કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
દ્વારથી પણ હોય છે આગળ ઘણું.
વિવેક ટેલર

॥ ૐ હરિ ૐ ॥ – હરીશ મીનાશ્રુ

હરડે ફાકે છે તોય કરવા પડે છે બ્રાહ્મમહુરતમાં લોમ અનુલોમ
એ ઘડીએ તોંદ ઉપર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

દાઢ દુખે મંમદની, ઉપ૨ સે બીબડી ભી
કરતી હે રોજ પરેશાન
વિઠ્ઠલ તો વાંઢાવિલાસી, આ મામલામાં
એને છે ઊંડું ગનાન

મુદ્દા છે નાયગરા-વાયગરા, મૂસળી, આ ઢળતી જવાની ને જોમ
બહુચરાનો સેવક આ ચંદુડિયો અમથો કાં કૂદી પડે કરતો યા હોમ

દાક્તર તો ગુમ, હેલ્થ સેન્ટરમાં પશલો
તે ફુલ્લ ટાઈમ એમ્બીબીએસ
ડાબા ઢગરાને સ્હેજ ઊંચો કરીને મુખી
છોડે પેટાળ થકી ગેસ

માગશરમાં માવઠું કે મેંઢક ના હોય તોય ચોરામાં ગડગડતું વ્યોમ
ચૌદશિયા જીવોને પ્રિય અતિ ચા ભેગી ચોવટ, દેવોને જેમ સોમ

ભગલો ભગાવે ફૂલસ્પીડે એનો ઉસ્તરો
ને ઓચિંતો આવે જો બમ્પ
દુનિયાનું દાઢું છોલાય, ઊડે છોતું
ફટકડીને ફેરવી લે ટ્રમ્પ

વતું ને વાત પૂગે રામના અયોધ્યાથી પોપજીના વેટિકન રોમ
નીચી મૂંડીએ લોક ઘઉંના જવારા જેમ મૂંડાવે કેશ દોમ દોમ

ગામ આખું જાણે: ફલાણીની ખડકીમાં
ખાતું ખોલ્યું છે કોણે ભૂતિયું
લબદાયું સબિસડીવાળી એ ભગરીના
પોદળે તલાટીનું જૂતિયું

નવરી બજા૨, એમાં સંપીને વાળે નખ્ખોદ આમ પચરંગી કોમ
એ ઘડીએ તોંદ પર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી કવિતામાં બહુ ઓછા કવિ ભાષાને પોતાની મૌલિક અને આગવી શૈલી વિકસાવીને અછોઅછો વાના કરી શક્યા છે. રાજેન્દ્ર શુક્લની રચના નીચે કવિનું નામ ન લખ્યું હોય તોય ફતાક કરતુંકને કહી શકાય કે આ રચના એમની છે. આવું જ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે પણ કહી શકાય. માણસનો મૂળ સ્વભાવ પંચાતિયો. પોતાના દુઃખ ભૂલવાનો સૌથી સહેલો ઉપાય કોઈ હોય તો એ પારકી પંચાત. ગામેગામમાં વ્યાપ્ત નવરી બજારનું એક ખૂબ જ મજાનું અને હળવુંફૂલકું ચિત્ર કવિએ એમની અનોખી શૈલીમાં રજૂ કર્યું છે.

કબજિયાતથી શરૂ કરી હજામત સુધીની રોજબરોજની ક્રિયાઓને કવિએ મંદમંદ સ્મિત આપણા હોઠ પર રેલાવ્યે રાખે એવી રીતે રજૂ કરી છે. રાત્રે હરડે ફાકવાથી લઈને બ્રાહ્મમુહુર્તમાં પ્રાણાયમ કરવા સુધીના ઉપાય કર્યા બાદ પણ પેટ સાફ ન થાય ત્યારે છેવટે માણસ ભગવાનને પણ કષ્ટ આપવાનું ચૂકતો નથી. આમ, માનવસ્વભાવ અને ભગવાન સાથેના એના નિતાંત સ્વાર્થી સ્વભાવ ઉપર માર્મિક કટાક્ષ સાથે કવિ ગીતનો ઉપાડ કરે છે. મહંમદની દાઢ દુઃખે છે એ ઓછું હોય તેમ એની બીબી પણ રોજેરોજ એનો જીવ લેવામાં કસર છોડતી નથી અને મૂળભૂત ભારતીય સંસ્કાર પ્રમાણે વાંઢો વિઠ્ઠલ લગ્નજીવન વિશે ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી મહંમદને ઈલાજ પણ સૂચવે છે. ઢળતી જવાનીમાં પૌરુષી જોમ બરકરાર રાખવા માટે વાયગ્રા અને મૂસળીપ્રયોગ સૂચવાય છે, એ જ્ઞાનપિરસણીમાં બહુચરાજીનો ભક્ત ચંદુ પણ વણનોતર્યો યા હોમ કરતોક કૂદી પડે છે.

હેલ્થ સેન્ટરમાં તબીબની ગેરહાજરી અને કમ્પાઉન્ડરની મનમાનીનું ચિત્ર રજૂ કરી કવિએ ગામોમાં મૂળભૂત જરૂરિયાતોના અભાવની નસ બરાબર પકડી છે. દેવોને જેમ સોમરસ વહાલો છે એમ ગામના ચૌદશિયાઓને ચોવટ-પંચાત પ્રાણપ્યારી છે. હજામની દુકાન એટલે ગામનું અખબાર. વતુ અને વાતુંના તાણાવાણાથી વાળંદ દેશ-દુનિયાનું પોત વણે છે. ઝાડનું એક પાંદડુંય હલે તો ગામ આખાને એની જાણકારી મળી જાય એવું જબરદસ્ત નેટવર્ક ગામોમાં જોવા મળે છે. ગમની પચરંગી કોમ નવરી બજારમાં કઈ કઈ રીતે અનેર કેવું કેવું નખ્ખોદ વાળે છે એનું પચરંગી ચિત્ર કવિએ તાદૃશ રજૂ કર્યું છે…

6 Comments »

  1. Mayurika Leuva said,

    June 8, 2023 @ 12:17 PM

    ગામડાગામ અને એની પંચરંગી કોમનું આબાદ ચિત્ર ઊભું થયું છે. કવિનું અદ્ભુત કવિકવિકર્મ જોવા મળે છે.

  2. Harihar Shukla said,

    June 8, 2023 @ 3:43 PM

    વાહ વાહ વાહ વાહ નરી મોજ👌

  3. pragnajuvyas said,

    June 8, 2023 @ 7:04 PM

    કવિશ્રી હરીશ મીનાશ્રુનુ અદભુત ગીતનું ડૉ વિવેકજી દ્વારા ખૂબ સ રસ આસ્વાદ માણી ફરી આ ગીત ગણગણાવતા મજા આવી.
    યાદ આવે
    હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
    હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
    હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
    રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું
    પણ કવિશ્રીનો આવી રચના બાબત કવિશ્રીનુ રસદર્શન હોય તો વધુ મજા આવે.
    માણીએ એમના જ શબ્દોમા તેમની રચનાઓ અંગે વિગતે ચર્ચા

  4. Tanu patel said,

    June 8, 2023 @ 8:56 PM

    વાહ,, બહુ મઝા પડી ગઈ..

  5. Mukul choksi said,

    June 9, 2023 @ 10:36 AM

    અદભૂત

  6. લલિત ત્રિવેદી said,

    September 15, 2023 @ 11:52 PM

    બધું જ વાહ વાહ ને વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment