આયના ગામના થયા ઘરડા
ઓરતા તોય જેવાતેવા છે?
- વિવેક મનહર ટેલર

રળિયામણું… રળિયામણું – સંજુ વાળા

કહેવું હતું જે કૈં તે કહેવાઈ ગયું, ઉપરાંત કહેવાશે ઘણું,
કારણ: ગઝલના પિંડમાં રસછોળ થઈ છલકાય છે મબલખપણું.

બોલે-લખે નહિ કોઈ કે પ્રતિભાવ પણ આપે નહીં, ઉત્તમ ગણું,
કિન્તુ હવે નહિ કોઈ અધકચરું કે ઉચ્ચારે જરાપણ વામણું.

એવું થયું કે એક દિ’ આવ્યું નદીને સ્વપ્ન એક્ સોહામણું,
બસ ત્યારથી નિરખ્યાં કરે છે આભને રળિયામણું, રળિયામણું.

તું હંસ હો તો તારી આંખો પર ભરોસો પણ તને હોવો ઘટે!
ઓ રે મહાપંડિત! તું કોને પૂછશે: ‘હું શું ચણું શું ના ચણું?’

હું જાત, જગ કે જીવને તતકાળ તરછોડીને છૂટી જાઉં પણ-
કરવું શું એનું જે સતત સાથે રહે થઈને નર્યું સંભારણું.

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!

– સંજુ વાળા

મત્લામાં કવિ વાત ગઝલના અક્ષયપાત્રની માંડે છે, પણ હકીકતે એ વાત કવિતાસમગ્રને સ્પર્શે છે. જે જે વાત કવિતામાં કરી શકાય, કરવી જોઈએ એ તમામ વાત કહેવાઈ ગઈ હોવા છતાં હજી એનો અંત આવ્યો નથી કે આવનાર પણ નથી, એનું કારણ આપતાં કવિ કહે છે કે ગઝલના પિંડમાં રસની છોળ થઈને મબલખપણું છલકાઈ રહ્યું છે. કવિ અંતિમવાદી છે. ક્યાં ગઝલને પૂરી પ્રમાણો અથવા બિલકુલ મૌન રહો. ગઝલ બાબતે કોઈ અધકચરી કે ઉતરતી વાત કરે એના કરતાં ગઝલ વિશે કોઈ કશું બોલે-લખે નહીં કે પ્રતિભાવ પણ નહીં આપે એને કવિ ઉત્તમ ગણે છે. છેલ્લો શેર પણ કવિતા સંબંધી જ છે. સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું સમ્યક ઋણ ફેડી ન શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું ઋણ ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના સાથે વિરમે છે.

12 Comments »

  1. Aasifkhan said,

    April 8, 2023 @ 11:15 AM

    વાહ ખુબ સરસ ગઝલ

  2. Neha said,

    April 8, 2023 @ 11:35 AM

    વાહ વાહ વાહ.. કવિતા સિદ્ધ થઈ આને કહેવાય…
    અભિનંદન સંજુભાઈ
    આભાર લયસ્તરો, કે આવી સુંદર રચના અમારી
    સાથે વહેંચી..

  3. રિયાઝ લાંગડા said,

    April 8, 2023 @ 12:18 PM

    વાહ….👌👌

  4. kishor Barot said,

    April 8, 2023 @ 12:26 PM

    નીવડેલા સર્જકની ઉમદા કૃતિ. 👌

  5. હર્ષદ દવે said,

    April 8, 2023 @ 2:49 PM

    સરસ રચના. આસ્વાદ પણ. અભિનંદન

  6. pragnajuvyas said,

    April 8, 2023 @ 10:58 PM

    કવિશ્રી સંજુ વાળાની પોતાની અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા આ ગઝલનું આલેખન
    વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
    તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!
    ખૂબ સુંદર મક્તા .
    તેમના દાદીમા ઊંચા ગજાના ભજનિક હતા.તેમના પિતાશ્રી પણ ગાયક અને ઉપાસક હતા.તેમના લયતત્વ અને સંગીતતત્વ સાથે શબ્દનો સથવારો લઇ વારંવાર માણવાનુ મન થાય તેવી અદભુત ગઝલ અને ખૂબ સ રસ આસ્વાદ બદલ ડૉ વિવેકને સાધુવાદ

  7. સંજુ વાળા said,

    April 9, 2023 @ 4:12 PM

    મિત્ર વિવેક અને મિત્રો

    આપ સૌનો હ્રદયપૂર્વક આભાર
    રાજીપો

  8. Asharaf Dabawala said,

    April 12, 2023 @ 8:31 AM

    Very nice ghazal Sanjubhai. Last sher is very effective & the effect is long lasting. Congratulations!

  9. Asharaf Dabawala said,

    April 12, 2023 @ 8:51 AM

    Thanks Vivekbhai for sharing this interesting ghazal by Sanjubhai. You are doing a great job for Gujarati poetry.

  10. ઉમેશ જોષી said,

    April 12, 2023 @ 9:36 AM

    લયસ્તરો…
    સાહિત્ય સજૅકની ઉત્તમ રચના વાંચવા મળે છે..
    સંપાદન રોચક અને રસપ્રદ.
    અભિનંદન.

  11. Poonam said,

    April 12, 2023 @ 9:43 AM

    તું હંસ હો તો તારી આંખો પર ભરોસો પણ તને હોવો ઘટે!
    ઓ રે મહાપંડિત! તું કોને પૂછશે: ‘હું શું ચણું શું ના ચણું?’ Kya baat !
    – સંજુ વાળા –

    Aaswad 👌🏻

  12. સંજુ વાળા said,

    June 4, 2023 @ 6:18 PM

    ખૂબ આભાર મિત્રો

    અશરફભાઈ

    લયસ્તરોના મિત્રો વરસોથી ગુજરાતી કવિતાનું ઉત્તમ આપણને વંચાવેયછે.. કવિતાની સૂઝસમજથી થતું આ સઃપાદન ભવિષ્યમાં કંઈક જુદી જ રીતે બૈલશે.
    ખુબ સુકામનાઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment