મળશે જરૂર – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.
માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.
જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.
માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…
આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.
K T Joshi said,
September 1, 2022 @ 11:33 AM
બીજો શેર
બધા શેરમાં માનવાચક સંબોધન છે
તો આ શેરમાં કેમ તારા વપરાયું? – કદાચ છંદ સાચવવા
એ જ શેરમાં
જે ગયા છોડી નજીવી વાતમાં
આ લાઇનને આમ લખીએ તો – જે નજીવી વાતમાં છોડી ગયા
એટલે પદક્રમ દોષ ગણી શકાય કે નહીં?
ત્રીજો શેર
અસ્પષ્ટ જણાય છે – નીચેની પંક્તિમાં આ શબ્દ ન હોય તો શું ફેર પડે? – રદીફ ન હોય તો પણ કાંઈ ખાસ ફરક નથી પડતો
અંતિમ શેર
માવજત કરવી અથવા ન કરવી – ખોટી માવજત અને સાચી માવજત શું એ તો કવયિત્રી અથવા પોસ્ટ કરનાર સમજાવે તો જ ખ્યાલ આવે
DILIPKUMAR CHAVDA said,
September 1, 2022 @ 12:31 PM
વાહ સહજ સરળ અને માણવા લાયક ગઝલ…
યોગેશ પંડ્યા said,
September 1, 2022 @ 2:40 PM
સરસ ગઝલ…
Poonam said,
September 1, 2022 @ 6:05 PM
“ પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર. “ Ji ha !
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ –
pragnajuvyas said,
September 2, 2022 @ 2:00 AM
કવયિત્રી અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ‘ ના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…
સહજ ગમી જાય તેવી સુંદર ગઝલનો વિવેક દ્વારા સ રસ આસ્વાદ
પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.
સર્વ ધર્મ સાર…વારંવાર કહેવાતી વાત
પ્રેમથી બંધાઉં, કેવલ પ્રેમથી બંધાઉં ! પ્રભુ પ્રત્યે પ્રેમ, ભક્તિ, લાગણી, ભાવના, ઊંર્મિ વગેરે વહાવવાનું અનેરું માધ્યમ પ્રાર્થના છે.પ્રાર્થના એટલે ભગવાન સમક્ષ અરજ કરવી. પ્રાર્થના શ્રદ્ધાનો વિષય છે.
નેહા said,
September 2, 2022 @ 8:23 PM
વાહ અંજુમ’આનંદ’. સરસ ગઝલ લખવા માટે અભિનંદન.
preetam lakhlani said,
September 3, 2022 @ 9:12 AM
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર…..સારો શેર , બસ ગમતાના ગુલાલ વિશે શું વઘારે લખું?
સોલંકી વનરાજસિંહ said,
September 4, 2022 @ 2:10 PM
વિવેકભાઈ લયસ્તરોનું સ્તર જળવાઈ રહે એનું ધ્યાન રાખજો. ખૂબ નબળું લખાણ છે આ