સવા શેર : ૧૦ : વાણીનું સમ્યક ઋણ – સંજુ વાળા
વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!
– સંજુ વાળા
કવિતાનું અગત્યનું લક્ષણ છે Paradox. કવિ નિશાન કંઈક સાધતા હોવાનું દેખાય અને નિશાન કંઈ બીજું જ સધાતું હોય એ વિરોધાભાસ કવિતાને ખૂબ માફક આવે છે. વળી, આ કવિની તો આ ખાસિયત છે. સંજુ વાળાની કલમેથી કંઈક સીધુંસટ કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું પ્રાપ્ત ભાગ્યે જ થશે. આ કવિ કવિતાના મર્મને પામી જઈ, કંઈક અલગ અને સાવ મૌલિક કામ કરવાના પથના પ્રવાસી છે. એમની કવિતા પૂરતી ભાવકસજ્જતા માંગી લેતી કવિતા છે. ક્યારેક એમની કવિતા ભાષા અને અર્થની સીમાપાર વિહરતી પણ લાગે, પણ સરવાળે પુરુષાર્થ કર્યા પછી કશું પ્રાપ્ત ન થાય એવો અનુભવ પણ ભાગ્યે જ કરાવે છે.
સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું ઋણ પૂરેપૂરું ન ફેડી શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું માગણું ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના કરે છે. હવે પ્રશ્ન થશે કે બંને પંક્તિ સીધી હરોળમાં ચાલે છે, તો ઉપર ઇંગિત કર્યો એ વિરોધાભાસ ક્યાં છે? ખમો થોડી વાર, ભઈલા!
એક તરફ કવિ કહે છે કે ભાષાનું સંપૂર્ણ કરજ ચૂકવવામાં નિષ્ફળ થવાની સજા જન્મોજનમ કવિ થવું એ છે, પણ વાસ્તવિક્તા એ છે કે સૂંઠના ગાંગડે કવિ થવાતું નથી. જે માણસ સમાજ પાસેથી શીખેલ ભાષાનો નિચોડ સમગ્રતયા કાઢી શકવાને સમર્થ હોય એ જ તો કવિ બની શકે છે. કવિનો શબ્દ અને લોકવ્યવહારના શબ્દ વચ્ચે આમ જુઓ તો કોઈ તફાવત જ નથી. કવિની ભાષા લોકભાષામાંથી જ જન્મી છે અને અલગ પણ નથી. પણ કવિનો શબ્દ જવાબદારીનો શબ્દ છે. કવિ ભાષાનો પ્રથમ અને સર્વોત્તમ પ્રહરી છે. કવિ કવિતામાં શબ્દ વાપરે છે ત્યારે એમાં એની જિંદગીભરની સમજ અને વિચારને પૂરી સૂઝબૂઝ સાથે વાપરે છે. પરિણામે કવિનો શબ્દ વ્યવહારમાંથી જ આવ્યો હોવા છતાં વ્યવહારથી ઉફરો અને ઊંચો તરી આવે છે. ભાષાનો સો ટકા અર્ક કાઢી શકનાર જ કવિ બને છે એની સામે એ અર્ક અપૂરતો કાઢી શકનારને જ કવિ બનવાની સજા મળતી હોવાની વાત કેવો માર્મિક અને છૂપો વિરોધાભાસ જન્માવે છે.
બીજી પંક્તિમાં કવિતાને સંબોધીને કવિ જનમજનમના કવિફેરામાંથી બચવા માંગતા હોય એમ આ જ જનમમાં સઘળું લેણું અદા કરી દેવાની વાત કરે છે ત્યારે પ્રથમદર્શી ખ્યાલ એ આવે કે કવિ કવિ બનવામાંથી છૂટકારો ઇચ્છે છે. પણ હકીકત એ છે કે કવિ હોવું એ પરમ સૌભાગ્યની વાત છે એનાથી કવિ સુપેરે વાકિફ છે. અને અપ્રગટ વિરોધાભાસ જન્માવીને કવિ એ જ વાતને અધોરેખિત કરે છે કે કવિ બનવાની એકમાત્ર શરત છે ભાષાના ચરણે અને શરણે સંપૂર્ણ સમર્પણ. કશું અડધું-અધૂરું કવિતામાં ચાલી શકે જ નહીં. સમાજ તરફથી આપણને જે ભાષા અને વાણી મળ્યાં છે, એનું દેવું પૂરેપૂરું ચૂકવવું એ દરેકેદરેક કવિની પરમ ફરજ છે.
સમ્યક શબ્દની અર્થચ્છાયા પર પણ એક બીજો લેખ લખી શકાય. પણ એ ફરી ક્યારેક.
pragnajuvyas said,
May 12, 2023 @ 8:21 PM
ગયા મહીને- જેમના દાદીમા ઊંચા ગજાના ભજનિક હતા.જેમના પિતાશ્રી પણ ગાયક અને ઉપાસક હતા.જેમના લયતત્વ અને સંગીતતત્વ સાથે શબ્દનો સથવારો લઇ પ્રગટ થયેલ ગઝલ રળિયામણું… રળિયામણું માણી હતી તેનો ખૂબ સુંદર મક્તા આજે સવા શેરમા ફરી માણ્યો.
ડૉ વિવેકના ખૂબ સ રસ આસ્વાદ માણતા વિચાર આવે કે આ ગઝલે તેમણે નથી લખી .
આ. ભગવતીકુમાર શર્મા કહેતા તેમ કોઇ અદ્રુશ્ય શક્તીએ લખાવી છે.તેનો આસ્વાદ તેઓ કરાવે તો
ગુઢ વાત વધુ સારી રીતે સમજાય.
વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે’ના વિચાર તરંગે…
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૭માં અધ્યાયના ૧૫મા શ્લોકમાં વાણીના તપ વિશે ભગવાને કહ્યું છે ‘ઉદ્વેગ ન થાય એવાં પ્રિય, હિતકારી અને યથાર્થ વચનો તથા જે વેદશાસ્ત્રોના વાચન અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે તેને જ વાણી સંબંધી તપ કહેવામાં આવે છે. એટલે કે વાણી પ્રિય, હિતકારી તથા સત્ય હોય. મંત્ર જપ તથા ભગવાનના નામસ્મરણથી અને તપથી વાણી શુધ્ધ થાય છે અને સિધ્ધ પણ થાય છે.;वाण्येका समलङ्करोति पुरुषं …વાતે
केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः
न स्नानं न विलोपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता र्धायते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥
સંતોએ પણ ગાયું છે…
ઐસી વાણી બોલીએ, મન કા આપા ખોય.
ઔર ન કો શિતલ કરે, આપહું શિતલ હોય.
ભગવાન તથાગત-બુધ્ધના મૂખમાંથી નીકળેલી વાણીએ ખૂંખાર ડાકુ અંગુલીમાલને બુધ્ધં શરણં ગચ્છામિ, ધર્મમં શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિના માર્ગે વાળવાનું-દ્રષ્ટિકોણ બદલવાનું અસંભવ કાર્ય સંભવિત કરી બતાવ્યું આ ”મધુર વાણી”નો ચમત્કાર !
સાંપ્રત સમયે પ્રશિક્ષણ આપતા કહેવાતી ખૂબ જરુરી વાત-
વાણી તો બાણ, ને ફૂલ કાં વિંધે કાં વધાવતી,
નંદવે વજ્ર હૈયાને, નંદાયા ફરી સાંધતી. આપણાં શાસ્ત્રો, સંતો ,વિદ્વાનો તથા જ્ઞાનીઓ કહે છે કે વાણીની પ્રેરકશક્તિ આપણી બુધ્ધિ છે. વાણીના અઢાર દોષો બતાવવામાં આવ્યા છે.
વાણીના દોષો:
૧) નિરર્થક વાણી બોલવી૨) અનેક વાક્યો દ્વારા એક જ ભાવને વારંવાર દોહરાવવો.૩) અપવિત્ર તથા અશ્લીલ વાણીનો પ્રયોગ કરવો૪) જરૂર કરતા વધારે બોલવું.૫) બહુ વિસ્તારપૂર્વક કહેવું.૬) કડવા વચનો કહેવા.૭) સંદિગ્ધ વાણીમાં કહેવું અર્થાત્ પોતાની વાત ગોળગોળ રીતે કહેવી.૮) શબ્દોને અંતે લંબાવીને બોલવા.૯) શ્રોતાથી બીજી બાજુ મોં ફેરવીને બોલવું.૧૦) અસત્ય બોલવું.૧૧) ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વિરુધ્ધ બોલવું.૧૨) કાનને અપ્રિય લાગે એવા કડવા શબ્દોનો પ્રયોગ કરવો.૧૩) બહુ મુશ્કેલીથી બોલી શકાય એવા શબ્દો બોલવા.૧૪) ઊલટપુલટ રીતે અયોગ્ય ક્રમમાં પોતાની વાત કરવી.૧૫) જરૂર કરતાં ઓછાશબ્દોમાં કહેવાનો પ્રયાસ કરવો જેનાથી શ્રોતાઓને કંઈ સમજ ન પડે એવી વાણી બોલવી.૧૬) કોઈ કારણ વગર જ બોલવું.૧૭) કોઇ ઉદેશ્ય વગર બોલવું.૧૮) નિરંતર બોલ બોલ કરવું.વાણીના આ અઢાર દોષ માનવામાં આવ્યા છે. વળી આગળ કહેવામાં આવ્યું છે કે (૧) કામ ૨) ક્રોધ ૩) લોભ ૪) ભય ૫) દીનતા ૬) અનાર્યતા ૭) હીનતા ૮) ગર્વ તથા ૯) દયાથી ગદ્ગદ્ થઈને બોલવું.આ નવ દુર્બુધ્ધિજન્ય વાણીના દોષ છે.
વક્તા જો કપટપૂર્વક બોલે તો સાચી વાત પ્રગટ થતી નથી. તેથી સ્પષ્ટ રીતે પોતાના હૃદયની વાત કહી દેવી જોઈએ. આ ઉપરાંત કેટલાક ગ્રંથોમાં વાણીના ગુણ કહેવામાં આવ્યા છે. જેમકે-
વાણીના ગુણઃ ૧) શ્લેષ ૨) પ્રસાદ ૩) સમતા ૪) મધુરતા ૫) સુકુમારતા ૬) અર્થની સુસ્પષ્ટતા ૭) ક્રાંતિ ૮) ઉદારતા ૯) ઉદાત્તતા ૧૦) ઓજ ૧૧) ઊર્જસ્વિતા ૧૨) પ્રિયતા ૧૩) શ્રેષ્ઠ શબ્દ ૧૪) સમાધિ ૧૫) સૂક્ષ્મતા ૧૬) ગંભીરતા ૧૭) અર્થની વ્યાપકતા ૧૮) ટૂંકમાં વધુ કહી દેવાની શૈલી ૧૯) ભાવુકતા ૨૦) ગતિ ૨૧) રીતિ ૨૨) ઉક્તિ ૨૩) પ્રૌઢી.
અંતે ડૉ વિવેક કહે છે તે પ્રમાણે ‘સમ્યક શબ્દની અર્થચ્છાયા પર પણ એક બીજો લેખ લખી શકાય. પણ એ ફરી ક્યારેક.’