ટૂંકુંટચ હતું “સો”થી “રી”નું આ અંતર,
જીવન તોય ટૂકું પડ્યું કાપવામાં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જૈમિન ઠક્કર ‘પથિક’

જૈમિન ઠક્કર ‘પથિક’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(શ્વાસની માળા) – જૈમિન ઠક્કર ‘પથિક’

શ્વાસની માળામાં અવસર પ્રોઈએ;
જાતને થોડીક માણી જોઈએ.

આંખ સામે તક ઊભી હો ને બને-
આપણે હાથે કરીને ખોઈએ.

પાંખ હો તો પાંખ ફફડાવી શકો;
આભ મેળવવા અનુભવ જોઈએ.

ડાઘ લાગ્યો છે નગરના ચોક પર;
માત્ર સમજણનાં નયનથી ધોઈએ.

કોઈ અણગમતા સમયની યાદમાં;
આપણે શું કામ કાયમ રોઈએ?

હું, ‘પથિક’ સાચી દિશા પામ્યો છું પણ,
માર્ગ ચીંધ્યો’તો મને પણ કોઈએ.

– જૈમિન ઠક્કર ‘પથિક’

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘હવાનો પર્યાય’નું સહૃદય સ્વાગત.

सुब्ह होती है शाम होती है, उम्र यूँही तमाम होती है। (मुंशी अमीरुल्लाह तस्लीम) આપણામાંથી મોટાભાગના લોકો ઘાણીના બળદ જેવી જિંદગી જ જીવતાં હોય છે. શ્વાસની આ એકવિધ માળામાં અવસરના મોતી પરોવીને જાતને માણતા શીખવા કવિ આહ્વાન આપે છે. બધા જ શેર મનનીય થયા છે. સીધી સરળ ભાષામાં કવિએ જીવનના તારતમ્યો આબાદ રજૂ કર્યા છે.

Comments (15)