જ સડુ જિંદગી હતી.
- વિવેક મનહર ટેલર

ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ (અનુ.: વિવેક મનહર ટેલર)

મારા શ્વાસમાં
ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ
ભેળવવા
હું વાંકી વળી.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
મમ્મીઓ તેમના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગનબદ્ધ,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ માટે જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષો વચ્ચેની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના
સજાવે છે પત્તા રમવાનું ટેબલ,
ચાદર બિછાવે છે, ઉપર મૂકે છે મીણબત્તી,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
.           અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

.            ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

.                                             ધીરજ ધર,
              તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
82 વર્ષનાં અમેરિકન કવયિત્રી ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવ અને જીવનોત્સવની કવિતા છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકી વળે છે. ચેરી બ્લૉસમ્સનો એક અલગ જ જાદુ હોય છે. આખાને આખા વૃક્ષો પર પાંદડાંઓના સ્થાને કેવળ ફૂલોના જ ગુચ્છેગુચ્છા નજરે ચડે એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. કવયિત્રી કેવળ પોતાના શ્વાસમાં ચેરી બ્લૉસમ્સની સુગંધ ભેળવવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી પોતાના શ્વાસમાં વસંતનો શ્વાસ ભેળવવા માંગે છે ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિનો આસ્વાદ મણવાની નહીં, પ્રકૃતિ સાથે એકાકાર થઈ જવાની, પ્રકૃતિમાં ઓગળી જવાની છે.

સર્જકનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા. માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. આલિંગનબદ્ધ થયેલ એક યુગલ એ જ સ્થિતિમાં પોતાનો ફોટો પાડી આપવા એક રાહદારીને થોભાવે છે. હેતુ એ કે પ્રેમની આ ક્ષણ ફોટોગ્રાફમાં કેદ થઈને ચિરંજીવી બની રહે. ચેરી બ્લૉસમ પણ કાયમે એનથી અને આલિંગન પણ હંગામી જ હોવાનું. પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવી લેવાની અને જીવતી રાખવાની કામના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પિકનિક માટે ટેબલ સજાવે છે અને પોતાનો અપંગ પુત્ર આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય એ આશયથી એના પિતા વ્હીલચેરને પાછળ તરફ નમાવે છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? પણ કુદરત કદી લઈને બેસી રહેતી નથી. સપાટાભેર ખરી રહેલ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે. આ મર્મર મારફતે પ્રસંશાના પુષ્પથી નવાજાઈ રહેલ પ્રકૃતિ જાણે કહી રહી છે, ધીરજ ધર. તું પણ પુરાતન સૌંદર્યની સ્વામિની છે. સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. અને આ અંતિમ બે પંક્તિઓની પુનરોક્તિ સૌંદર્ય જોનારની દૃષ્ટિ પોતે એક ઉત્તમ કવિતા હોવાની વાતને દૃઢીભૂત કરે છે.

અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી જણાતી પંક્તિઓની રચના ઉભય વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં નદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરવામાં આવ્યો છે એય સમજાયા વિના રહેતું નથી.

*

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
.                  All around us
the blossoms
flurry down
whispering,

.        Be patient
you have an ancient beauty.

.                                          Be patient,
.                                  you have an ancient beauty.

– Toi Derricotte (pronounced DARE-ah-cot)

7 Comments »

  1. Vinod manek said,

    April 13, 2023 @ 7:50 AM

    Heart touching poem n anuvad

  2. Dipal Upadhyay said,

    April 13, 2023 @ 11:29 AM

    wary nice

  3. Dr Sejal Desai said,

    April 13, 2023 @ 4:56 PM

    સુંદર કાવ્ય અને આસ્વાદ ..આભાર વિવેકભાઈ

  4. pragnajuvyas said,

    April 13, 2023 @ 8:42 PM

    સુંદર કાવ્ય નો શબ્દાનુસારી ,અર્થાનુસારી, રસાનુસારી , દેશકાલાનુસારી અનુવાદ .
    સ રસ આસ્વાદ
    હાલ તો ચેરી-બ્લોસમ અમારા આંગણામા પુરબહાર ખીલ્યા છે ત્યારે કાવ્ય માણવાની મજા કાંઇ ઔર!
    કવયિત્રી ટોઇ ડેરહકોટના શબ્દોમા=’મારી કેટલીક કવિતાઓ આનંદ અને સુંદરતાથી શરૂ થાય છે, અને કેટલીક ક્રોધથી શરૂ થાય છે. મને યાદ નથી કે આ કવિતાની પ્રેરણા શું છે, પરંતુ તે વાંચીને મને લાગે છે કે તે મારા પેટના તળિયે કણસી રહી છે.
    માણો

  5. Bharati gada said,

    April 14, 2023 @ 10:45 AM

    ખૂબ સુંદર કવિતાનો ખૂબ સુંદર રસાસ્વાદ 👌👌

  6. Poonam said,

    April 16, 2023 @ 9:35 AM

    …જેથી એ નિહાળી શકે
    ડાળીઓમાં ખીલેલા
    સ્વર્ગ ને… અમારી ચોતરફ… Aaha ne Uff !
    – ટોઇ ડેરહકોટ (અનુ.: વિવેક મનહર ટેલર) – 👌🏻

  7. વિવેક said,

    April 17, 2023 @ 10:50 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો આભાર…

    રચનાપઠનનો વિડિયો સહિયારવા બદલ પ્રજ્ઞાજુનો સવિશેષ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment