(ઘર-ઘર રમી શકે) – હરીશ ઠક્કર
અંગતના મૃત્યુ ટાણે જે કોરી રહી શકે,
ફિલ્મોનાં દશ્ય જોઈ એ આંખો રડી શકે.
રહેવા ભલેને ઘર નથી, પણ ઘરનું સ્વપ્ન છે,
ફૂટપાથ પરનાં બાળકો ઘર-ઘર રમી શકે.
સંબંધમાંથી પાછા હટી જઈને બે કદમ,
જીવનમાં એ રીતે ઘણા આગળ વધી શકે.
માણસને જાણવો ઘણો મુશ્કેલ છે, પ્રભુ!
ચહેરો હૃદય પ્રમાણે બનાવી નહીં શકે?
દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?
– હરીશ ઠક્કર
ગઝલનો મત્લા પહેલી નજરે કોઈ સાવ ઉપલક વાત કહેતું હોય એવો લાગે, પણ આ જ કવિની ખાસિયત છે. સરળ દેખાતા શેરની અંદર એ જાળવીને સત્ત્વ છૂપાવી દે છે. હળવેથી શેર ઊંચકો નહીં તો એ સત્ત્વ ચૂકી જવાની પૂરી ગેરંટી. પથ્થરની ભીતર છૂપાયેલા ઝરણાંની આ વાત છે. પ્રસંગોપાત જે માણસ સંવેદનહીન લાગતો હોય એ માણસની અંદર પણ ક્યાંક તો લાગણીની લીલપ છૂપાયેલી જ હોવાની. ત્રીજો શેર હાંસિલ-એ-ગઝલ શેર છે. આપણામાંથી મોટાભાગના લોકો સંબંધમાં પડતી ગાંઠમાં જ બંધાઈને અટકી જતાં હોઈએ છીએ, પરિણામે સંબંધ તો ટકી રહે છે, પણ એમાં પ્રાણ નથી હોતા અને જીવન આગળ વધવાનું બંધ કરી દે છે. મૃતપ્રાય સંબંધોની લાશ ખભે ઊંચકીને ફર્યે રાખતો માણસ વિક્રમાદિત્યની જેમ વડ અને સ્મશાન વચ્ચેના ફેરાઓમાં જ અટવાઈ રહે છે. એને ખભેથી ઊતારી જે મુક્ત થઈ શકે છે, એ જ સાચેસાચ જીવનમાં આગળ વધી શકે છે. બે જ પંક્તિમાં કેવી અદભુત અને ગહન વાત! વળી, પીછેહઠ સાથે આગેકૂચને સાંકળીને કવિએ ભાષાની પાસે પણ આબાદ કામ કઢાવ્યું છે. છેલ્લો શેર પણ કાબિલે-દાદ થયો છે.
Shah Raxa said,
June 10, 2023 @ 1:14 PM
વાહ…..ખૂબ સરસ ગઝલ..અભિનંદન🙏💐
સુષમ પોળ said,
June 10, 2023 @ 1:31 PM
વાહ! ખૂબ સુંદર ગઝલ👌👌😊
સુનીલ શાહ said,
June 10, 2023 @ 1:33 PM
ખૂબ સુંદર ગઝલ. મજાનો આસ્વાદ
Dipal upadhyay said,
June 10, 2023 @ 2:28 PM
Wah
Pankaj said,
June 10, 2023 @ 3:57 PM
સરસ સાદ્યંત સુંદર ગઝલ
પરંતુ ત્રીજા શેરનો એક અર્થ એ પણ થાય કે લોકો જિંદગીમાં કહેવાતી સફળતા મેળવવા આગળ વધવા સંબંધોને પણ દાવ પર લગાવી દે છે, સંબંધો ગયા તેલ લેવા
Pankaj said,
June 10, 2023 @ 4:00 PM
સરસ સાદ્યંત સુંદર ગઝલ
પરંતુ ત્રીજા શેરનો એક અર્થ એ પણ થાય કે લોકો જિંદગીમાં કહેવાતી સફળતા મેળવવા આગળ વધવા સંબંધોને પણ દાવ પર લગાવી દે છે, સંબંધો ગયા ભાડમાં
Bharati gada said,
June 10, 2023 @ 4:07 PM
વાહ ખૂબ સરસ ગઝલ સાથે ખૂબ સરસ આસ્વાદ 👌👌
ચંદ્રશેખર પંડ્યા said,
June 10, 2023 @ 4:50 PM
ગઝલ માણી. ખૂબ સુંદર!
pragnajuvyas said,
June 10, 2023 @ 8:27 PM
કવિશ્રી ખૂબ સુંદર ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ મજાનો આસ્વાદમા ‘છેલ્લો શેર પણ કાબિલે-દાદ થયો છે.’તો આ મક્તા
દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે? ના વિચાર વમળે…સ્તિત્વવાદી લેખકોમાં ‘આઉટ સાઈડર’ નામના પુસ્તકના લેખક આલ્બેર કામુએ મિત્ર બાબતમાં સરસ વાત કરેલી ‘અરે મિત્ર તું હું કહું તે મારી મારી પાછળ પાછળ ચાલે. અગર મિત્ર તું મારો નેતા બનીને આગળ ચાલે હું કદાચ તને ફોલો પણ કરું. બસ હું ઈચ્છુ છું કે, તું મારી જોડા જોડે ચાલ દરેક બાબતમા સખા રહે.’ શિખામણ આપણે પોતે પણ પાળવી જોઈએ પણ જ્યારે આપણે નિયમ પાળતા નથી અને તમે ઈચ્છો કે તમારો મિત્ર તમને ફોલો કરીને તમારી પાછળ પાછળ ચાલે તો કાળક્રમે મિત્ર તમારો નહીં રહે. બાકી મિત્રો બનાવવા અંગે જુદા જુદા વિદ્વાનો ચેતવણી આપે છે અને મિત્ર બાબતમાં ચેતવે છે ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરે એક વાક્યમાં શરૂમાં સરસ વાત કહેલી કે, મિત્રતા તો બે આત્માનું મિલન છે- લગ્ન છે. પણ તુરંત પાછો ચેતવે છે કે મિત્રતા (‘આત્માનું લગ્ન’) છૂટાછેડાને પણ પાત્ર છે!’
Varij Luhar said,
June 10, 2023 @ 11:11 PM
વાહ.. ફૂટપાથ પરના બાળકો ઘર ઘર રમી શકે
લતા હિરાણી said,
June 11, 2023 @ 9:09 PM
સંબંધમાંથી પાછા હટી જઈને બે કદમ,
જીવનમાં એ રીતે ઘણા આગળ વધી શકે.
વાહ કવિ
Poonam said,
June 16, 2023 @ 11:41 AM
અંગતના મૃત્યુ ટાણે જે કોરી રહી શકે,
ફિલ્મોનાં દશ્ય જોઈ એ આંખો રડી શકે. Kya baat !
– હરીશ ઠક્કર –
Aaswad 👌🏻