મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!
ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!
રિષભ મહેતા

વાત કરવી છે – બાબુલાલ ચાવડા ‘આતુર’

સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે,
વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે.

મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં,
પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે.

કદી સામે મને દુનિયામાં મોકલનાર જો આવે,
જગતમાં ખોઈ છે મેં એ જણસની વાત કરવી છે.

મને મારા હૃદય સાથે મળે જો વાત કરવા તો,
પડી છે બંધ વરસોથી એ નસની વાત કરવી છે.

પ્રતીક્ષામાં છું ‘આતુર’ એટલે હુ અંતવેળાની,
ઘડીભર તેજની સાથે તમસની વાત કરવી છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

રણમાં રઝળતાં-રઝળતાં તરસની વાત કરવી સહેલી છે. મુસીબતમાં તો ભગવાનને બધા જ યાદ કરવાના. અમીર માણસ માટે ગરીબોની વ્યથા સમજવું દોહ્યલું છે. તૃપ્તિ હાથવગી હોય ત્યારે અતૃપ્તિની વાત કરવી, એ બાબતે સમજ કેળવવી વધુ અઘરી છે. મજાના મત્લા સાથે કવિએ ગઝલનો ઉઘાડ કર્યો છે. સરઓવરના કાંઠે બેસીને કવિ તરસની અને તરસપ્લાવિત એ તમામ દિવસો, જે એક-એક દિવસ વરસ સમાન વીત્યા હતા એની પણ વાત કરવા ઇચ્છે છે. મતલબ લાંબો ચાલેલ વિયોગ હવે પૂરો થયો છે અને પ્રિયજન સાથે મુલાકાત થઈ છે. આ મુલાકાતના કાંઠે બેસીને કવિ વિરહના દિવસો પોતે કેવી કપરી રીતે વિતાવ્યા છે એની વાત પ્રિયજનને કરવા ચહે છે. આખી ગઝલ સ-રસ છે પણ મત્લાની જેમ જ મક્તા પણ અદભુત થયો છે.

5 Comments »

  1. pragnajuvyas said,

    May 19, 2023 @ 5:42 AM

    કવિશ્રી બાબુલાલ ચાવડા ‘આતુર’ની સુંદર ગઝલનો સ રસ આસ્વાદ
    અદભુત મક્તા મા અંતવેળાની ઘડીભર તેજની સાથે તમસની વાતે યાદ આવે
    જેવી રીત માળી ખરેલાં પાન ક્યારામાં વાળી લીએ,
    નવા અંકુર પાંગરવા કાજ એ પાનને બાળી દીએ;
    તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે,
    કોમાં નવજીવન ભરજે,મારો કોને લોપ ન નડશો,
    મારો કોઈ શોક ન કરશો;જ્યારે આ આયખું ખૂટે,
    જીવનનો તાંતણો તૂટે.ત્યારે પ્રાર્થના
    હે, ભગવાન
    અનાયાસેન મરણમ્ એટલે મને તકલીફ વગરનું મરણ આપજો.
    વિના દૈન્યેન જીવનમ્ એટલે પરવશતા વગરનું જીવન આપજો.
    આજે મને કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું.., મને કોઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું…એવું જીવન ના જોઈએ ભગવાન.
    દેહાન્તે તવ સાન્નિધ્યમ્ એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ
    જેમ ભીષ્મને થયેલું તેમ.દેહિ મે પરમેશ્વરમ્
    એટલે હે પરમેશ્વર, આ વસ્તુ મને આપો.
    આ માંગણી નથી આ યાચના નથી
    આ પ્રાર્થના છે.પ્ર + અર્થના.
    અર્થના એટલે માંગણી યાચના
    પણ ‘પ્ર’ એટલે પ્રકૃષ્ટ આ પ્રકૃષ્ટ અર્થના છે.

  2. જય કાંટવાલા said,

    May 19, 2023 @ 11:59 AM

    વાહ

  3. Babulal Chavda said,

    May 19, 2023 @ 2:44 PM

    Many thanks dear Vivekbhai 🌹

  4. Poonam said,

    May 19, 2023 @ 5:39 PM

    મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં,
    પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે. Je Baat !
    – બાબુલાલ ચાવડા ‘આતુર’ –

    Aaswaad mast !

  5. લલિત ત્રિવેદી said,

    September 15, 2023 @ 11:46 PM

    આદરણીય pragnajuvyas નો સરસ આસ્વાદ..as usual..
    પડી છે બંધ વરસોથી એ નસની વાત.. વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment