વસ્તુ ભલે હો એક, છે અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
વિવેક મનહર ટેલર

પગને પરખી – મનોહર ત્રિવેદી

પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શોર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તોર
તરત જ ની૨વ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?
અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

– મનોહર ત્રિવેદી

*

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. (દયારામ)

– ઈશ્વરની કૃપા ઝીલવા માટે પાત્રતા જરૂરી છે. ભક્તિ અને તડપ સાચા હોય તો માર્ગની ધૂળ સુદ્ધાં પગને ઓળખી લઈ વટેમાર્ગુને દૂર આવેલી મઢૂલી સુધી પહોંચાડી આપે છે. ગનીચાચા પણ યાદ આવે: ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ!’ખરું ને? એકવાર સુરતા જાગી ગઈ, તો પાછળથી વહેરે આવતો સાંજનો શોર અને સમજણનો જૂઠો તોર-બધું જ ઓસરી જાય છે. વૈખરી પણ ખરી જાય છે અને પરા વાણી ખૂલી-ખીલી ઊઠે છે. ચોર્યાસી લાખ ભવના આંટાફેરામાં પોતાને કોણ અને કયા જન્મનું ઋણ ખેંચી લાવ્યું છે એ અળવીતરી દુવિધા સાંઈના ધૂણે મૂકી દેતાંમાં જ સંસારના ત્રિવિધ તાપ શાંત થઈ ભીતરે શાતા ફરી વળે છે. ઈશ્વરનો દરબાર ભરચકતાનો- અપારનો દરબાર છે. અહીં ઓછપને કોઈ સ્થાન નથી. અદીઠનો અંબાર પહેલવહેલીવાર નજરે ચડે એ પળે જ દુનિયા પાછળ છૂટી જાય છે. સરળ ભાષામાં ઊંડી અભિવ્યક્તિ!

4 Comments »

  1. pragnajuvyas said,

    March 23, 2023 @ 7:56 AM

    કવિશ્રી મનોહર ત્રિવેદીનુ ખૂબ સુંદર ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
    આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
    પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
    પગને પરખી પથની ધૂલિ રે
    મને લૈ ગઈ દૂર મઢૂલી રે
    અદભુત મસૃણતા વિશિષ્ટ સંવિધાનથી રચાયેલા સન્દર્ભમાં નીપજી આવે છે. કાવ્યની એક પંક્તિમાં એવો ઘોષ હોય કે એ પૂરી થયા પછી ક્યાં સુધી એની ચારે બાજુ નિસ્તબ્ધ શૂન્યતાનો પ્રસાર જ વર્તાયા કરે;
    માણો
    પગને પરખી પથની ધૂલિ રે.. કવિ.. મનોહર ત્રિવેદી. સ્વર નિયોજન, સંગીત, ગાયક. ડો. ભરત પટેલ

  2. Ramesh Maru said,

    March 24, 2023 @ 7:17 PM

    પગને પરખી પથની ધૂલિ રે
    મને લૈ ગઈ દૂર મઢૂલી રે

    મારી….. શોર
    ગયો….. તોર
    તરત જ ની૨વ વાણી ખૂલી રે

    કોણ…….ઋણે?
    અળવીતરી……ધૂણે
    ભીતરે ટાઢક ફાલીફૂલી રે

    ઓછપ……. પાર –
    આંખે……. અંબાર
    પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે

    ગીતનો ઉપાડ, મધ્ય ને છેલ્લે ગીતની પૂર્ણાહૂતિ આખેઆખ્ખું ગીત જાણે કે એક સાચા સાધકની સાધનાની પેઠે પોતાની મંજિલ સુધી જતું લાગે… કોઈ જ બનાવટ કે મિલાવટ જેવું સહેજેય નહીં…ગુરુમુખી ભજનની કક્ષા સુધી ભાવકને લઈ જાય છે…મનમાં રમતું થઈ જાય એવું લયબદ્ધ ને સુંદર ગીત…ખૂબ સ-રસ આસ્વાદ વિવેકસર…

  3. Varij Luhar said,

    March 24, 2023 @ 7:17 PM

    વાહ.. ખૂબ સરસ ગીત

  4. Poonam said,

    March 25, 2023 @ 11:07 AM

    મને લૈ ગઈ દૂર મઢૂલી રે… Humm
    – મનોહર ત્રિવેદી –
    Aasawad Sa ras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment