અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ‘ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 18, 2023 at 12:30 AM by વિવેક · Filed under અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ‘, ગઝલ
એક આંસુ કેમ સચવાતું નથી?
ને ખરું દુ:ખ કેમ પકડાતું નથી?
વાદળો ખુદમાં ભરી દરિયો, ઊભાં,
છે જે અંદર કેમ ઉભરાતું નથી?
આટલો વરસાદ આવ્યો તે છતાં,
હૈયું મારું કેમ ભીંજાતુ નથી?
હોય જ્યારે ઘરમાં કંઈ મોટો પ્રસંગ,
એક અંગત કેમ સચવાતું નથી?
હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી?
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
ગઝલના પાંચેય શેર ‘કેમ’ પ્રશ્નની ધરી ઉપર ચકરાવો લે છે. સમસ્યાઓ બધી જ ચિરપરિચિત હોવા છતાં રજૂઆતની સહજતામાં અને સરળતામાં કંઈક એવી વિશેષતા છે, જે આપણને દરેક શેર પાસે ઘડીભર અટકી જવા પ્રેરે છે.
Permalink
September 1, 2022 at 11:14 AM by વિવેક · Filed under અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ‘, ગઝલ
પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.
માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.
જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.
માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…
આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.
Permalink
January 21, 2022 at 11:33 AM by વિવેક · Filed under અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ‘, ગઝલ
કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.
ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને.
હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને.
જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને.
મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
ચુસ્ત કાફિયા સાથે આખા વાક્યનો કાકુ બદલી નાંખતી એકાક્ષરી ‘ને’ રદીફ તંતોતંત નિભાવાઈ હોવાથી સહજ સરળ ભાષામાં એક સ-રસ મજાની ગઝલ આપણને સાંપડે છે.
નવી વાત ન હોવા છતાં સબળ રજૂઆતના જોર પર રચાયેલ મત્લા તો આફરીન પોકારાવે એવો. બાકીના શેરો પણ આસ્વાદ્ય થયા છે…
Permalink